Aug 24, 2013 |
બાયોગ્રાફી - હસમુખ ગજ્જર
જન્મ - ૬ ફેબ્રુઆરી, ૧૯૬૩જન્મ સ્થળ - ભોપાલ,મધ્યપ્રદેશ
અભ્યાસ - આઇઆઇએમ,અમદાવાદ
ઓળખ- ભારતીય રિઝર્વ બેંકના ૨૩મા ગવર્નર
ગગડી રહેલા રૂપિયા અને ગબડી રહેલા અર્થતંત્રને સ્થિર કરવાનો પડકાર હવે રિઝર્વ બેન્કના નવા ગવર્નર રઘુરામ રાજનના શિરે છે. દેશમાં આર્થિક મૂડીરોકાણ, નિકાસ તથા રૂપિયાની કિંમતમાં ઘટાડા જેવી ત્રિવિધ આર્થિક મુશ્કેલીઓ આકાર લઈ રહી છે ત્યારે આવા સંજોગોમાં નવા ગવર્નરના એક એક પગલા પર દેશવાસીઓ આશાની મીટ માંડીને બેઠા છે. જોકે, દેશના અથતંત્રને પાટા પર લાવવા માટે પોતાની પાસે જાદુઈ લાકડી જેવા કોઈ તિલસ્મી ઉપાયોની અપેક્ષા ન રાખવી એવો ફોડ તેમણે પહેલેથી પાડી દીધો છે.
* ભારતીય રિઝર્વ બેન્કના ૨૩મા ગવર્નર તરીકે રાજન ૪થી સપ્ટેમ્બરથી હોદ્દો સંભાળશે. નિવૃત્ત થઈ રહેલા ગવર્નર ડી. સુબ્બારાવનું સ્થાન લેનારા રાજન ત્રણ વર્ષ સુધી ગવર્નર તરીકે રહેશે.
* રાજન આયોજન પંચની નાણાકીય સુધારાની કમિટીમાં અને વડાપ્રધાન મનમોહનસિંહના માનદ્ સલાહકાર પણ રહી ચૂક્યા છે.
* રાજન ૪ સપ્ટેમ્બરના રોજ ગવર્નર તરીકે વિધિવત્ શપથ લેશે એ પહેલાં રિઝર્વ બેન્કમાં ત્રણ સપ્તાહ સુધી વિશેષ કાર્ય અધિકારી તરીકે બેન્કના કામકાજથી વાકેફ થશે.
* તમિલ રઘુરામનનો જન્મ ભોપાલમાં થયેલો છે. તેઓ ૭ વર્ષના હતા ત્યારથી જ તેઓને પરદેશ ભણવા મોકલી દેવામાં આવ્યા હતા. તેઓ અભ્યાસના ભાગરૂપે શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને બેલ્જિયમમાં જેવા દેશોમાં રહી ચૂક્યા છે.
* રઘુરાજન દિલ્હી ખાતેની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરીંગમાં ગ્રેજ્યુએટ થયા હતા.૧૯૮૭માં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ -અમદાવાદ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમણે ૧૯૯૧માં બેંકિંગ વિષય પર પીએચડી કર્યું હતું.
* રઘુરામ રાજન એકમાત્ર એવા અર્થશાસ્ત્રી છે કે જેમણે ૨૦૦૮માં આવનારી વૈશ્વિક આર્થિક મંદીની આગાહી ૩ વર્ષ પહેલાં કરી હતી. ૨૦૦૫માં રાજને આ ભવિષ્યવાણી કરી ત્યારે અંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF)માં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કાર્યરત હતા.
* રાજન આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષમાં અર્થશાસ્ત્રી ઉપરાંત તથા વિશ્વ બેન્ક જેવી સંસ્થાઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ ગ્રેજ્યુએટ થયા બાદ યુનિર્વસિટી ઓફ શિકાગોની સ્કૂલ ઓફ બિઝનેસમાં જોડાયા હતા.
* ૭ ઓગસ્ટના રોજ 'મિલેનિયમ પોસ્ટ' નામના મેગેઝિનમાં તેઓ અમેરિકન નાગરિકત્વ ધરાવતા હોવાનું છપાતાં વિવાદ થયો હતો. આ બાબતે ૧૨ ઓગસ્ટના રોજ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીએ સરકારને રાજનના નાગરિકત્વ અંગેની વિગતો પાર્લામેન્ટમાં જાહેર કરવાની માગણી કરતાં તેમના ભારતીય પાસપોર્ટની કોપી સ્પીકર દ્વારા જોષીને પહોંચાડવામાં આવી અને આખરે વિવાદ શમ્યો હતો.
* રાજને અર્થતંત્ર સુધારવા માટે પોતાની પાસે જાદુઈ છડી નહીં હોવાનું સ્પષ્ટપણે જણાવીને સ્પષ્ટવક્તા હોવાની છાપ ઊભી કરી છે.
No comments:
Post a Comment