સકસેસ સ્ટોરી - ડાલી જાની
વર્ષ ૨૦૧૨ પૂરું થઈ ગયું અને આજથી આપણે ૨૦૧૩માં મંગલ પ્રવેશ કર્યો છે, અનેક મહિલાઓ ૨૦૧૨ દરમિયાન મીડિયામાં છવાયેલી રહી.તેમની કાર્યશક્તિ, સાહસ અને ઇચ્છાશક્તિના બળે આગળ આવેલી બાર પાવરફુલ વુમન પર્સનાલિટી પર એક નજર કરીએ
આર્યન લેડીઃ એન્જેલા મર્કેલ
એન્જેલા મર્કેલ જર્મનીનાં એવાં રાજકારણી છે જેમણે પોતાના દેશને મંદીથી બહાર કાઢી વિશ્વ સમક્ષ ફરી એક વાર વિકસિત દેશ
તરીકે સ્થાપિત કરી આર્થિક અને રાજકીય ક્ષેત્રે મજબૂત બનાવ્યો. એન્જેલાએ વિશ્વપ્રસિદ્ધ ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં સૌથી શક્તિશાળી મહિલાનું ગૌરવ મેળવ્યું છે
દેશની સુરક્ષા કાજ તત્પરઃ હિલેરી ક્લિન્ટન
ઓબામાની સરકારમાં ૬૭મા સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે ક્લિન્ટને અમેરિકાના રાજકીય ક્ષેત્રે આગવું સ્થાન નોંધાવ્યું છે. હિલેરીએ અમેરિકાની સલામતી માટે ૨૧ અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું. તેઓ ફર્સ્ટ લેડી તરીકે ૭૯ દેશોનો પ્રવાસ કરનારાં વિશ્વનાં પ્રથમ મહિલા છે.
કોંગ્રેસનો મજબૂત હાથઃ સોનિયા ગાંધી
શક્તિશાળી મહિલા અને કોંગ્રેસ પ્રમુખ તરીકે જાણીતાં સોનિયા ગાંધીને એક સમયે રાજકારણની ચર્ચા પણ પસંદ નહોતી અને આજે તેઓ કોંગ્રેસનાં પ્રમુખ તરીકેની પોતાની ફરજ બખૂબી નિભાવી રહ્યાં છે. સોનિયા ગાંધી કોંગ્રેસ પાર્ટી માટે એક મજબૂત સહારો બની પાર્ટીની નૈયાને પાર ઉતારે છે.
અમેરિકાનાં ફર્સ્ટ લેડીઃ મિશેલ ઓબામા
અમેરિકાનાં ફર્સ્ટ લેડી તરીકે જાણીતાં મિશેલ ઓબામાએ ડગલે ને પગલે પોતાના પતિ બરાક ઓબામાનો સાથ આપ્યો. ઓબામાને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચાડવામાં મિશેલનો ખૂબ મોટો ફાળો છે તેવું કહી શકાય છે. મિશેલની ગણતરી વિશ્વની ૧૦ શક્તિશાળી મહિલાઓમાં કરવામાં આવે છે.
ક્રાંતિનો જુવાળ જગાડનારઃ મલાલા યૂસુફઝઈ
તાલિબાનનાં દુષ્કૃત્યોને ઉજાગર કરી દુનિયા સમક્ષ નવી મિશાલ કાયમ કરનાર મલાલાએ મહિલાઓના શિક્ષણ અને અધિકાર માટે અવાજ ઉઠાવ્યો. તાલિબાને મલાલા ઉપર ગોળીબાર કરી તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો છતાં આ તરૂણીએ મક્કમતાથી તેમનો સામનો કર્યો અને વિશ્વ માટે પ્રેરણારૂપ બની.
અંતરિક્ષ પરીઃ સુનીતા વિલિયમ્સ
ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનીતાએ નારીઓની સફળતાને જમીનના છેડેથી આસમાનની બુલંદીઓ સુધી પહોંચાડી છે. ૨૦૦૬માં ૧૯૫ દિવસની સ્પેસયાત્રા કર્યા બાદ ૨૦૧૨માં ૧૬૫ દિવસની યાત્રા પૂર્ણ કરી અવકાશમાં સૌથી વધુ સમય વિતાવનાર અવકાશયાત્રી બની છે.
