Thursday, March 21, 2013

મુંબઈ બ્લાસ્ટમાં સંડોવાયેલ સંજય દત્તની કહાની,તસવીરી જુબાની

મુંબઈ, 21 માર્ચ

સંજય દત્તનો જન્મ 29 જુલાઈ 1959માં થયો હતો. સુનીલ દત્ત અને નરગીસનું તેઓ પહેલી સંતાન હતાં. તેની બે બહેનો છે, કોંગ્રેસ સાંસદ પ્રિયા દત્ત અને નમ્રતા ગૌરવ કે જે અભિનેતા કુમાર ગૌરવની પત્ની છે. સંજય દત્તે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત 12 વર્ષની વયે ફિલ્મ 'રેશ્મા' થી કરી હતી, જેમાં તેણે કવ્વાલીમાં રોલ કર્યો હતો. કોલેજનાં દિવસોમાંથી જ સંજયને ડ્રગ્સની આદત પડી ગઈ હતી, જેથી બાદમાં સુનીલ દત્તે ટેક્સાસના રિહેબિલિટેશન સેન્ટરમાં સંજયને દાખલ કર્યો હતો, જ્યાં સંજયની લત છૂટી ગઈ હતી. નિર્દેશક સુભાષ ઘાઈ પોતાની ફિલ્મ 'હિરો' માટે સંજયને સાઈન કરવા માંગતા હતા, પરંતુ ડ્રગ્સની લતનાં કારણે તેમણે જેકી શ્રોફને સાઈન કર્યો હતો. 80ના દાયકાની કેટલીક ફિલ્મો ફ્લોપ રહી હતી. બાદમાં મહેશ ભટ્ટની ફિલ્મ'સડક' રિલીઝ થતાં સંજય દત્તના કેરિયરને મોકો મળ્યો હતો, અને ત્યારથી લઈને સંજયે આજ સુધી પાછું વળીને જોવું પડ્યું નથી.

આ ફિલ્મ બાદ સંજયે 'સાજન' અને 'ખલનાયક' જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. સાજન ફિલ્મનાં રોલ માટે સંજયનું નામ ફિલ્મફેર માટે નોમિનેટ થયું હતું. માધુરી સાથે બે ફિલ્મોમાં કામ કર્યા બાદ સંજય-માધુરી વચ્ચે નજદીકીઓ વધી ગઈ હતી, પરંતુ મુંબઈ બ્લાસ્ટમાં સંજયનું નામ આવતા માધુરીએ સંજયનો સાથ છોડી દીધો હતો. 1999માં આવેલી ફિલ્મ 'વાસ્તવ' માં સંજય દત્તે રઘુ નામના ગેંગસ્ટરનો રોલ કર્યો હતો, આ ફિલ્મમાં સંજયના અભિનયના વખાણ થયા હતાં અને્ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. બાદમાં અરશદ વારસી સાથેની ફિલ્મ 'મુન્નાભાઈ એમબીબીએસ' આવી, જેણે સંજય દત્તની ઈમેજ સાવ બદલી નાંખી. આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ રહી હતી. 2008માં સંજય દત્તે રાજકીય પાર્ટી સપા જોઈન કરી હતી અને પાર્ટીનાં મહાસચિવ પણ બન્યા હતાં. બોલિવૂડમાં અજય દેવગણ સંજય દત્તનો નજીકનો મિત્ર છે.



























