* જન્મ : ૧૯/૧૧/૧૮૩૫
* બાળપણનું નામ : મનુબાઈ
* હુલામણું નામ : છબીલી
* માતાનું નામ : ભાગીરથીબાઈ
* પિતાનું નામ : મોરોપંત તાંબે
* મનુમાં રહેલા ગુણો : સુશીલ, ચતુર, ગુણવતી, સ્વરૂપવાન, તેજસ્વી, ચપળ, ચબરાક, સ્વાભિમાની, કુશાગ્ર બુદ્ધિ, નીડર, કોમળ, ઉદાર, દયાવાન, મહાલક્ષ્મીની ભકત…
* માતાનું મૃત્યુ : મનુબાઈ ચાર વર્ષની હતી ત્યારે
* તાલીમ : તલવારબાજી, ઘોડેસવારી, નિશાનેબાજી-તીર અને બંદૂકથી નિશાન તાકવું
* બ્રાહ્મણે ભવિષ્ય ભાખ્યું : એક દિવસ બિઠુરમાં ઝાંસીનો એક બ્રાહ્મણ તાત્યા દીક્ષિત આવી પહોંચ્યો. તેણે મનુને જોઈ. તેનું સૌંદર્ય કુશાગ્રતા અને ચપળતાએ તેને વિચાર કરતો કર્યો. તેની જન્મપત્રિકા પણ તેણે જોઈ ને ભવિષ્ય ભાખ્યું કે તે કોઈક જગ્યાએ રાણી થશે.
* લગ્ન : મનુના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે થયાં ત્યારે ગંગાધરરાવની ઉંમર ૪૦ વર્ષની હતી અને મનુની ઉંમર ફકત ૧૩-૧૪ વર્ષની હતી. આ નાનકડી કિશોરી સન ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધરરાવની પત્ની બની. સામાન્ય બ્રાહ્મણની પુત્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બની.
* પતિનું નામ : ગંગાધરરાવ
* પુત્રનો જન્મ : ઈ.સ. ૧૮૫૧માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો.
* પુત્રનું મૃત્યુ : ફકત ત્રણ માસનું આયુષ્ય ભોગવી લક્ષ્મીબાઈનું બાળક અવસાન પામ્યું.
* દત્તક પુત્ર : સન ૧૮૫૩માં ગંગાધરરાવ અને લક્ષ્મીબાઈએ આનંદરાવ નામનો તેમની જ્ઞાતિનો એક બાળક દત્તક લીધો.
* દત્તકવિધિ : ધાર્મિકવિધિ પ્રમાણે આનંદરાવનો દત્તકવિધિ થયો અને તેનું નામ દામોદરરાવ રાખવામાં આવ્યું.
* પતિનું મૃત્યુ : સન ૧૮૫૩માં ગંગાધરરાવનું અવસાન થયું. માત્ર ૧૮ વર્ષની અનુભવહીન લક્ષ્મીબાઈ વિધવા થઈ.
* રાણી લક્ષ્મીબાઈએ વારસ માટે કરેલ અરજીનો ડેલહાઉસીએ આપેલ જવાબ : સન ૧૮૫૩માં એક દિવસ ડેલહાઉસીનો હુકમ આવ્યો. કંપની સરકાર સ્વ.ગંગાધરરાવના વારસ તરીકે દામોદરરાવને દત્તક લેવાનો કોઈ અધિકાર આપી શકતી નથી. તેથી ઝાંસીને બ્રિટિશ પ્રાંતમાં જોડી દેવાનો નિર્ણય થઈ ચૂકયો છે. રાણીએ કિલ્લો છોડી દેવો અને શહેરના મહેલમાં જઈને વસવાટ કરવો. માસિક રૂ. ૫૦૦૦નું પેન્શન તેને આપવામાં આવશે આ હુકમનામું વંચાયું ત્યારે રાણી અવાક થઈ ગઈ.
* રાણીનો વળતો જવાબ : હું મારી ઝાંસી કદાપિ નહિ સોંપું.
