Oct 23, 2012 |
વિગતવાર - વિનોદ રાવલ
૨૪ ઓક્ટોબર, ૧૮૬૫ના દિવસે ધોરાજીમાં જન્મેલા ભગવતસિંહજીની આજે ૧૨૭મી જન્મજયંતી છે. સર ભગવતસિંહજીના શાસનમાં ગોંડલ સ્ટેટની આગવી શાખ હતી. આ ઉપરાંત ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવા માટે તેમણે ભગવદ્ગોમંડળની રચના કરી હતી. જે આજે પણ ગુજરાતી ભાષાનો સૌથી સમૃદ્ધ અને સ્વીકૃત એન્સાઇક્લોપીડિયા છે.
રાજાશાહી યુગ... આ શબ્દ આવતાં જ લોકોના મનમાં ગુલામી, આક્રોશ અને શોષણના ભાવો પ્રજ્વલિત થવા લાગે, પણ એ યુગમાંય આજની લોકશાહીને ભુલાવી દે એવા પણ રાજવીઓ થઈ ગયા છે, જેમાં આપણે ગોંડલના રાજવી સર ભગવતનો અગ્રસ્થાને સમાવેશ કરી શકીએ. આ રાજવી તઘલખી હુકમો છોડનાર તરંગી રાજા નહીં પણ એને ધ બેસ્ટ સી.ઈ.ઓ, ગ્રેટ રૂલર, મેનેજમેન્ટ ગુરુ, પબ્લિક ફ્રેન્ડ અને વિકાસ પુરુષ તરીકે વર્ણવી શકાય. સને ૧૮૬૫થી ૧૯૪૪નો એમનો સમયકાળ હતો. કાળક્રમે રાજાશાહી પછી રાજાઓ ભુલાઈ ગયા પરંતુ સર ભગવત એમનાં સુકાર્યોથી આજે પણ પહેલાં જેવા જ પ્રસ્તુત રહ્યા છે. એમની દીર્ઘદૃષ્ટિ થકી એમણે ભારતમાં ગોંડલ સ્ટેટને સૌ પ્રથમ કરવેરાવિહીન રાજ્ય બનાવ્યું હતું.
"મારા રાજ્યમાં સવારે ભલે બધાં ભૂખ્યા ઊઠે, પરંતુ મારા રાજ્યનો કોઈ પણ નાગરિક સૂએ ત્યારે ભૂખ્યો સૂવો ન જોઈએ....", "હું રાજા નથી, પરંતુ આ રાજ્યની જનતાનો ટ્રસ્ટી છું." આ સૂત્રો ચૂંટણી જીતવા માટે કે લુખ્ખાં વચનો આપવા માટે બોલાયેલાં નથી. આ સૂત્રોનું વાસ્તવિક અમલીકરણ આઝાદીનાં વર્ષોમાં ૧૯૪૭ની સાલમાં ગુજરાતના ગોંડલ રાજ્યમાં થતું હતું! રાજાશાહી યુગમાં જનતાના નસીબે જોહુકમી અને દમન,તરંગી હુકમોનું પાલન ફરજિયાતપણે 'માઈન્ડ એપ્લાય' કર્યા વગર કરવાનું રહેતું ત્યારે ગોંડલ સ્ટેટની જનતા ખરા અર્થમાં લોકશાહી કરતાં પણ અનેક વિશેષાધિકારો સાથે,અનુશાસન સાથે જીવતી હતી. તેનું કારણ એકમાત્ર એ હતું ગોંડલ સ્ટેટના સુ-શાસક હતા સર ભગવતસિંહજી. ભારતીય બંધારણમાં આઝાદી પછી ‘FREEDOM OF SPEECH, FREEDOM OF EXPRESSION’ મુક્ત અભિવ્યક્તિ, વાણી સ્વાતંત્ર્યને મહત્ત્વ આપવામાં આવ્યું છે, પરંતુ આ સંકલ્પના ગોંડલ રાજ્યમાં ૧૯૪૭ ભારતની આઝાદી પહેલાં રાજાશાહીમાં પણ હતી. ગોંડલની મોટી બજારમાં આજે પણ અડીખમ ઊભેલી દરબારગઢ રાજ્ય કચેરીનાં પગથિયાં ચડીને ગોંડલ સ્ટેટનો કોઈ પણ નાગરિક પોતાની રજૂઆત સુ-શાસક સર ભગવતસિંહ સમક્ષ મુક્ત રીતે કરી શકતો. એ જમાનેય માહિતી અધિકાર જેવી રસમ હતી. અરે, મહિલાઓ પણ ગોંડલના બાપુ પાસે જઈ અન્યાય સામે રજૂઆત કરી શકતી. આ સુ-શાસકને મળવા નાગરિકોને રાજવીની 'ઝેડ પ્લસ' સુરક્ષા નડતી નહીં, કારણ સર ભગવતસિંહ લોકોની વચ્ચે રહેનાર મુક્ત રાજવી હતા. જિંદગીભર સાદગી અને લોકવ્યવસ્થાપના માટે તેણે જાત ઘસી નાખી હતી. આજે તેમની ૧૨૭મી જન્મજયંતી છે. ત્યારે સાચા કર્મનિષ્ઠ 'લોકનાયક' સર ભગવતસિંહજીના ક્યારેય ન વિસરાય એવા કાર્યને યાદ કરીએ.