એક્સ્ટ્રા કોમેન્ટ -કૃષ્ણકાંત ઉનડકટ
'મધર ઈન્ડિયા'નો સન મુન્નાભાઈ જેલમાં જવાનો છે. કાનૂન કે હાથ બહોત લંબે હોતે હૈ, આ ફિલ્મી ડાયલોગ હવે સંજય દત્તને બરાબર સમજાતો હશે. સંજય દત્તની આખી જિંદગી જ ડબલ રોલ જેવી રહી છે ! સ્ટાર અને બેકાર !
"જજ સા'બ, મૈં ટેરરિસ્ટ નહીં હું, એ.કે.-૫૬ એસોલ્ટ રાઈફલ તો મૈંને અપની હિફાઝત કે લિયે રખી થી, પ્લીઝ મુજ પર રહમ કીજિયે, મુજે ટેરરિસ્ટ કે લેબલ સે મુક્તિ દીજિયે...", આ કોઈ ફિલ્મનો ડાયલોગ નથી, પણ સંજય દત્તે ખરેખર મુંબઈની ટાડા અદાલતમાં આવા મતલબની વાત કરી હતી. આ સંજય દત્ત માટે એવો ખરાબ સમય હતો જ્યારે બધા જ તેને કહેતા હતા કે, નાયક નહીં ખલનાયક હૈ તું !
'મધર ઇન્ડિયા' ફેઈમ નરગિસ અને 'હમ હિન્દુસ્તાની' ફેઈમ સુનિલ દત્તનો આ દીકરો 'સન ઓફ ઈન્ડિયા' બનવાને બદલે'ખલનાયક' બની ગયો. અંડરવર્લ્ડ સાથેના તેના સંબંધોનું પરિણામ એ ચૂકવે છે અને હજુ સાડા ત્રણ વર્ષ જેલમાં રહીને ચૂકવવું પડશે. છ વર્ષ અગાઉ પડેલી છ વર્ષની સજા ઘટીને પાંચ વર્ષની થઈ છે. આ ચુકાદો જ બતાવે છે કે સંજયની જિંદગીનો એક અઘરો અધ્યાય હજુ બાકી છે.
સંજય દત્તની જિંદગી સતત સુધરવા મથતા એક બગડેલા વ્યક્તિની જિંદગી છે. અમીરી અને લાડકોડમાં ઉછરેલા દીકરાના બગડવાના ચાન્સિસ સૌથી વધુ હોય છે એનું સૌથી મોટું ઉદાહરણ સંજય દત્ત છે. એ 'ડોક્ટર જેકિલ અને મિસ્ટર હાઈડ'ની જિંદગી જીવતો રહ્યો છે. એક ભૂલ ઘણી વખત માણસને આખી જિંદગી શાંતિ લેવા નથી દેતી અને એ ભૂલ હતી એ.કે.-૫૬ મશીનગન રાખવાની !
મુંબઈમાં થયેલાં કોમી તોફાનો પછી સંજય દત્તે તેના અંડરવર્લ્ડ કનેક્શન દ્વારા એ.કે.-૫૬ મગાવી હતી. આ અંગે પહેલી કબૂલાતમાં ખુદ સંજય દત્તે કહ્યું હતું કે, તોફાનો પછી અમારા પરિવારને ધમકીઓ મળતી હતી અને સ્વરક્ષણ માટે મેં એ.કે.-૫૬ મગાવી હતી ! બોલો લ્યો, માણસો પોલીસ રક્ષણ મેળવે કે વધુ બોડીગાર્ડ્ઝ રાખે પણ કોઈ મશીનગન મગાવે?
૧૨મી માર્ચ, ૧૯૯૩ના દિવસે મુંબઈમાં ૧૩ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ૨૫૭નાં મોત અને ૭૦૦ને ઘાયલ કરનાર આ બોમ્બ ધડાકામાં દાઉદનું નામ આવ્યું અને દાઉદ સાથેના સંબંધોમાં સંજયનું ! દાઉદના મિત્રો સંજયના મિત્રો હતા. સંજયે એ પણ કબૂલ કર્યું હતું કે, મૈગ્નમ વીડિયોવાળા સમીર હિંગોરા અને હનીફ કડાવાલા ગેંગસ્ટર અબુ સાલેમને લઈને તેને મળવા ઘરે આવ્યા હતા.
