Friday, March 29, 2013

એવરેસ્ટને જીતનારા જિંદગીનો જંગ હારી ગયા


લંડન, તા. ૨૩
વર્ષ ૧૯૫૩માં પહેલી વખત એવરેસ્ટ પર વિજય હાંસલ કરનારી ટીમના અંતિમ જીવિત સભ્ય જ્યોર્જ લુવાનું ડર્બિશાયરમાં મૃત્યુ થયું છે. લાંબી બીમારી બાદ બુધવારે રિપલેમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તેમના અંતિમ સમયે તેમની પત્ની મેરી તેમની સાથે હતી અત્યારે મેરીની ઉંમર ૮૯ વર્ષ છે. ન્યૂઝીલેન્ડમાં જન્મેલા લુવા એડમંડ હિલેરી અને તેનઝિંગ નોર્ગેની ટીમનો જ ભાગ હતા,તેમની સાથે રહીને લુવાએ પહેલી વખત દુનિયાના સૌથી ઊંચું શિખર એવરેસ્ટે સર કર્યું હતું. લુવા તે ટીમના મુખ્ય ફોટોગ્રાફર હતા. લુવાએ ૧૯૫૭-૫૮માં એન્ટાર્કટિકાને ચાલતાં પાર કરવાનાં અભિયાનમાં પણ ભાગ લીધો હતો. દક્ષિણ ધ્રુવના રસ્તે એન્ટાર્કટિકાને પાર કરવાનું તે સૌૈથી પહેલું સફળ અભિયાન હતું ત્યાર પછી તેમણે ગ્રીનલેન્ડ, ગ્રીસ અને ઇથોપિયા અભિયાનોમાં ભાગ લીધો હતો.
 ગણતરી કરતાં વહેલું પાર પાડયું અભિયાન
લગભગ ૧૮ વર્ષ પહેલાં તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમારો એન્ટાર્કટિકા પાર કરવાનો અનુભવ રોચક હતો. અમારી ધારણા હતી કે અમે ૧૦૦ દિવસમાં જ એન્ટાર્કટિકાને પાર કરી જઈશું પણ અમે આ કામ ૯૯ દિવસમાં જ પૂરું કરી દીધું, લોકોને ખૂબ જ આનંદ થતો હતો, તેમણે જણાવ્યું કે મારે તેમાં કેમેરામેન તરીકે પણ કામ કરવાનું હતું, તે કામ ખરેખર કઠીન હતું. તેમનો ક્લોકવર્ક કેમેરો ઓપરેટ કરવા માટે તેમને ચાર જોડી હાથનાં મોજાં પહેરવાં પડતાં હતાં. તેમણે કહ્યું કે જ્યારે કોઈ નાઇટ કેમ્પ થતો ત્યારે એમ થયું કે એમાં ભાગ લેવો કે તેને રેકોર્ડ કરવો.
 એક હીરો હતા
કેમ્બ્રિજ યુનિર્વિસટીના સ્કોટ પોલર રિસર્ચ ઇન્સ્ટિટયૂટના પૂર્વ અધ્યક્ષ ડો. લુઈસ જોન્સે ૨૦૦૫માં લુવા સાથે પહેલી વખત મુલાકાત કરી હતી. ડો. જોન્સ જણાવે છે કે તે સાચા હીરો હતા. લુવાના પર્વતારોહણની યાદો અને તસવીરોનું એક પુસ્તક જે તેમણે સાથે તૈયાર કર્યું છે તે આગામી મે મહિનામાં પ્રસિદ્ધ થવાનું છે. જોન્સ જણાવે છે કે લુવા બુદ્ધિશાળી અને ઉદાર વ્યક્તિ હતી જેમને પ્રસિદ્ધિની કોઈ ભૂખ નહોતી. એવરેસ્ટવિજયનાં ૬૦ વર્ષ બાદ તેમની સિદ્ધિઓની પ્રસિદ્ધિ મળવી જ જોઈએ. આ સદીનાં બે મોટાં અભિયાનોમાં લુવા જોડાયેલા હતા, તેમ છતાં તેઓ હંમેશાં વિનમ્ર જ રહ્યા છે.
જ્યોર્જ લુવાની વિગતો
  • હેસ્ટિંજ, ન્યૂઝીલેન્ડમાં જન્મેલા લુવા અભ્યાસ બાદ સ્કૂલટીચર બન્યા અને વેકેશન દરમિયાન પર્વતારોહણ કરતા હતા.
  • ૧૯૫૧માં તે અને સર એડમંડ હિલેરી હિમાલયમાં ન્યૂઝીલેન્ડનાં પહેલા અભિયાન દળના સભ્ય બન્યા.
  • ૧૯૫૩માં ક્વીન એલિઝાબેથ બીજાના રાજ્યાભિષેક પહેલાં તેમણે ૨૯,૦૨૮ ફૂટ ઊંચાં શિખર પર વિજય હાંસલ કર્યો.
  • ફોટોગ્રાફર લુવાએ પર્વતારોહણના અનુભવોની એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવી હતી જેને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી હતી.
  • એન્ટાર્કટિકા પાર કરવાનાં અભિયાનની પણ એક ફિલ્મ બનાવી હતી, જેનું નામ હતું 'એન્ટાર્કટિકા ક્રોસિંગ'.

No comments:

Post a Comment