Monday, October 14, 2013

સારવાર માટે પૈસા ન હોવાના કારણે ચીનમાં એક વ્યક્તિએ કરવત વડે પોતાનો જ પગ કાપી નાખ્યો


બેઇજિંગ, 13 ઓક્ટોબર

એક ચાઇનીઝ નાગરીકે પોતાના જ હાથ વડે પોતાનો જમણો પગ કાપી નાખ્યો કારણ કે તેની પાસે બીમાર અંગની સારવાર કરાવવા પૂરતા પૈસા ન હતા. આ વ્યક્તિની પગની નસમાં લોહી જામી જતા તેને અસહ્ય દુખાવો થતો હતો પણ તેની પાસે આ બીમારીની સારવાર માટે પૈસા ન હોવાના કારણે આખરે તેણે પોતાનો પગ કાપી નાખ્યો હતો.

હેફઇ પ્રાંતના બોડિંગમાં રહેતા ઝેન્ગ યાનલિઆન્ગે એક લોખંડની કરવત અને ચાકૂ વડે તેનો પગ કાપીને થતા અસહ્ય દુખાવામાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ઝેન્ગના આ પગલાને કારણે ચીનમાં આરોગ્ય સેવાની મોંઘવારી પ્રકાશમાં આવી છે. આરોગ્ય સેવાની મોંઘવારી ચીનમાં ઘણી તકલીફોનુ કારણ બની છે. એક સ્થાનિક ડોક્ટરે ઝેન્ગને પગ કાપવાની સલાહ આપી હતી પરંતુ ઝેન્ગ પાસે પૂરતા પૈસા ન હોવાથી ડોક્ટરે સારવાર કરવાનો ઈનકાર કરી દીધો હતો.

47 વર્ષીય ઝેન્ગ ત્યારબાદ હોસ્પિટલેથી ઘરે આવી ગયો હતો અને ડોક્ટરે જો આ બીમારીની સારવાર ન થાય તો તેને 3 મહિનાના આયુષ્યની અવધિ આપેલી. ઝેન્ગે જાતે જ પગ કાપી નાખવા છતાં તેને હજી તેના દર્દમાંથી કોઈ પણ પ્રકારની રાહત ન મળતા ઝેન્ગ ખુબ નિરાશ છે. હજુ પણ જેટલો પગનો ભાગ શરીર સાથે જોડાયેલો છે તેમાં પણ ધમનીમાં લોહી જામી જવાની સમસ્યા અકબંધ છે.

No comments:

Post a Comment