મુંબઈમાં બ્લાસ્ટ થયા ત્યારે સંજય દત્ત વિદેશમાં હતા. સંજયે તેના ઘરે ફોન કરીને તેના માણસ યુસુફ નળવાળાને કહ્યું કે,ઘરમાં જે એ.કે.-૫૬ પડી છે એનો નાશ કરી દે ! બોમ્બ ધડાકાના ષડયંત્રમાં ફરતો ફરતો એક રેલો સંજય દત્ત સુધી પહોંચ્યો.
એ સમયે સંજય દત્ત મોરેશિયસમાં 'આતિશ' ફિલ્મનું શૂટિંગ કરતો હતો. બોમ્બ ધડાકા પ્રકરણમાં તેને તાકીદે બોલાવાયો અને એરપોર્ટ પરથી જ ધરપકડ કરી લેવાઈ ! કેસ ચાલ્યો. એ તો સંજય દત્ત બચી ગયો અને સાબિત કરી શક્યો કે બોમ્બ બ્લાસ્ટમાં ક્યાંય તેની સંડોવણી નથી, તેની ભૂલ માત્ર એ.કે.-૫૬ મગાવવાની હતી !
સંજય દત્તની ખુદની કહાની એક ફિલ્મ બને એવી છે. માતા નરગિસ દત્તનું કેન્સરની બીમારીમાં મોત થયું પછી સંજય ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. તેની આ લત આજેય તેની આંખમાં ડોકાય છે. અમેરિકાના ટેક્સાસમાં રિહેબ ક્લિનિકમાં બે વર્ષથી વધુ સમય રહી તેણે ડ્રગ્સથી છૂટકારો મેળવ્યો હતો. જો કે પછી મુંબઈ આવી મૂર્ખામી કરી બેઠો અને અંડરવર્લ્ડ સાથે સંબંધો રાખ્યા !
અંગત જીવનમાં પણ સંજયને સતત ધક્કા વાગતા રહ્યા છે. સૌથી પહેલાં રૂચા શર્મા સાથે લગ્ન કર્યાં. દીકરી ત્રિશલાના જન્મ પછી રૂચા બ્રેઈન કેન્સરમાં મૃત્યુ પામી. ત્રિશલાની કસ્ટડી માટે કેસ કબાડા થયા. અત્યારે ત્રિશલા તેના ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે અમેરિકા રહે છે. બીજા લગ્ન રીહા પિલ્લઈ સાથે કર્યા, પણ તેની સાથે લાંબુ ન ચાલ્યું. છૂટાછેડા થયા. ત્રીજા લગ્ન દિલનાઝ શેખ ઉર્ફે માન્યતા સાથે થયા. માન્યતાની કૂખે ટ્વીન્સ અને એ પણ એક દીકરો અને એક દીકરીના જન્મ પછી સંજય ખુશ હતો. ખાડે ગયેલી ફિલ્મી કરિયર પાછી જામી ગઈ હતી, પણ કુદરતનો કોઈ ખેલ હજુ બાકી હતો. આખરે સંજયનું નસીબ એને પાછું જેલમાં ઢસડી જશે !
સંજયની દયા ખાવાનું કોઈ કારણ નથી, કારણ કે એણે ભૂલો કરી છે અને એ ગુનાની સજા એણે ભોગવવાની છે. સંજય દત્તના એક મિત્રએ સરસ વાત કરી કે, સંજયની જિંદગી કઈ રીતે જોવી એ અઘરું છે. ગુનો કર્યા પછી પણ એને આટલી સફળતા અને લોકપ્રિયતા મળી એના માટે એને નસીબદાર સમજવો કે પછી આટલી ઇજ્જત અને સોહરત હોવા છતાં જેલમાં અવરજવર કરવી પડી તેના માટે તેને કમનસીબ ગણવો ? જે ગણવો હોય તે પણ માણસે પોતાના કર્યા ભોગવવા પડે છે અને સંજય દત્તે પણ ભોગવવા પડશે. હા, અજમલ કસાબ, અફ્ઝલ ગુરુ પછી ફાંસીની સજા માટે એક નવો મુદ્દો બધાને મળી જશે કે હવે યાકુબ મેમણને ફાંસી ક્યારે આપો છો ?

