મારું કેન્સર મારા જીવનનો એક અધ્યાય પણ રહ્યો છે (કભી કભી)
એનું નામ છે આનંદા.
આખું નામ છે આનંદા શંકર. આનંદા દેશનાં સુપ્રસિદ્ધ કલાસિકલ ડાન્સર છે. તેમને પદ્મશ્રી સહિત કેટલાંયે રાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યાં છે. ૨૦૦૮ના વર્ષમાં તેમને સ્તનનું કેન્સર થઈ ગયું. આ ખબર બહાર આવતાં જ તેમનાં ચાહકવર્ગમાં નિરાશા ફેલાઈ ગઈ. પરંતુ આનંદાની નૈતિક હિંમતે તેમને ફરી સ્વસ્થ કરી દીધાં. મજબૂત ઈચ્છા શક્તિના કારણે તેમણે આ ગંભીર બીમારી પર વિજય પ્રાપ્ત કરી લીધો.
- સુપ્રસિદ્ધ નર્તકી ડો. આનંદા શંકરે તેમને થયેલા કેન્સર પર મેળવેલા વિજયની કથા
આનંદા શંકરની નૃત્ય પ્રત્યેની લગની બચપણમાં જ શરૂ થઈ હતી. માત્ર ચાર જ વર્ષની હતી ત્યારે સિકંદરાબાદના સુબ્રહ્મણ્યમ મંદિરમાં કોઈએ એને જોઈને એની માતા સુભાષીની શંકરને કહ્યું હતું : ''તમારી દીકરી વિસ્ફારીત આંખો જોતાં લાગે છે કે, તમારે તેને નૃત્યની તાલીમ આપવી જોઈએ. એ પછી તેને પહેલા શરદ કેશવ રાવ પાસે નૃત્યુની તાલીમ આપવા મોકલી હતી. માત્ર ૧૧ વર્ષની વયે નૃત્યમાં સુવર્ણચંદ્રક જીતી લીધો હતો અને ચેન્નાઈની 'કલાક્ષેત્ર' સંસ્થામાં દાખલ થઈ ભરત નાટયમ્, કર્ણાટક સંગીત, વીણા, નૃત્ય થિયરી, ફિલોસોફીનું શિક્ષણ અને તાલીમ લીધાં હતાં. હૈદરાબાદ આવ્યા બાદ તેણે કુચીપુડી નૃત્ય પણ શીખી લીધું હતું. માત્ર ૧૭ વર્ષની વયે તે ડાન્સ ટિચર બની ગઈ હતી. નૃત્ય ઉપરાંત તેણે ઈતિહાસ, સંસ્કૃતિ, અને આર્િકયોલોજીમાં એમ.એ. કરી લીધું. ત્યાર પછી ''પ્રમોશન ઓફ ટૂરિઝમ ઓફ ઈન્ડિયા''ના વિષય પર પીએચ.ડી. પણ કર્યું. વિશ્વપ્રવાસી આનંદા શંકરનાં ડાન્સપ્રોડકશન્સ ''શ્રી કૃષ્ણમ્ વંદે જગદગુરુમ'' અને ''બુદ્ધ શરણમ્ ગચ્છામી '' અત્યંત જાણીતાં છે.
આનંદા શંકરની કહાણી તેમના જ શબ્દોમાં જુઓ : ''જ્યારે હું ચાર વર્ષની હતી. ત્યારે મારી મા મને ડાન્સ શીખવાનું કહેતી હતી. મેં બચપણથી જ નૃત્ય શીખવાનું ચાલુ કર્યું. પુષ્કળ પરિશ્રમ કરીને મેં કલાસિકલ ડાન્સ શીખી લીધો. એ પછી શાસ્ત્રીય નૃત્યને જ મેં મારું જીવન બનાવી દીધું. નૃત્ય જ મારી પ્રેરણા અને નૃત્ય જ મારી તાકાત બની ગઈ. દેશ-વિદેશમાં મેં કલાસિકલ ડાન્સના સેંકડો શો કર્યા. શાસ્ત્રીય નૃત્યના કારણે જ મને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર મને કેટલાંયે એવોર્ડ્સ પ્રાપ્ત થયા. ભારતનો શ્રેષ્ઠ એવોર્ડ 'પદ્મશ્રી' પણ મને એનાયત થયો. એ ૨૦૦૭નું વર્ષ હતું. આ એવોર્ડ મળવાથી હું બહુ જ ખુશ હતી.