૨૫મી ઓગસ્ટ, ૧૮૮૪માં માત્ર ૧૯ વર્ષની વયે આ રાજવી યુવાને ૧૦૨૪ માઈલના ઘેરાવાવાળા ગોંડલ સ્ટેટની ધુરા સંભાળી હતી. એ શાસક અંગૂઠા છાપ ન હતો. વિદેશમાં એન્જિનિયરીંગ, મેડિકલ શિક્ષણ મેળવેલ હતું. સર ભગવતસિંહજીએ ઓક્સફર્ડ યુનિ.ની ડી.સી.એલ.જી.સી.આઈ.ઈ., ગ્રેટ બ્રિટનની એમ.આર.આઈ, એમ.ડી., એલ.એલ.ડી, એફ.આઈ.સી.પી., ઓફ.આર.એસ.ની પદવીઓ પ્રાપ્ત કરી હતી. આ સાક્ષરતાનો સમગ્ર અનુભવ ગોંડલ રાજ્યએ કરેલો હતો. વિદેશમાં શિક્ષણ લીધું હોવાના કારણે તથા ગોંડલને ‘ABOVE ALL’ બનાવવા માટે વિદેશોમાં પ્રવાસો કરી તેનો નિચોડ ગોંડલ રાજ્યમાં નિચોવેલો હતો. તેઓ માનતા કે, 'જે રાજ્યની પ્રજા નિરક્ષર હોય તે રાજ્યનું તેજ ઝળહળે નહીં.' તેમના રાજ્યમાં આ કારણસર ફરજિયાત કેળવણી હતી. કન્યા કેળવણી ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવતો. એ જમાનામાં મેટ્રીક પાસ થનાર કન્યાને એક સો રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. ગોંડલ રાજ્યમાં ભણેલી, ગોંડલ રાજ્યની વ્યક્તિને ગોંડલ રાજ્યમાં જ તેમના શિક્ષણ અને તેમની પાત્રતા મુજબ નોકરી મળી જતી હતી. ગોંડલમાં નોકરી મળ્યા પછી એમને આવાસ માટે ગોંડલમાં જમીન આપવામાં આવતી હતી. જમીનનું મૂલ્ય પ્રતિમાસ પગારમાંથી વાળવામાં આવતું હતું! આમ, જેટલાં નાગરિક તેટલાં બધાંને શિક્ષણ, જેટલાં હાથ તે બધાંને કામ, આવી વ્યવસ્થા હતી. આના કારણે બેકારી-બેરોજગારીની સમસ્યા રહેતી ન હતી.
ભગવતસિંહજીના રાજ્યમાં રાજાશાહી કાળમાં ગામડે-ગામડે ૧૫૦ વર્ષ પહેલાં ટેલિફોન હતા. લોકો એક ગામથી બીજા ગામ સાથે 'કનેક્ટ' રહી શક્તા. સર ભગવતસિંહજી અચાનક કોઈ પણ ગામની મુલાકાત લેતા અને એ ઉપરાંત દરેક ગામે 'પસાયતા'રાખેલા. તેમની પાસેથી ટેલિફોન ઉપર ઓનલાઈન માહિતી મેળવી જનતાની સુખ-દુઃખની વાતો જાણતા હતા. જો કોઈ દુઃખદ બનાવ ન હોય- સબ સલામત હોય તો પસાયતા તરફથી 'ખેરિયત' એમ જણાવવામાં આવતું હતું. આમ, તેઓની દરેક ગામે'કનેક્ટિવિટી' રહેતી હતી!