નવી દિલ્હી, 21 માર્ચ

બોલિવૂડ સ્ટાર સંજય દત્તને 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં પાંચ વર્ષની જેલની સજા થઈ છે. સંજય દત્ત પહેલાં પણ 18 મહિનાની જેલ ભોગવી ચૂક્યો છે. એવામાં સંજય દત્તે ત્રણ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. સંજય દત્તને કોર્ટે એક મહિનાનો સમય સરેન્ડર કરવા માટે આપ્યો છે.

બોમ્બ બ્લાસ્ટ બાદ 15મી માર્ચ 1993માં સંજયે મુંબઈ પોલીસ આગળ સરેન્ડર કર્યું હતું અને તેની પાસેથી એકે 56 રાયફળ મળી આવી હતી, જેથી તેના પર ટાડા જેવો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. 18 મહિનાની જેલ બાદ ઓક્ટોબર 1995માં સંજય દત્ત સુપ્રિમ કોર્ટમાંથી જામીન મેળવી છૂટ્યો હતો. 2007માં ફરીથી સંજયની ધરપકડ થઈ હતી, પરંતુ તે ફરીથી છૂટી પણ ગયો હતો. ટાડા કોર્ટે સંજયને 6 વર્ષની જેલની સજા આપી હતી.

સંજય દત્તે છ વર્ષની જેલની સજા સામે સુપ્રિમ કોર્ટમાં  અપીલ કરી હતી, જેના પર આજે નિર્ણય આવવાનો હતો. કોર્ટે એક વર્ષની રાહત આપીને સંજયને 5 વર્ષની જેલની સજા આપી છે.

નવી દિલ્હી 21, માર્ચ

1993 મુંબઈ સીરિયલ બ્લાસ્ટમાં સુપ્રિમ કોર્ટે આજે પોતાનો નિર્ણય સુનાવી દીધો છે. સુપ્રિમ કોર્ટે આ મામલામાં સંજય દત્તની સજાને ઘટાડી પાંચ વર્ષ કરી દીધી છે. જ્યારે સંજય 18 મહિના જેલમાં રહી ચુક્યો છે. તો આપણે જોઈએ કે બોલીવુડમાં સંજય દત્તને સજા મળવાની શું અસર છે અને આ મુદ્દે કોનું શું - શું કહેવું છે.

જયા પ્રદા
હું અદાલતના નિર્ણયનું સન્માન કરૂ છું. સંજય દત્ત નિર્દોષ છે. 18 મહિના જેલ ભોગવ્યા બાદ ફરી તેને જેલની સજા બહું દુખની વાત છે.

મહેશ ભટ્ટ
જિંદગી ફિલ્મની જેમ નથી.

અબુ આજમી, એસપી એમએલએ
સંજય દત્ત આતંકવાદી નથી. તેણે એક ભૂલ કરી પરંતુ તે આતંકવાદી નથી. હું પણ આ મામલે એક વર્ષ જેલમાં રહ્યો હતો.

કરણ જોહર
સંજય દત્તની સજાનો નિર્ણય સાંભળી કુબ જ દુખી છું. તે એક સારો માણસ છે.

સોહા અલી ખાન
બહું જ પરેશાન કરતા સમાચાર છે. સંજય અમારો દોસ્ત છે. અમારા પરિવાર સાથે સારા સબંધ છે. મને ખુબ જ દુખ થઈ રહ્યું છે.

પ્રીતેશ નંદી 

સુપ્રિમ કોર્ટનો બ્લાસ્ટને લઈ નિર્ણય સાચો છે. પરંતુ હું સંજય દત્તને લઈ બહું દુખી છું.

સુચિત્રા 
20 વર્ષ બાદ સંજય દત્તને પોતાની અક્જ્ઞાનતાની કિંમત ચુકવવી પડી રહી છે. ભગવાન તેને તથા તેના પરિવારને શક્તિ આપે.

આફ્તાબ શિવદાસાની 
સંજય દત્ત પર આવેલ નિર્ણયથી દુખી છું. મને સંજયના પરિવાર પ્રત્યે સહાનૂભૂતિ છું. તેઓ એક યૌદ્ધા હતા અને રહેશે.

