એકસ્ટ્રા કોમેન્ટ - કૃષ્ણકાંત ઉનડકટ.
જસપાલ ભટ્ટી માત્ર હાસ્ય કલાકાર ન હતા. એ એક એવા સોશિયલ એક્ટિવિસ્ટ હતા, જેનું શસ્ત્ર હાસ્ય હતું હકીકતે જે વાત પર રડવું જોઈએ એના પર એ હસી અને હસાવીને એવો મેસેજ આપતાં હતા કે બધુ ખાડે જઈ રહ્યું છે, કોઈક તો આ સુધારવા માટે પ્રયત્ન કરો !
‘પાવર કટ’ના પ્રમોશનમાંથી પાછા ફરતી વખતે પંજાબના જલંધર નજીક કાર ઝાડ સાથે અથડાઈ અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટીએ ઓચિંતી એક્ઝિટ લઈ લીધી. આ શુક્રવારે (આજે) જ તેની ફિલ્મ ’પાવર કટ’ રિલીઝ થવાની હતી. જસપાલ ભટ્ટી એવા ઝિંદાદિલ માણસ હતા કે જો મરતાં પહેલા એને થોડુંકેય ઓન સ્ક્રીન બોલવા મળ્યું હોત તો કદાચ એવું જ કહેત કે, યે તો ‘પાવર કટ’ રિલીઝ હોને સે પહેલે હી મેરી લાઈફકા પાવર કટ હો ગયા !
એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે કે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ કોઈની વિદાય થઈ જાય. યશ ચોપરાની ફિલ્મ ’જબ તક હૈ જાન’ દિવાળી પર રિલીઝ થાય એ પહેલાં તેઓ ચાલ્યા ગયા. તેની પાછળ જ જસપાલ ભટ્ટી ગયા. જસપાલ ભટ્ટીનું ચાલ્યું તો એ ઉપર જઈને ભગવાનને પણ હસાવશે કે આવું કરવાનું? યશ ચોપરાને તો ફિલ્મ રિલીઝના ૨૪ દિવસ પહેલા બોલાવ્યા અને મને તો મારી ફિલ્મ રિલીઝ થાય એના આગલા દિવસે જ ઉપાડી લીધો ! ભગવાન, તમારો કંઈ ફિલમ-બિલમ બનાવવાનો પ્લાન નથી ને ? રોમાન્સના કિંગ પછી કોમેડીના કિંગને બોલાવી લીધો!
જસપાલ ભટ્ટી જિંદગીની તમામ કરુણતાઓ ઉપર હળવા દિલે વ્યંગ કરતા હતા. એ એવું બોલતા કે તમને હસવું ચોક્કસ આવે પણ સાથોસાથ દિલમાં એકાદો છદ્ધકો પણ પડે ! ભ્રષ્ટાચાર અને મોંઘવારી તેના ફેવરિટ સબજેકટ હતા. કોમેડી દ્વારા તેઓ નેતાઓના કાન ખેંચતા અને આંખ ખોલવાનો પ્રયત્ન કરતા જસપાલ ભટ્ટી માત્ર હાસ્ય કલાકાર ન હતા પણ એક એવા તાક્તવર સોશિયલ એક્ટિવિસ્ટ હતા જે લોકોને ’જગાડવા’ માટે હસાવતા હતા.
અત્યારે મોટા ભાગની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ચેનલ્સ પર કોઈને કોઈ પ્રકારના કોમેડી શો આવતા રહે છે, એનું સ્તર એકદમ ઘટિયા અને થર્ડકલાસ છે. વલ્ગારિટી અને દ્વિઅર્થી ભાષાથી લોકોને હસાવવાનો વાહિયાત પ્રયાસ થાય છે, તેની સામે જસપાલ ભટ્ટીએ આજથી ત્રીસ વર્ષ પહેલા દૂરદર્શન પર ’ફલોપ શો’ અન ‘ઊલટા પુલટા’ નામની કોમેડી સિરિયલ આપી હતી. લોકોના દિલોની વેદના એ બખૂબી ટચૂકડા પડદે હાસ્ય વેરીને બતાવતા હતા. લોકોને જગાડવાનો અને નેતાઓને સુધારવાનો તેનો પોતાનો રસ્તો હતો. આજના કોમેડી શોના બનાવનારાઓએ એક વખત જસપાલના શો જોઈ લેવાની જરૂર છે, હાસ્ય કેવું નિર્મળ અને નિર્ભેળ હોવું જોવું જોઈએ એ તેમને સમજાઈ જશે. જસપાલની એક કલબનું નામ નોનસેન્સ કલબ હતું, એ વાત જુદી છે કે તેની દરેક નોનસેન્સમાં એક અનોખી સમજ અને સેન્સ ઓફ હ્યુમર ઠાંસી ઠાંસીને ભરી હતી.
જસપાસ ભટ્ટી કાર્ટૂનિસ્ટ હતા. ‘ટ્રિબ્યુન’ અખબાર માટે કાર્ટૂન દોરતા. પત્ની સવિતા ભટ્ટી તેની જોડીદાર નંબર વન રહી છે. જસપાલ અને સવિતાને સ્ક્રીન પર લડતાં જોઈને જ બધાને મોજ પડી જતી. પંજાબીમાં બનેલી તેની દરેક ફિલ્મમાં કોઈને કોઈ સામાજિક મુદ્દાને લઈને તેઓ બરાબરની ફીરકી લેતા. તેની દરેક વાતમાં એક તર્ક હતો અને દરેક વ્યંગમાં એક મર્મ હતો. તેની વેબસાઈટ જસપાલ ભટ્ટી ડોટ કોમ પર એ બ્લોગ લખતા, આ બ્લોગને તેણે નામ આપ્યું હતું, સિરિયસલી ફની બ્લોગ, તેની એક્ટિંગ સ્કૂલનું નામ છે મેડ આર્ટ ફિલ્મ સ્કૂલ. તેના જીવનનો મંત્ર હતો કે સિરિયસમાં સિરિયસ કામ જો હળવાશથી કરાય તો જ સફળ થાય ! ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવેલા આ વ્યક્તિ પાસે એવું એન્જિનિયરિંગ હતું જે લોકોના ચહેરા પર પ્રકાશ ફેલાવી દેતું હતું અને રાજકારણીઓને કરંટ આપતું હતું !
( ‘સંદેશ’, તા.26 ઓકટોબર,2012. શુક્રવાર. ‘એકસ્ટ્રા કોમેન્ટ’ કોલમ )
No comments:
Post a Comment