ભગવતસિંહજીને બાંધકામ-સ્થાપત્ય માટે સવિશેષ અભિરુચિ હતી. ગોંડલ સ્ટેટની તમામ સડકો પાકી હતી, નદીઓ ઉપર પાકા પૂલો, દરેક ગામમાં પાકી નિશાળ, પાકા કૂવા-જળાશય, કલાત્મક દરવાજો વગેરેથી ગોંડલની ઓળખ છતી થતી હતી. કોઈ કોન્ટ્રાક્ટર નબળું બાંધકામ કરી 'મલાઈ' તારવવા જાય તો આવી જ બનતું. જ્યાં બાંધકામ થતું હોય ત્યાં અચાનક પોતે જાય અને બાંધકામ ચણતર જાતે ચકાસે. નબળું કામ તોડી પાડીને નવેસરથી બાંધવું પડે. કોન્ટ્રાક્ટરે કરેલા કામનું 'આયુષ્ય' ૭૦ વર્ષના બોન્ડ લખી આપવા પડતા. ગોંડલમાં આવેલી સંગ્રામજી હાઈસ્કૂલ, મોંઘીબા ગર્લ્સ સ્કૂલનાં બિલ્ડિંગો એકસોથી વધુ વર્ષ જોઈ ચૂક્યાં છે, વાવાઝોડાં, ભૂકંપ જોઈ ચૂક્યાં છે. છતાં અણનમ છે.
સર ભગવતસિંહજીએ વિદેશમાં લોખંડની ગ્રીલવાળા રસ્તા જોયેલા, આવી ગ્રીલ ગોંડલમાં બનાવડાવીને ગોંડલ શહેરમાં ફીટ કરાવેલી હતી. લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે રેલવે સુવિધા આપી હતી. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલવે ગોંડલ સ્ટેટ દ્વારા શરૂ થઈ હતી. ગોંડલમાં રેલવે વર્કશોપ હતું. રેલવેની બોગીઓનું નિર્માણ-રિપેરિંગ ગોંડલમાં જ થતું હતું. ગોંડલની જનતાએ ગોંડલ સ્ટેટને કરવેરાવિહીન રાજ્ય જોયેલું છે! તેઓએ ઓક્ટ્રોય-દાણામાફી સહિત ૩૨ જેટલા કરવેરા માફ કરીને વહીવટ ચલાવ્યો હતો.
આ રાજવી એકલા ગોંડલનું કલ્યાણ ઇચ્છે એવા સંકુચિત ન હતા, એમણે ગુજરાતની અને ગુજરાતી ભાષાની પણ ચિંતા સતત સેવી છે. એ યુગ ગૂગલ, ફેસબુક કે ટ્વિટરનો કે ઓનલાઈનનો ન હતો, છતાં એમણે ૨૬ વર્ષની અથાક જહેમત લઈ ગુજરાતી ભાષાનો વિરાટ, એન્સાઇક્લોપીડિયા 'ભગવદ્ગોમંડળ' શબ્દકોશ પ્રજાને આપ્યો છે. એની વિશેષતા એ છે કે હાલ કોઈ એક શબ્દ નેટ ઉપર ટાઈપ કરીએ તો તેના પરથી અઢળક માહિતી આવી પડે. દા.ત. ભગવદ્ગોમંડળમાં 'સોમનાથ' શબ્દ ઉપર જઈ વાંચો તો સોમનાથ ઉપરની અઢળક માહિતી મળે. વર્ષો પછીય આ શબ્દકોશની બે વાર રિ-પ્રિન્ટ થઈ ચૂકી છે, હવે તો ભગવદ્ગોમંડળ શબ્દકોશ નેટ ઉપર 'ઓનલાઈન' થઈ ચૂક્યો છે.
આ ભગવદ્ગોમંડળ શબ્દકોશની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે વાત પણ રસપ્રદ અને જાણવા જેવી છે. ૧૮૮૬ની સાલમાં મહારાજા ઇંગ્લેન્ડ ફરવા ગયેલા, ત્યાં ફરતાં ફરતાં તેમણે'મારકેટ' શબ્દને બદલે 'બઝાર' શબ્દને વપરાયેલો જોયો. તેઓને મનમાં થયું. આ'બઝાર' તો આપણો શબ્દ, તે ઇંગ્લેન્ડમાં પણ વપરાય?!! આ શબ્દએ તેમને શબ્દકોશ રચવા પ્રેરણા આપી. આ વલોણું ઘણાં વરસો સુધી મનમાં ચાલ્યું અને અંતે શબ્દકોશ રચવાની મનમાં ગાંઠ વાળી. રાજ-કાજની સાથે સાથે નવા શબ્દો શોધવામાં તેઓ જાગ્રત રહેતા હતા. રાજ અરજીમાં કે બોલચાલમાં કોઈ નવો શબ્દ મળે તો તુરત જ કાગળ પર અને જો કાગળ હાજર ન હોય તો શબ્દ છટકી ન જાય તે માટે પોતાનાં પહેરેલાં કપડાં, અંગરખા પર લખી લેતાં. આવી રીતે પોતે ૨૦,૦૦૦ શબ્દો એકત્ર કર્યા હતા અને ૧૯૨૧ની સાલમાં 'મહાકોશ' રચવાની શરૂઆત કરી હતી. જેના પરિણામ સ્વરૂપ ગુજરાતી ભાષાને સમૃદ્ધ શબ્દકોશ મળ્યો છે. આવા કર્મનિષ્ઠ રાજવીને પ્રજા આટલા વર્ષેય યાદ કરે છે.