નિર્દેશક અનુભવ સિંહા
સંજુને ખૂબ જ પ્રેમ. તેઓ ખૂબ ક્ષમાશીલ વ્યકિત છે, તેની મને ખબર છે. મને દુખ છે કે તેઓ પોતાની જાતને માફી આપી શક્યા નહીં. - 

નિર્દેશક કૃણાલ કોહલી 
વર્ષ 1993માં થયેલાં બ્લાસ્ટમાં સંજય દત્ત નિર્દોષ છે. અસલી ગુનેગારો તો પાકિસ્તાનમાં બેઠાં છે, જેવી રીતે લાદેન રહેતો હતો. 

નિર્દેશક વિશાલ દદલાની 
હું કાયદાનું સન્માન કરું છું, પરંતુ આ નિર્ણયથી મને દુખ થયું છે. સંજયે નિસ્વાર્થ પણે લોકો માટે ઘણું કર્યું છે.

નવી દિલ્હી, તા. ૨૧
સંજય દત્તના જીવનની વાત કરીએ તો બાળપણથી માંડીને અત્યાર સુધી તે પ્રોટાગોનિસ્ટ જ રહ્યો છે. પોતાની મનમાની કરતી એક જિદ્દી વ્યક્તિએ જેલમાં ગયા પછી અને ગાંધી વિચારો ધરવાતી ફિલ્મ કર્યા પછી જિદંગીના અસલી રસને ચાખ્યો હતો. સુપ્રીમે ગુરુવારે આપેલો ચુકાદો ફરી એક વખત તેને પોતાના ભૂતકાળમાં લઈ જાય તેવો છે, શ્રીમંત નબીરાથી માંડીને પરિપક્વ અભિનેતા સુધીનો તેનો ભૂતકાળ.
સુનિલ દત્ત અને નરગિસનો પુત્ર સંજય બાળપણથી લાડકો હતો. સંજય દત્તનો અભ્યાસ લોરેન્સ સ્કૂલમાં સનાવરમાં થયો હતો. તરુણાવસ્થાથી માંડીને દારુનું સેવન, તોફાનો, ગમતું જ કરવાની માનસિકતા, પોતાનાં જીવનમાં નિષ્ફળ લગ્નો, ડ્રગ્સનું સેવનના કારણે હંમેશાં ચર્ચામાં રહેનારા સંજયે બ્લાસ્ટ કેસમાં થોડી સજા કાપ્યા ન્ બાદ પોતાનું જીવન ખૂબ જ સાવચેતીથી સંભાળ્યું હતું.
૧૯૮૧માં રજૂ થયેલી ફિલ્મ રોકી સંજય દત્તની મુખ્ય ભૂમિકાવાળી પહેલી ફિલ્મ હતી, જે ખાસ સફળ રહી નહોતી. જોકે ૧૯૯૩માં રિલીઝ થયેલી ફિલ્મ 'ખલનાયક' સુપરહિટ સાબિત થઈ હતી. વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસે સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને સંજયદત્તને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઓળખ આપી હતી. સંજય દત્તે રાજકીય કારકિર્દીમાં પણ નિષ્ફળ નિવડવું પડયું હતું. ૨૦૦૯માં તેણે સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ મુંબઇ બ્લાસ્ટ કેસમાં કોર્ટે તેને અપરાધી તરીકે જ રાખતા તેણે ઉમેદવારી પાછી ખેંચી લીધી અને પછીનાં વર્ષે તેણે રાજકારણને અલવિદા કરી દીધા.
  • પત્રકારને કારણે સંજય દત્તે આત્મસમર્પણ કરવું પડયું હતું
છાપામાં નામ આવતાં જ સંજય દત્ત ચોંકી ઊઠયો
૧૨ માર્ચ, ૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટ બાદ એક મહિનો અને ત્રણ દિવસ બાદ ૧૫મી એપ્રિલે વરિષ્ઠ પત્રકાર બલજિત પરમારે એક વર્તમાનપત્રમાં અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે મુંબઇ બોમ્બ વિસ્ફોટમાં સંજય દત્તનું નામ પણ સામે આવી રહ્યું છે. બલજિતે આ અંગે જણાવ્યું હતું કે, તે સમયે સંજય દત્ત મોરિશિયસમાં ફિલ્મ 'ખલનાયક'નાં શૂટિંગમાં વ્યસ્ત હતો. આ સમાચાર આવતાંની સાથે જ સંજય દત્તે રાત્રે સાડા નવ વાગે તેને ફોન કરીને દાવો કર્યો હતો કે તેમનો અહેવાલ સાવ ખોટો છે. સંજયદત્તે તે સમયે બલજિત પાસેથી તે સમયના પોલીસ કમિશનર અમરજિતસિંહ સામરાનો નંબર માગ્યો હતો. આ સમયે મોબાઇલ ફોનનો જમાનો નહોતો. બલજિતે સંજયને જણાવ્યું કે તે સામરાની ઓફિસનો નંબર તો અત્યારે જ આપી શકે છે કે પરંતુ ઘરના નંબર માટે પહેલાંં સામરાના નંબરની પરવાનગી માગે છે. સામરાએ મંજૂરી આપતાં બલજિત સંજય દત્તને તેમનો નંબર આપે છે.
