ન્યૂ યોર્ક, તા. ૨૧
ઉત્તર પૂર્વ પોલેન્ડમાં સ્થિત હિટલરનું વિશ્વવિખ્યાત સૈન્ય બંકર સંગ્રહાલયમાં ફેરવીને હવે તેને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. હાલ આ વોલ્ફ્સ લેયર નામનું બંકર ઉત્તર-પૂર્વ પોલેન્ડના માજુરિયનમાં સ્થિત છે. વર્ષ ૧૯૪૪માં આ સૈન્ય બંકરમાં જર્મન લશ્કરના કેટલાક અધિકારીઓએ જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરને મારવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમાં તેમને સફળતા મળી નહોતી.
બીજા વિશ્વયુદ્ધ બાદ હવે તેને મ્યુઝિયમમાં ફેરવવામાં આવી રહ્યું છે. હિટલરે વોલ્ફ્સ લેયરનું હેડ ક્વાર્ટર તરીકે નિર્માણ કર્યું હતું. તેમાં લગભગ ૬૦૦ એકરમાં ફેલાયેલા જંગલનો પણ સમાવેશ થાય છે. એક અખબારી અહેવાલ મુજબ, 'આપણે ઇતિહાસ પર નવેસરથી કાર્ય કરવાની જરૃર છે, જેથી નવી પેઢી તેને સમજીને તેનો અભ્યાસ કરી શકે.'
બ્રિફકેસ બોમ્બથી હિટલરને મારવાની યોજના ઘડાઈ હતી
વોલ્ફ્સ લેયર જર્મન લશ્કરના કર્નલ ક્લોઝ વોન સ્ટોફેનબર્ગ દ્વારા હિટલરને મારવાના નિષ્ફળ પ્રયાસ માટે જાણીતું છે. તેને ઓપરેશન વલ્કાઇરીના નામે પણ ઓળખવામાં આવે છે. ૧૯૪૪માં ૨૦મી જુલાઈ સ્ટોફેનબર્ગે વોલ્ફર લેયરના મીટિંગ રૃમમાં હિટલરની પાસે એક બ્રિફકેસ બોમ્બ મૂક્યો હતો. જોકે સ્ટોફેનબર્ગ રૃમની બહાર જતાં જ એક અધિકારીએ આ બ્રિફકેસ ત્યાંથી હટાવી દીધી હતી. હિટલર ત્યાં મૂકવામાં આવેલા ભારેભરખમ મેજને કારણે વિસ્ફોટમાં બચી ગયા હતા, જોકે તેમને થોડી ઘણી ઇજાઓ થઈ હતી. ત્યાર પછી સ્ટોફેનબર્ગની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય કાવતરાખોરોની સાથે તેને પણ મારી નાખવામાં આવ્યો હતો.
No comments:
Post a Comment