Monday, March 25, 2013

નવા પોપ ફ્રાન્સિસની રસપ્રદ દિનચર્યા


લંડન :  25, માર્ચ
નવા પોપ ફ્રાન્સિસ કેથોલિકે ચર્ચના પ્રમુખ તરીકેની જવાબદારીઓ સંભાળી લીધી છે ત્યારે એ વાતે પણ તેઓ એટલા માટે ચર્ચામાં રહ્યા છે કે તેઓ પહેલા એવા પોપ છે જેમનો સંબંધ લેટિન અમેરિકા સાથે છે. સત્તાવાર રીતે તેમનો કાર્યભાર સંભાળવાના સમારંભમાં છ વર્તમાન રાજા, ૩૧ રાષ્ટ્રોના અધ્યક્ષ અને ૧૩૨ દેશોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
પોપ માત્ર વિશ્વના સૌથી નાના દેશ વેટિકન સિટીના રાષ્ટ્રાધ્યક્ષ હોય છે એટલું જ નહીં, પરંતુ દુનિયાના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા ૧.૨ અબજ કેથોલિક ખ્રિસ્તીઓના આધ્યાત્મિક નેતા પણ છે, ત્યારે સૌથી વધુ વિચારણીય વાત એ છે કે પોપના જે પદની આટલી ચર્ચા છે તે વ્યક્તિનું આખરે કાર્ય શું હોય છે તેમની દિનચર્યા કેવી હોય છે તેવા પ્રશ્ન કરોડો લોકોનાં મનમાં થાય તે સ્વાભાવિક છે.
ધાર્મિક જવાબદારી
પોપનાં નિયમિત કામોમાં વેટિકન પહોંચતાં દુનિયાભરના શ્રદ્ધાળુઓને સંબોધન કરવાનું અને તેઓને આશીર્વાદ આપવાનું હોય છે, આ માટે તેઓ તેના અભ્યાસખંડની એ બારીનો ઉપયોગ કરે છે જ્યાંથી સેન્ટ પીટર્સનો ભવ્ય નજારો જોઈ શકાય છે.
વેટિકન સિટીમાં ઊમટે છે હજારો શ્રદ્ધાળુ
આ ઉપરાંત તેઓ સપ્તાહમાં એક વાર લગભગ પાંચ હજાર શ્રદ્ધાળુઓને મળે છે. શિયાળામાં તેનું આયોજન એક હોલમાં કરવામાં આવે છે તો ગરમીમાં પોપ સેન્ટ પીટર્સ સ્ક્વેર પર ખુલ્લા આકાશની નીચે શ્રદ્ધાળુઓને મળે છે.
પોપ સામાન્ય રીતે સેન્ટ પીટર્સની અંદર યોજાતા મહત્ત્વના ઉત્સવોે દરમિયાન આયોજનોનું નેતૃત્વ કરે છે, આમાં ક્રિસમસ અને ઇસ્ટરનો સમાવેશ થાય છે. આ દરમિયાન પોપ તે બારીએ આવે છે જ્યાં પોપ બન્યા બાદ પહેલીવાર દુનિયાની સમક્ષ આવ્યા હોય છે. અહીંથી તે તેનો ઉરબી એટ ઓરબી સંદેશ આપે છે.
બિશપોને મળવું
નનના રૃપમાં પોપના કેટલાક અંગત કર્મચારીઓ પણ હોય છે જે રસોઈ બનાવવાનું અને સાફસફાઈ જેવાં અનેક ઘરેલુ કામ કરે છે, પોપનો એક અંગત રસોઇઓ પણ હોય છે. પોપ બેનેડિક્ટ અને પોપ જહોન પોલ-બન્ને તેના અંગત સચિવ પણ રાખતા હતા.
પોપની જવાબદારીઓમાં એ પણ સામેલ છે કે તે પાંચ વર્ષમાં ઓછામાં ઓછા એક વાર વિશ્વના દરેક બિશપને મળે જેઓની સંખ્યા પાંચ હજારથી વધારે છે. આ રીતે પોપ વર્ષમાં સરેરાશ એક હજાર બિશપો એટલે કે સપ્તાહમાં વીસ બિશપોને મળે છે.
ચર્ચના કાનૂન હેઠળ પ્રત્યેક બિશપે રોમ જવાનું જરૃરી હોય છે જેથી તે દર્શાવી શકે કે તેમની દેખરેખ હેઠળના વિસ્તાર(ડાયસિસ)માં શું થઇ રહ્યું છે.
વિદેશપ્રવાસ કરવો
પોપ વેટિકન સિટીના રાષ્ટ્ર અધ્યક્ષ હોવાને કારણે આજકાલ વિદેશી પ્રવાસોને પણ પોપની જવાબદારીઓમાં સમાવવામાં આવ્યા છે. એવું દર્શાવાય છે કે પોપ તરીકે તેઓ સૌથી પહેલાં તેમના મૂળ દેશ-આર્જેન્ટિના જઇ શકે છે. આગામી જુલાઇમાં બ્રાઝિલમાં રિયો-ડી-જેનેરો શહેરમાં યોજાનાર કેથોલિક યૂથ ફેસ્ટિવલમાં પણ નવા પોપ ઉપસ્થિત રહે તેવી આશા રાખવામાં આવી રહી છે. ઇટાલીમાં તે સૌથી પહેલાં એસીસીનો પ્રવાસ કરી શકે છે જે ઇટાલીના સૌથી લોકપ્રિય સંત સેન્ટ ફ્રાન્સિસનું જન્મસ્થળ છે, તેમનાં નામ પરથી નવા પોપે તેનું નામ રાખ્યું છે.
મહેમાનનવાજી
પોપને મળવા ઘણા વિદેશી મહેમાનો પણ વેટિકનમાં આવે છે, તેમની લાઇબ્રેરીમાં તેઓ આવાં લોકોને મળે છે અહીંથી એક વખતમાં તેઓ તેના ચાર-પાંચ લોકોના સમૂહથી લઇને સેંકડો લોકોને તે મળી શકે છે.
પારંપરિક રીતે પોપ એક મોટા એપાર્ટમેન્ટમાં રહે છે જે એપોસ્ટોલિક પેલેસના સૌથી ઊંચા માળ પર આવેલું છે, પરંતુ નવા પોપ કદાચ ત્યાં ન પણ રહે જ્યારે તેમને બ્બૂલસ આયર્સના આર્ચબિશપ નિયુુક્ત કરવામાં આવ્યા હતા, તો તેમણે આર્ચબિશપ પેલેસને બદલે એક સાધારણ મકાનમાં રહેવાનું પસંદ કર્યુ હતું. અત્યાર સુધી તેઓ વેટિકનમાં એક હોટેલના રૃમમાં જ કામ કરી રહ્યા છે, તેઓ તેમના મહેલ જેવા સત્તાવાર નિવાસમાં રહેવા ગયા નથી, જે સ્વાભાવિક જ તેમની જરૃરિયાત કરતાં ઘણું વધારે મોટું હોય છે.

No comments:

Post a Comment