ડરી ગયેલા સંજય દત્તે અડધી રાત્રે કમિશનરને ફોન કર્યો
સંજયે ત્યાર બાદ મોડી રાત્રે સામરાને ફોન લગાવ્યો અને પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું અને કહ્યું કે જો તમે ઇચ્છતા હો તો હું અત્યારે જ ફ્લાઇટ પકડીને મુંબઈ આવી શકું છું, જોકે સામરાએ તેમને જવાબમાં જણાવ્યું કે, જો તમને લાગતું હોય કે તમે નિર્દોષ છો તો તમે આટલા પરેશાન કેમ છો? તમે આરામથી શૂટિંગ પૂરું કરીને મુંબઇ આવો. સામનાનાં આ આશ્વાસનથી સંજય દત્ત ગેરસમજમાં રહ્યો અને તેણે માની લીધું કે પોલીસની પાસે કોઇ જાણકારી નથી અને બોમ્બ બ્લાસ્ટ કેસમાં તેમના નામનો સમાવેશ કરાયો નથી. સંજય દત્ત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સમક્ષ ફરીથી નિર્દોષતાનો જ રાગ આલાપ્યો, પરંતુ જ્યારે સંજયની સામે સમીર હિંગોરા અને હનીફ કડાવાલાને લાવવામાં આવ્યો ત્યારે તેની બોલતી એકદમ બંધ થઈ ગઈ.
૨૦ વર્ષ પહેલાં ૧૯૯૩માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં ૧૫૦થી વધુની ધરપકડ કરાઈ હતી. તેમાં સૌથી મોટી ધરપકડ અભિનેતા સંજય દત્તની કરાઈ હતી. સૌથી મહત્ત્વપૂર્ણ વાત તે છે કે સંજય દત્તે પોલીસનાં દબાણને કારણે નહિ પરંતુ પત્રકારના અહેવાલને કારણે આત્મસમર્પણ કર્યુ હતું.
સંજયને નિર્ણય 'જેવો છે તેવો' સ્વીકાર્ય - વકીલ
નવી દિલ્હી : સુપ્રીમ દ્વારા સંજય દત્તને ફટકારવામાં આવેલી ૫ વર્ષની સજા બાબતે સંજયના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે, સંજય એક મજબૂત માણસ છે અને સુપ્રીમે આપેલી સજા તેમને સ્વીકાર્ય છે. ૧૯૯૩માં ટાડા કોર્ટ સમક્ષ સંજયની રજૂઆત કરનારા માનશિંદેએ કહ્યું હતું કે, મેં સંજયને આ વિશે વાત કરી છે કે તેણે સાડા ત્રણ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે અને આ બાબતે મેં સંજયને પહેલાંથી જ તૈયાર કરી દીધો હતો.
નવી દિલ્હી, તા 21
મેં ૨૦ વર્ષ સુધી દુઃખ સહન કર્યુ છે અને ૧૮ મહિના સુધી જેલમાં પણ રહ્યો છું. આજે મારું હૃદય તૂટી ગયું છે કારણ કે મારી સાથે મારી પત્ની અને ત્રણ બાળકો પણ સજા ભોગવશે. મેં હંમેશા ન્યાય તંત્રનું સન્માન કર્યુ છે અને આગળ પણ કરતો રહીશ. ભલે મારી આંખોમાં આંસુ કેમ ન હોય, હું મારી તમામ ફિલ્મો પૂરી કરીશ. ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મીડિયા અને શુભચિંતકોનું સમર્થન મેળવીને હું ભાવુક છું. હું દિલથી જાણુ છું કે હું એક સારી વ્યક્તિ છું અને દેશ પ્રત્યે વફાદાર રહ્યો છું. અત્યારે મારો પરિવાર ભાવુક છે અને તેમના માટે મારે મજબૂત બનવું પડશે. મારા ચાહકો મારા માટે પ્રાર્થના કરે.
 