* રાણીની દિનચર્યા : રાણી સવારે પાંચ વાગે ઊઠતી, અત્તરના સુગંધિત પાણીથી નહાતી, ચંદેરીની શ્વેત સાડીમાં તૈયાર થઈ પ્રાર્થના કરતી, પછી તેના સરદારો અને દરબારીઓ તેને સલામ ભરવા આવતા, રાણીની યાદશકિત એટલી તીવ્ર હતી કે ૭૫૦ સરદારોમાંથી જો એકાદ ગેરહાજર હોય તો તેની બીજે જ દિવસે પૂછપરછ થતી, રાણી ભોજન લેતી, થોડો સમય આરામ કરતી, આરામ કર્યા પછી તે રામનામનો જાપ કરતી, સાંજે તે કસરત કરતી, પછી ધાર્મિક પુસ્તકોનું વાંચન કરતી અને ઈષ્ટદેવની પ્રાર્થના કરતી, રાત્રી ભોજન કરતી આ બધી જ દિનચર્યા વ્યવસ્થિત અને કડક નિયમમાં થતી.
* ઘોડાની પસંદગી : કાઠિયાવાડી સફેદ ઘોડા
* કેશમુંડન અને ભીષ્મપ્રતિજ્ઞા : મહારાષ્ટ્રમાં વિધવા સ્ત્રીઓ કેશમુંડન કરાવતી. રાણીએ કાશી જઈ કેશમુંડન કરાવવાનો વિચાર કર્યો. આ પ્રવાસ માટે અંગ્રેજ સરકારની મંજૂરી મેળવવાની હતી, તે તેને ન મળી ત્યારે રાણીએ ભીષ્મપ્રતિજ્ઞા કરી કે જયારે હિન્દુસ્તાનને સ્વરાજય મળશે ત્યારે જ હું કેશમુંડન કરાવીશ, નહિ તો સ્મશાનમાં અગ્નિદેવ મુંડન કરશે.
* રાણીનો ઘોડેસવારી સમયનો પોષાક : રાણી જયારે ઘોડેસવારી કરતી ત્યારે પુરુષનો પોષાક પહેરતી. તે માથા પર લોખંડમો ટોપ પહેરતી. તેના પર હવામાં એક છેડો ફરફરતો રહે તેવો ફેટો પહેરતી. ઢાલ પણ પહેરતી. તે પાયજામો પહેરતી. ઢાલની ઉપર અંગરખું અને તેના પર કમરપટો બાંધતી. બંને બગલમાં તે પિસ્તોલ અને કટાર રાખતી. અને કમરપટાના બંને બાજુ તલવારો રાખતી.
* ઝાંસીમાંજ બળવો : ઝાંસીનું રાજય એક અબળા સ્ત્રીના હાથમાં છે એમ માની રાજયના એક ભાગમાંથી સદાશિવરાવે બળવો કર્યો. રાણીએ તરતજ ત્યાં પહોંચી જઈ બળવાખોરને દાબી દીધો.
* જનરલ રોઝના લશ્કરે યુદ્ધ જાહેર કર્યું : જનરલ રોઝ લશ્કરની એક ટુકડી લઈ ઝાંસી આવી પહોંચ્યો. તેણે રાણીને નિ:શસ્ત્ર પોતાની સહેલીઓ સાથે મળવા બોલાવી. પરંતુ મહારાણી લક્ષ્મીબાઈએ તેનો અસ્વીકાર કર્યો. અને પ્રત્યુત્તર પાઠવ્યો કે તે પોતાના લશ્કરની સાથે જ મળી શકશે. આથી ૧૮૫૭ની ૨૩મી માર્ચે જનરલ રોઝના લશ્કરે યુદ્ધ જાહેર કર્યું.
* રાણીએ જાતે ઉપાડયા શસ્ત્રો : જયારે રાણીને લાગ્યું કે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ છે પોતાના ૪૦૦૦ સૈનિકોમાંથી ૪૦૦ જેટલાં જ બચી શકયા છે. ત્યારે રાણીએ પોતાના દરબારીઓને બોલાવી પરિસ્થિતિથી વાકેફ કર્યા. અને કહ્યું – હવે કિલ્લો પણ મજબૂત રહ્યો નથી તેથી આપણે આ સ્થળ છોડી દેવું જોઈએ. સૌએ કબૂલ્યું. રાણી પોતાના યોદ્ધાઓ સાથે ઝાંસી છોડી દુશ્મનની છાવણી પાસેથી ચાલી નીકળી. ત્યારે વોકર નામના એક અંગ્રેજ અમલદારે તેને ઓળખી લીધી અને તેનો પીછો કર્યો. લડાઈમાં તે ઘવાયો અને તેણે પીછેહઠ કરી. રાણીનો ઘોડો મરાયો પણ રાણી જરા પણ નિરાશ ન થઈ. ત્યાંથી તે કાલ્પી પહોંચી. તાત્યાટોપે અને રાવસાહેબને મળી. રાણીનું લશ્કર ઘણું નાનું હોવા છતાં સરદારોની તથા રાણીની હિંમત અને યુદ્ધનીતિથી અંગ્રેજોને હાર મળી. રાણીની કુશળતાએજ એક દિવસ માટે પણ અંગ્રેજોને હાર ખવડાવી.
