મુંબઈ, તા. ૨૧
બોલિવૂડને પ્રેમની પરિભાષા શીખવનાર ફિલ્મનિર્દેશક યશ ચોપરાનું રવિવારે સાંજે નિધન થયું હતું. બોલિવૂડના આ લોકપ્રિય ડિરેક્ટરે રોમાન્સ કેમ કરવો અને રોમાન્સ કેવો હોવો જોઈએ તેનાં બીજ ભારતીય ફિલ્મ ચાહકોનાં દિલમાં રોપ્યાં હતાં. દર્શકોને પ્રેમઘેલા બનાવનાર આ ફિલ્મડિરેક્ટરની અણધારી એક્ઝિટે દેશના લાખો ફિલ્મદર્શકોને આંખોમાં આંસુ વહાવતા છોડીને અલવિદા કહી છે. ૮૦ વર્ષના યશ ચોપરાને ડેન્ગ્યુની બીમારીમાં પટકાતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં રવિવારે સાંજે તેમણે નશ્વર દેહ છોડીને સૌને વિલાપ કરતા છોડી દીધા હતા.
યશજીએ બોલિવૂડને અનેક યાદગાર અને રોમેન્ટિક ફિલ્મોની ભેટ આપી હતી, જેમાં દાગ, કભી કભી, સિલસિલા, ચાંદની, લમ્હે, દીવાર, ત્રિશુલ, ધુલ કા ફૂલ, ધરમપુત્ર વગેરેનો સમાવેશ થાય છે. યશજીએ તાજેતરમાં શાહરુખ ખાન, અનુષ્કા શર્મા, કેટરિના કૈફને લઈને ફિલ્મ 'જબ તક હૈ જાન' નું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મ દિવાળી સમયે રિલીઝ થવાની છે. યશજીએ તેમનાં અવસાન પહેલાં જ એવા સંકેતો આપ્યા હતા કે'જબ તક હૈ જાન' તેમનાં નિર્દેશનવાળી છેલ્લી ફિલ્મ છે.
યશજીએ ૧૯૭૩માં તેમની પોતાની પ્રોડક્શન કંપની યશ રાજ ફિલ્મની સ્થાપના કરી હતી. શાહરુખ ખાન સાથેના એક ઇન્ટરવ્યૂમાં ચોપરાએ કહ્યું હતું કે તેમણે એકટ્રેસ મીનાકુમારી પર એક કાવ્ય લખ્યું હતું. મીનાકુમારીએ તેમને એક્ટર બનવા પ્રોત્સાહિત કર્યા હતા, જો કે ડિરેક્ટર બનવા માટે તેમને વૈજ્યંતીમાલાએ પ્રોત્સાહન આપ્યું હતું.
પ્રેમકથાઓથી ભરપૂર તેમની ફિલ્મોનાં આ સર્જક કવિતાઓના રસિયા હતા. તેમણે એક સમયે કવિતાઓ લખવાનો કસબ પણ અજમાવ્યો હતો.
કોઈએ તેમને પૂછયું કે આપની તમામ ફિલ્મોની હીરોઈનોને આટલી બધી સુંદર અને મનમોહક કેવી રીતે બનાવો છો ? ત્યારે યશજીએ જવાબ આપ્યો હતો કે, ભગવાને મહિલાઓને સુંદરતા બક્ષી છે. હું તમામ મહિલાઓનો આદર કરૃં છું. હું તેમનામાં ક્યારેય કોઈ કુરૃપતા જોતો નથી. ભગવાને જે સુંદરતાનું સર્જન કર્યું છે તેને વધુ સુંદર બનાવવાનો હું નમ્ર પ્રયાસ કરૃં છું.
ભારતીય ફિલ્મજગતમાં તેમણે અનેક લવસ્ટોરીથી તરબતર રોમેન્ટિક ફિલ્મોનો સિલસિલા સર્જ્યો હતો, જેમાં બોક્સઓફિસમાં સુપરહિટ સાબિત થયેલી ફિલ્મો દાગ, કભીકભી, સિલસિલા, ચાંદની, લમ્હેનો સમાવેશ થાય છે, આ ઉપરાંત એક્શનપેક ફિલ્મો દીવાર અને ત્રિશુલ અને સોશિયલ ડ્રામાવાળી ફિલ્મ ધરમપુત્ર અગ્રસ્થાને છે.
No comments:
Post a Comment