પ્રજાએ એમની હયાતીમાં સ્ટેચ્ચૂ મુકાવ્યું
સર ભગવત ચાલીસ વર્ષના થયા ત્યાં સુધીમાં ગોંડલ રાજ્યવ્યવસ્થા ભારતભરમાં સુવર્ણાક્ષરે આલેખાઈ ગઈ હતી. એમનાં સુકાર્યોથી પ્રજા આફરીન થઈ ગઈ હતી. એમને સારું લગાડવા માટે નહીં પણ તે જનહૃદયમાં અંકિત થઈ ગયા હોવાથી જનતાએ પૂર્ણ કદનું સ્ટેચ્યૂ એમની ચાલીસ વર્ષની વયે મુકાવ્યું હતું. આ સ્ટેચ્યૂ સ્કોટલેન્ડમાં નિર્માણ પામ્યું હતું. ૧૯૦૫ની સાલમાં બરોડાના સાક્ષર રાજવી સયાજીરાવ ગાયકવાડના હસ્તે તેનું અનાવરણ થયું હતું.
અને એ રાજવીની સુવર્ણતુલા થઈ જેમાંથી જળાશયો બન્યાં
આ રાજવીની હયાતીમાં રજત જયંતી, સુવર્ણ જયંતી મહોત્સવ ઊજવાયેલો. એ વેળા તેમની સુવર્ણતુલા થયેલી. તેઓને સોનાની ભારોભાર જોખવામાં આવેલા અને આ સોનું રાજ્યના નાગરિકોની જનસવલતો વધારવા માટે વાપરવામાં આવ્યું હતું. આજે લોકપ્રિય નેતાની ધનતુલા, સાકરતુલા, રક્તતુલા વગેરે કરવામાં આવે છે. આઝાદી પહેલાં ૨૫મી ઓગસ્ટ, ૧૯૩૪ના રોજ પ્રજાવત્સલ રાજવીએ આદર્શ વહીવટ,ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી ૫૦ વર્ષ પૂરાં કરતા 'સુવર્ણ મહોત્સવ' ઊજવાયો હતો. હકડેઠઠ્ઠ ચિક્કાર જનમેદની વચ્ચે પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીની 'સુવર્ણતુલા'કરવામાં આવી હતી. ત્યારે અધધધ... ૧૩૪ શેર, ૨૭ તોલા સોનું વપરાયું હતું. એ જમાનામાં અલબત્ત, ૭૦ વર્ષ પહેલાં આ સોનાની કિંમત રૂપિયા ૧,૮૫,૫૧૫/- થઈ હતી. આજના સમય પ્રમાણે આ રકમ લગભગ ૨૪ કરોડ રૂપિયા થાય. એ બધું સોનું જનાપર્ણ કર્યું હતું. તા. ૧૬-૧૦-૧૯૩૬ના રોજ કચેરી હુકમ નં. ૩૧૫થી રાજવીએ વ્યાજની રકમ ઉમેરી કુલ રૂ. ૧, ૯૫,૯૨૧ અને એક આનો; તેની પાઈએ પાઈ જનકલ્યાણ અર્થે વાપરવાનું નક્કી કરી આ રકમમાંથી ૧૮૩ નવા કૂવા બંધાવ્યા, ૨૫૭ જૂના કૂવાનું સમારકામ, પશુઓ માટેના ૫૩ જૂના પીવાના પાણીના અવેડાનું સમારકામ તથા ૫૫ નવા અવેડા બંધાવી આપ્યા, ૭૪ વોટર પંપ બેસાડયા, ૧૦ નવા ઘાટ બંધાવી આપ્યા અને બે નવાં તળાવ બાંધ્યાં હતાં.
No comments:
Post a Comment