પરંતુ તા.૧ જુલાઈ ૨૦૦૮ના રોજ મને આઘાતજનક ખબર મળ્યા. ડોક્ટરોએ મને બ્રેસ્ટ કેન્સર હોવાનું કહ્યું. હું સ્તબ્ધ બની ગઈ. ઊંડા આઘાતમાં સરી પડી. 'કેન્સર' શબ્દ સાંભળતાં જ હું ગભરાઈ ગઈ. હું હતાશ થઈ ગઈ. મેં કેન્સર, સ્ટેજ, ગ્રેડ,રેડિએશન અને ક્મિોથેરપી જેવા શબ્દો સાંભળ્યા હતા પરંતુ હવે મને ડરનો અહેસાસ થયો. અત્યાર સુધી 'કેન્સર'ને એક રાશી તરીકે પણ હું ઓળખતી હતી. સ્ટેજને હું રંગમંચ સમજતી હતી જ્યાં નૃત્ય કરી શકાય. ગ્રેડને પરીક્ષામાં અપાતા અંકો જ સમજતી હતી. એવા ગ્રેડ મને સ્કૂલમાં મળતા હતા. પરંતુ હવે ડોક્ટર મને કેન્સર ક્યા સ્ટેજમાં છે અને ક્યા ગ્રેડનું છે તે સમજાવી રહ્યા હતા. ડોક્ટરોની વાત સાંભળતાં જ મારું હૃદય ધ્રૂજી ઊઠયું. મને લાગ્યું કે હવે બધું જ ખતમ થઈ ગયું. જીવન, નૃત્ય, આશાઓ- એ બધું જ સમાપ્ત થઈ ગયું હોય એમ લાગ્યું. જાણે કે હું અંધકારની ગર્તામાં સરી પડી. મારા જીવન પર આ એક પ્રકારનો વજ્રઘાત હતો.
એક નર્તકીના રૂપમાં મેં ક્રોધ, ધૃણા, હાસ્ય તથા ભય જેવા નવ રસ બહુ જ આસાનીથી વ્યક્ત કરતાં શીખી લીધું હતું પરંતુ હવે હું સાચા અર્થમાં ભયભીત હતી. જે ભાવોને હું ડાન્સ દરમિયાન અભિવ્યક્ત કરતી હતી તે સાચુકલા ભાવનો મને અહેસાસ થયો. મને લાગ્યું કે હવે મારા જીવનનો ટૂંકમાં જ અંત છે.
હું ખૂબ રડી. મેં મારા પતિ જયંતને પૂછયું : ''શું હવે મારા જીવનનો અંત નજીકમાં જ છે ? શું હવે હું કદી પણ નૃત્ય કરી શકીશ નહીં ? હવે કેટલા દિવસો મારા માટે બચ્યા છે ?''
મારા દિમાગમાં આવા હજારો સવાલ હતા. હું મારી જાતને સંભાળી શક્તી નહોતી. મારા પતિએ મને સાંત્વના આપવા પ્રયત્ન કર્યો. મારા પતિ કે જેઓ ખુદ એ સકારાત્મક દૃષ્ટિકોણવાળા માનવી છે. તેમણે મને સમજાવ્યું: ''નહીં, આનંદા ! આ પણ તારા જીવનનો એક દોર છે. આ સમય પણ ગુજરી જશે. અને આ સમય વીતી ગયા બાદ તું ફરીથી નૃત્ય કરી શકીશ.''
મારા પતિની વાત સાંભળ્યા બાદ મેં મારી નૈતિક તાકાત કેળવવા પ્રયાસ આદર્યો. પહેલાં તો મને લાગતું હતું કે મારું જીવન મારા જ નિયંત્રણમાં છે, પરંતુ મને કેન્સર છે એ વાત જાણ્યા બાદ મારી જીવન પ્રત્યેની દૃષ્ટિ જ બદલાઈ ગઈ. મને લાગ્યું કે,આપણું જીવન ત્રણ બાબતો પર નિયંત્રિત છે- વિચાર, મસ્તિષ્ક અને કાર્ય. એ સમય મારા જીવનનો અત્યંત નાજુક સમય હતો. હું એ પીડામાંથી બહાર નીકળવા માંગતી હતી. મેં કેન્સર સામે લડવાનો નિર્ણય કરી લીધો. મે મારી આંખોના આંસુ લૂછી નાંખ્યા. મેં જાતે જ લોકોને કહેવાનું શરૂ કર્યું: ''હા, મને કેન્સર છે, પરંતુ મારા જીવનનો તે એક અધ્યાય માત્ર છે. હું જલદીથી તેમાંથી બહાર આવી જઈશ.''
સાચું કહું ? મેં મારી બીમારી લોકોથી છૂપાવવાના બદલે, મેં જ સામેથી મારા મિત્રો અને સગાંસંબંધીઓને મારી બીમારી અંગે જાણ કરી. મેં એે બધાંને સાફ કહી દીધું : ''મને કેન્સર છે, પણ મને કોઈ સહાનુભૂતિની જરૂર નથી. લોકો મારી તરફ સહાનુભૂતિ વ્યક્ત કરે તે હું બિલકુલ ચાહતી નથી. લોકો મને 'બિચારી' કહીને બોલાવે તેવું હું જરા પણ ઈચ્છતી નથી.
