Wednesday, April 10, 2013

કેદીઓના બાળકોને નવી જિંદગી આપતી નેપાળની એક 'યશોદા'


કાઠમંડુ, તા. ૭
નેપાળની પુષ્પા બાસનેટ જેલમાં જન્મેલા એક નહિ પરંતુ ૪૬ બાળકોની યશોદા મા છે. પુષ્પા કાઠમંડુમાં રહે છે અને તેના પરિવારમાં પાછલા છ મહિનાથી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૪૬ બાળકો રહે છે. આ બધા જ બાળકોની માતા જેલમાં છેે. નેપાળની અલગ અલગ જેલમાં બંધ કેદીઓના બાળકોને પુષ્પાએ સહારો આપ્યો છે. પુષ્પાના ઘરમાં આ બાળકોને વાંચવા માટે રૃમ,લાઈબ્રેરી વગેરે જેવી સુવિધા છે.
કેવી રીતે કરી શરૃઆત ?
પુષ્પાએ જણાવ્યું કે, કાઠમંડુની સેંટ ઝેવિયર્સ કોલેજમાં તે સામાજિક કાર્યમાં સ્નાતકનો અભ્યાસ કરી રહી હતી, ત્યારે તેને જેલને અંદરથી જોવાનો અવસર મળ્યો હતો, તે સમયે તેણે જેલમા નાનાં બાળકો જોયા હતા અને તેના મનમાં વિચાર આવ્યો હતો કે હું કેટલી નસીબદાર છું કે, મારો ઉછેર એવા ઘરમાં થયો છે જ્યાં મને બધી જ સુખ સુવિધાઓ મળી હતી. બીજી તરફ આ બાળકો છે જેમની મા જેલમા કેદ છે તેથી તેઓ પણ જેલમાં જ છે, તે સમયે મંે વિચાર્યું હતું કે, હું આ બાળકોની જિંદગી સુધારવા માટે ચોક્કસથી કંઈક કરીશ, ત્યાર બાદ મેં આ બાળકોની મદદ કરવા માટે એક સંસ્થા બનાવી. પરંતુ સૌથી મોેટો પડકાર મારી સામે ત્યારે આવ્યો જ્યારે, આ બાળકોને જેલમાંથી બહાર લાવવાના હતા. કેમકે તેમણે બહારની દુનિયા ક્યારેય જોઈ ન હતી.
કેવી રીતે બની માતા ?
 પુષ્પાએ કહ્યું કે, બાળકોની માતાને તેમના બાળકોને બહાર મોકલવા માટેનો વિશ્વાસ અપાવવો ઘણો મુશ્કેલ હતો. હું જેલમાં જઈને બાળકોની માતાને એવો વિશ્વાસ અપાવતી હતી કે, હું તેમના બાળકોનું સંપૂર્ણ ધ્યાન રાખીશ, પરંતુ તેમને મારી ઉપર વિશ્વાસ નહોતો આવતો કેમકે હું તેમના માટે અજાણી હતી. આખરે જેલરે મારી મદદ કરી હતી અને જેલના કેદીઓને સમજાવ્યા હતા, ત્યાર બાદ બાળકો સવારે જેલમાંથી બહાર આવતા અને આખો દિવસ તેઓ મારી સાથે ભણતા અને રમતા હતા. સાંજે જ્યારે તેઓ તેમની માતા પાસે જતા હતા ત્યારે તેઓ ખુશ દેખાતા હતા, તેથી, તેમની માતાઓને થયું કે તેમના બાળકોના ભવિષ્ય માટે સારું છે.
 પુષ્પાએ કહ્યું કે, આજે પણ કોઈ નવું બાળક તેમના ઘરે આવે છે તો શરૃઆતમાં તે અસહજ હોય છે, પરંતુ થોડા જ દિવસમાં તે હળીમળી જાય છે, જ્યારે પણ કોઈ બાળકની માતાની સજા પૂર્ણ થઈ જાય છે ત્યારે તે બાળકને પોતાની સાથે પોતાના ઘરે લઈ જાય છે. પુષ્પા કહે છે કે બાળક ઘરે જાય છે ત્યારે મને ઘણું દઃુખ થાય છે, પરંતુ તે વાતની ખુશી પણ થાય છે કે તે તેના પોતાના ઘરે જઈ રહ્યું છે.

No comments:

Post a Comment