હું નથી ઇચ્છતો કે મારા પુત્રો મારા જેવા બને : સંજય દત્ત
મારા પિતા ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા અને અમારા પૂરા પરિવારને તેમણે મજબૂતીથી સંભાળ્યો હતો, હું તેમના જેવો બનવા માગું છું, જોકે હું ક્યારેય નથી ઇચ્છતો કે મારાં બાળકો મારા જેવા બને. મેં તોફાન-મસ્તી કરીને ઘણાંબધાંને તંગ કર્યાં છે, હું મારા પુત્રો પાસેથી આવી અપેક્ષા નથી રાખતો. હવે મને પિતા હોવાનો અહેસાસ થાય છે. જ્યારે મારી પુત્રી ત્રિશાલા નાની હતી ત્યારે તે પોતાની માતા ઋચા સાથે અમેરિકામાં હતી, તેથી મેં તેની સાથે ખૂબ જ ઓછો સમય વિતાવ્યો હતો.
મુશ્કેલી થી ફાયદો મળ્યો છે : સંજય
મારા જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ આવી છે, ડ્રગ્સનું વ્યસન, મારી માતા અને મારી પત્નીનું મોત અને બાદમાં જેલમાં જવું. આ તમામ અનુભવોનો એક ફાયદો તે થયો છે કે હવે હું તમામ રોલ કરી શકું છું. માણસે ક્યારેય હિંમત છોડવી જોઇએ નહિ અને તેણે હંમેશાં પરિવાર અને ભગવાન ઉપર ભરોંસો રાખવો જોઇએ. મારા જીવનમાં અનેક ઉતારચડાવ આવ્યા છે અને તમામ મુશ્કેલીઓમાંથી હું હસતાં હસતાં બહાર આવ્યો છું. હું નસીબદાર છું કે માન્યતા મારી પત્ની છે. તેણે અમારા પરિવારને એક કર્યો, મારી જિંદગી સેટ કરી છે.
૨૫૦ કરોડથી વધારે ડૂબશે, ૮ ફિલ્મને અસર
એક અંદાજ પ્રમાણે ગ્લેમર ઇન્ડસ્ટ્રીએ સંજય દત્ત પર ૨૫૦ કરોડ કરતાં પણ વધારેનું ઇન્વેસ્ટમેંટ કરેલ છે.
ડાયરેક્ટર સુભાષ કપૂરે પણ પાછલા દિવસોમાં મુન્નાભાઈ સિરીઝની નવી ફિલ્મ પર કામ શરૃ કરી દીધું છે. વાત ત્યાં જ આવીને અટકે છે કે જો સંજય દત્ત જેલમાં જશે તો મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મનું શું થશે. કારણ કે લોકમાનસમાં મુન્નાભાઈ તરીકે સ્થાન જમાવનારા સંજય વગર આ ફિલ્મને અન્ય કોઈ ઉઠાવી શકે તેમ લાગતું નથી. સંજય દત્ત અત્યાર સુધી ટીપી અગ્રવાલની એક્શન અને થ્રિલર ફિલ્મ 'પુલીસગીરી'નાં છેલ્લાં શૂટિંગ શિડયુલમાં વ્યસ્ત હતો. ૩૦ કરોડનાં બજેટવાળી