એ પછી મારી ખરી પરીક્ષા શરૂ થઈ. મારો ઈલાજ શરૂ થયો. એ કઠણ સમય હતો. મને કિમોથેરપી આપવામાં આવી. મને લાગ્યું કે, મારા આખા શરીરમાં આગ લાગી ગઈ છે. મારા માથાના વાળ જતા રહ્યા. ઈલાજ શરૂ થયાના ત્રણ જ મહિનામાં એક ખૂબસુરત સ્ત્રી જાણે કે કમજોર અને અશક્ત મહિલા બની ગઈ. સામાન્ય રીતે હું સતત ત્રણ કલાક નૃત્ય કરી શકતી હતી, પણ હવે હું સારવાર દરમિયાન વિમાનનાં પગથિયાં પણ ચડી શકતી નહોતી. આ એક દર્દનાક સમય હતો. મેં મારી જાતને સમજાવી કે આંસુ અને ભયને મારા પર રાજ કરવા નહીં દઉં. અલબત્ત, એ કઠણ કાળમાંથી બહાર આવવા માટે મારે કોઈની મદદની જરૂર હતી. અને એ મદદ મારા નૃત્યએ જ મને કરી. મારા નૃત્યએ જ મને પ્રેરણા આપી. નૃત્યના કારણે જ કેન્સર સામે લડવાની મને તાકાત મળી. મેં નક્કી કરી નાખ્યું કે, મારે એક દિવસ ફરી સ્ટેજ પર જઈ નૃત્ય કરવા જીવવું છે, અને હું બચી જઈશ. એક ખતરનાક આઘાતમાંથી બહાર આવવા મેં કરેલો સંઘર્ષ એક યુદ્ધથી ઓછો નહોતો. આ એક મુશ્કેલ લડાઈ હતી, પણ હું એ જંગ જીતવામાં કામયાબ રહી.
મારે તમને કહેવું જોઈએ કે મારા એ જીવન માટેના સંઘર્ષના સમયમાં પણ હું ડાન્સ સ્ટુડિયો જતી હતી. મેં નૃત્યની ઝીણવટભરી બાબતોનો ફરી અભ્યાસ શરૂ કર્યો. મેં નૃત્યની ભાવભંગિમાઓ અને દર્શન પર નવી જ દૃષ્ટિથી મારું ધ્યાન કેન્દ્રિત કર્યું. એ દરમિયાન મારી પણ સર્જરી પર કરવામાં આવી. સર્જરીના થોડા અઠવાડિયાઓ બાદ હું ફરી સ્ટેજ પર ગઈ. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે કિમોથેરપી અને રેડિએશનની સારવાર દરમિયાન પણ હું ડાન્સ સ્ટુડિયોમાં જતી હતી. મને ડાન્સ સ્ટુડિયોમાં જોઈ બધાને આશ્ચર્ય થતું હતું. પરંતુ હું સહજ હતી. સાચું કહું? ડાન્સ કરતી વખતે હું મારું બધુ જ દર્દ ભૂલી જતી હતી... અને એ રીતે હું મારી બીમારીમાંથી બહાર આવવામાં સફળ રહી.
મારી કહાણી કોઈ વ્યક્તિ વિશેષની દાસ્તાન નથી. આ કહાણી ઘોર નિરાશા પર આશાની જીતની કહાણી છે. આપણા જીવનમાં મુશ્કેલીઓ અને પડકારો તો આવશે જ, જેને આપણે રોકી શકતા નથી. પરંતુ આ કહાણી એ વિચારોની તાકાતની કહાણી છે. આ કહાણી એ સકારાત્મક વિચારોથી થતી જીતની કહાણી છે. આ કહાણી વિકલ્પની તાકાતના બ્યાનની કહાણી છે. જો તમારા વિચારો બુલંદ હોય અને બહેતર વિકલ્પ પસંદ કરો તો જીવનની મોટામાં મોટી મુશ્કેલી સામે તમે લડી શકો છો. જીવનનો મુશ્કેલ સમય તમને તમારી આંતરિક તાકાતની અનુભૂતિ કરવાની તક બક્ષે છે. આજે મને લાગે છે કે, મેં કેન્સરના મેદાનમાં એક યુદ્ધ જીતી લીધું છે. હું નથી ઈચ્છતી કે લોકો મને કેન્સર હોવા છતાં બચી ગયેલી મહિલા તરીકે ઓળખે. હું ઈચ્છું છું કે,લોકો મને કેન્સર સામે વિજય પ્રાપ્ત કરનારી મહિલા તરીકે યાદ રાખે.''
ડો. આનંદા શંકર કહે છેઃ ''નૃત્ય મારા જીવનનો અર્ક છે. તમારા નામની આગળ કોરિયોગ્રાફર શબ્દ લગાડતાં પહેલાં તેને સમજો,વિચારો અને નવી દુનિયાનું સંશોધન કરો. કોઈનીયે નકલ ના કરો. યોગ્ય ગ્રુપ સાથે ફ્રી લાન્સ પરફોર્મ કરો. પીઠ પાછળ કોઈનીયે બદબોઈ ના કરો. તમારે જ આ મશાલ આગળ લઈ જવાની છે.
No comments:
Post a Comment