Thursday, March 7, 2013

અઝીમ પ્રેમજી બાદ વધુ એક ભારતીય પોતાની અડધી સંપત્તિ દાન કરશે


દુબઈ, તા. ૭
શોભા ગ્રૂપ ઓફ કંપનીઝના સ્થાપક પીએનસી મેનન પોતાની અડધી સંપત્તિ સમાજસેવા માટે દાન કરવાના છે. હાલમાં તેમની સંપત્તિ લગભગ ૬૦ કરોડ ડોલર છે. એક સ્થાનિક અખબારના અહેવાલ પ્રમાણે દુબઈના રહેવાસી એવા મૂળ ભારતીય મેનન પહેલા બિઝનેસમેન છે, જેમણે ૧૯૭૬માં ઓમાનમાં બિલ્ડિંગ્સનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરનારી કંપની બનાવીને પોતાની કરિયર શરૃ કરી હતી. મેનને અખબારને જણાવ્યું કે અત્યારે તો તેમણે દાન કરવાની પ્રાથમિક યોજના બનાવી છે, તેના આધારે તેઓ ઓમાન અને ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા માગે છે.
  • શોભા જૂથના સ્થાપક મેનનની વર્તમાન સંપત્તિ ૬૦ કરોડ ડોલર
  • દાનની રકમમાંથી ભારત અને ઓમાનમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની ઇચ્છા
  • એક તબક્કે પૈસા તમારા જીવનમાં કોઈ પરિવર્તન લાવી શકતા નથી : મેનન
તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે તમે અઢળક સંપત્તિ કમાઈ લો છો, તો મને નથી લાગતું કે તમારે તમામ સંપત્તિ તમારા પરિવાર પર જ ખર્ચ કરવી જોઈએ, થોડોઘણો ભાગ સમાજનાં કલ્યાણ માટે પણ વાપરવો જોઈએ, તેનાં કારણે જ મેં મારી અડધી સંપત્તિ સમાજસેવા માટે ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. મારી વિચારસરણી ખૂબ જ સામાન્ય છે. હું પૈસા કમાવાની બાબતમાં સદનસીબ રહ્યો છું. એક તબક્કે તમારી પાસે અઢળક સંપત્તિ આવી જાય પછી વધારાની કમાણી તમારાં જીવનમાં કોઈ પરિવર્તન લાવી શકતી નથી. મને લાગે છે કે તેનો ઉપયોગ પરમાર્થ માટે કરવો જોઈએ. હકીકતમાં તો તે સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ ચૂકવવા જેવું જ છે.
ગયા મહિને જ અરબ બિઝનેસ દ્વારા અખાડી સહયોગ પરિષદના સૌથી ધનિક ભારતિયોમાં મેનનને ૨૧મા સ્થાને મૂક્યા હતા. શોભા ડેવલપર્સ ૨૦૦૬માં બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જમાં પણ લિસ્ટેડ થયેલી કંપની છે. ભારત અને અખાતી દેશોમાં કંપનીના લગભગ ૨,૮૦૦ કર્મચારીઓ કામ કરે છે. મેનન શોભા રિયલ્ટી કંપનીના માનદ પ્રમુખ છે. તેમણે જણાવ્યું કે ભારત અને અખાતી દેશોમાં કંપનીનો વ્યાપ થાય તેના પર જ અત્યારે તેઓ અને કંપની કામ કરી રહી છે.

No comments:

Post a Comment