આ ફિલ્મનું ૮૦ ટકા જેટલું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને નિર્માતા કંપની આ ફિલ્મને જૂનમાં રિલીઝ કરવાનું વિચારી રહી હતી. સંજય દત્તને પાંચ વર્ષની જેલ થવાને લીધે આવા ઘણાબધા પ્રોેજેક્ટનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે. સંજય દત્તે પાછલા દિવસોમાં રાજકુમાર હિરાનીની મેગાસ્ટાર ફિલ્મ 'પીકે'નાં શૂટિંગ શિડયુલ પહેલાં જ તે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી દીધું હતું, આ ફિલ્મનું લગભગ ૩૦ ટકા જેટલું જ કામ બાકી છે. આમિરખાન, અનુષ્કા શર્મા જેવા સ્ટારવાળી આ ફિલ્મનું બજેટ લગભગ ૬૫થી ૭૦ કરોડ જેટલું આંકવામાં આવી રહ્યું છે. સિત્તેરના દાયકાની સુપરહિટ ફિલ્મ 'જંજીર'ની રિમેકમાં પ્રાણની ભૂમિકા સંજય દત્ત ભજવી રહ્યો છે, જેનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે. પ્રિયંકા ચોપરા અને રામચરણ તેજા જેવા સ્ટારવાળી આ ફિલ્મ ૩૫થી ૪૦ કરોડનાં બજેટવાળી છે. આ સિવાય સંજયની અન્ય બે ફિલ્મ 'ફ્રોડ' અને 'ચમેલી'નું શૂટિંગ ધીરું ચાલી રહ્યું હોવાને લીધે આ ફિલ્મોનું ૨૦ ટકા કરતાં પણ વધારે શૂટિંગ બાકી છે. કરણ જોહરની 'ઉંગલી' ફિલ્મનું શૂટિંગ માત્ર ૩૦ જ ટકા થયું છે. સૂત્રો અનુસાર કરણ આ ફિલ્મમાં સંજયની જગ્યાએ અન્ય કોઈને લઈ શકે છે.
કેટલું નુકસાન
  • ટીપી અગ્રવાલની એક્શન અને થ્રિલર ફિલ્મ 'પુલીસગીરી'-૩૦ કરોડનાં બજેટવાળી આ ફિલ્મ-૨૦ ટકા જેટલું શૂટિંગ બાકી.
  • રાજકુમાર હિરાનીની મેગાસ્ટાર ફિલ્મ 'પીકે'- ફિલ્મનું બજેટ લગભગ ૬૫થી ૭૦ કરોડ-૩૦ ટકા જેટલું શૂટિંગ બાકી.
  • સુભાષ કપૂરની મુન્નાભાઈ ચલે દિલ્હી-શૂટિંગ શરૃ નહોતું થયું
  • 'જંજીર'ની રિમેક-૩૫થી ૪૦ કરોડનાં બજેટવાળી-ડબિંગનું જ કામ બાકી.
  • 'ફ્રોડ' અને 'ચમેલી'-૨૦ ટકા કરતાં પણ વધારે શૂટિંગ બાકી.
  • કરણ જોહરની 'ઉંગલી' ફિલ્મ-૭૦ ટકા કરતાં પણ વધારે શૂટિંગ બાકી.
  • 'ઘનચક્કર'માં કૈમિયો રોલ.
  • 'હમ હૈ રાહી કાર કે' કૈમિયો રોલ.

No comments:

Post a Comment