* અંગ્રેજ લશ્કરે રાણીને ઘેરી : બે દાંતની વચ્ચે લગામને દબાવી રાણીએ બંને હાથે તલવારો વીંઝવા માંડી. થોડા પઠાણ સરદારો, રઘુનાથસિંહ, રામચંદ્રરાવ દેશમુખ વગેરે રાણી લક્ષ્મીબાઈની સાથે જ હતા. અંગ્રેજ લશ્કરે તેમને ઘેરી લીધા. લોહીની નદીઓ વહેવા માંડી, આકાશ રકતરંગી બન્યું. એક અંગ્રેજ સૈનિક રાણીની નજીક આવ્યો. અને તેની છાતીમાં તલવાર ભોંકી. રાણીએ સામો પ્રતિકાર કર્યો. અને તે સૈનિકને મારી નાખ્યો. રાણીના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. પરંતુ અત્યારે આરામ કરવાનો સમય ન હતો.
* અંગ્રેજ લશ્કરે કર્યો પીછો : રાણી સ્વર્ણરેખાની નહેર ઓળંગવાની તૈયારીમાં હતી ત્યારે એક અંગ્રેજ સૈનિકે તેની જમણી જાંઘમાં ગોળી મારી. ડાબા હાથનો ઝાટકો મારી રાણીએ તે સૈનિકનો પણ અંત આણી દીધો. બીજો અંગ્રેજ સૈનિક તેની પાછળ પડયો હતો. તેને રાણીના જમણા ગાલને ચીરી નાખ્યો. રાણીની આંખનો ડોળો ભરડાઈ ગયો. રાણી આટલી બધી ઘવાઈ હોવા છતાં પોતાના ડાબા હાથથી તલવાર વડે તેણે તે સૈનિકનો હાથ કાપી નાખ્યો.
* ઘવાયેલ રાણીને બાબા ગંગાદાસને ઘેર લઈ જવાઈ : લોહીથી નીતરતી રાણીને ઘોેડા પરથી ઉતારવામાં રઘુનાથસિંહ અને રામચંદ્રરાવે મદદ કરી. રામચંદ્રરાવે રડતાં બાળક દામોદરરાવને પોતાના ઘોડા પર લીધો. રાણીને પોતાના ખોળામાં લીધી. અને બાબા ગંગાદાસના ઘર તરફ ઝડપથી પ્રયાણ કર્યું. રઘુનાથ અને ગુલમહંમદ તેઓને અનુસર્યાં. અંધકારમાં પણ બાબા ગંગાદાસે રાણીનો લોહી નીતરતો ચહેરો ઓળખી કાઢયો. તેમણે તેના મુખને પાણીથી ધોયું. તેના મુખમાં પવિત્ર ગંગાજળ મુકયું. રાણીને થોડી શાંતિ થઈ. અને ધ્રુજતા અવાજે રાણીએ હોઠ ફફડાવ્યા : હરહર મહાદેવ ને પછી તે બેભાન બની ગઈ.
* રાણીના મૃત્યુસમયના અંતિમ શબ્દો : વાસુદેવ હું વંદન કરું છું. આ છેલ્લા શબ્દો સાથે ઝાંસીનું ભાવિ અસ્ત પામી ગયું.
* કેટલા વર્ષનું આયુષ્ય : ૨૨ વર્ષના અલ્પાયુષ્યમાં રાણી લક્ષ્મીબાઈ અંધકારભરી રાત્રીમાં વીજળીના જેવો તેજલિસોટો પાથરી અદ્રશ્ય થઈ ગઈ.
* જનરલ રોઝની રાણીને અંજલિ : બળવાખોરોમાં સૌથી વધુ બહાદુર અને મહાન સરદાર રાણી જ હતી.
* યાદ રાખો : રાણી સ્વરાજય માટે લડી, સ્વરાજય માટે મરી અને સ્વરાજયના પાયામાં પથ્થર બની.
No comments:
Post a Comment