સફળ વડાપ્રધાનઃ જુલિયા ગિલાર્ડ
જુલિયા ઓસ્ટ્રેલિયાનાં વડાંપ્રધાન તરીકેની ફરજ બજાવતાં ભારતપ્રવાસ કરી અનેક મહત્ત્વની મંત્રણાઓ અને કરાર કર્યાં. રાજકીય નિષ્ણાતોના મતાનુસાર ગિલાર્ડ ઓસ્ટ્રેલિયાનાં વડાંપ્રધાન બન્યા ત્યારબાદ ભારત અને ઓસ્ટ્રેલિયાના રાજદ્વારી સંબંધો વધુ મજબૂત બન્યા છે.
પડકારોને ઝીલતીઃ મારિસા મેયર
જ્યારે મહિલાઓ ઘરે બેસી આરામ કરતી હોય ત્યારે મારિસાએ ૬ માહથી પણ વધુની પ્રેગનેન્સી હોવા છતાં યાહૂ જેવી કંપની જે પોતાની લોકપ્રિયતા ગુમાવી રહી હતી તેનાં સીઈઓની ચેલેન્જિંગ જોબ સ્વીકારી કાર્યભાર સંભાળ્યો. મારિસા મોસ્ટ પાવરફુલ ૫૦ બિઝનેસ વુમનમાં નામ ધરાવે છે.
સફળ બોક્સરઃ મેરી કોમ
ભારતની મહિલા બોક્સર મેરી કોમે ઓલિમ્પિકની ત્રણ શ્રેણીમાંની સૌથી ઓછી ૫૧ કિલોની શ્રેણીમાં નામ નોંધાવ્યું. ઓલિમ્પિકની ટીમમાં પ્રવેશ મેળવવા મેરીએ પોતાનું વજન વધાર્યું અને પોતાની અથાક મહેનત અને પ્રબળ ઇચ્છાશક્તિ સાથે કાંસ્યચંદ્રક મેળવી દેશનું નામ રોશન કર્યું છે.
ઇચ્છાશક્તિનું ઉદાહરણઃ દીપિકા કુમારી
ઝારખંડ જેવા પછાત રાજ્યમાં અભાવગ્રસ્ત પરિવારમાં ઉછરેલ દીપિકાએ પ્રબળ ઇચ્છાશક્તિથી પોતાનાં સ્વપ્નોમાં રંગ પૂરી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વ તીરંદાજીમાં અગત્યનું સ્થાન નોંધાવ્યું છે. દીપિકા વિશ્વ તીરંદાજીમાં બીજો ક્રમ ધરાવે છે.
બેડમિન્ટન ક્વીનઃ સાયના નહેવાલ
સાયના નહેવાલે વર્ષ ૨૦૧૨માં થાઈલેન્ડ ઓપન ગ્રાન્ડ પ્રિક્સ અને ઈન્ડોનેશિયન ચેમ્પિયનશિપ જીતી વિશ્વસ્તરે દેશનું નામ રોશન કર્યું હતું. સાયના એક એવી બેડમિન્ટન ખેલાડી છે જેણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પોતાના નામ કરી વિશ્વ બેડમિન્ટન સંઘમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.
ઇન્ડિયન મૂળની અમેરિકન સાંસદઃ તુલસી ગેબાર્ડ
તુલસી ગેબાર્ડ અમેરિકાની સંસદમાં પ્રથમ હિન્દુ મહિલા છે. તુલસી ગેબાર્ડ અમેરિકાના હવાઈ મતવિસ્તારમાં પ્રતિનિધિ તરીકે ચૂંટાનારાં પ્રથમ હિન્દુ મહિલા બન્યાં છે. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કે. કાઉલીને ૧ લાખ ૨૦ હજાર મતથી હાર આપી પદભાર સંભાળ્યો છે.
|
Tuesday, January 1, 2013
૨૦૧૨ની બાર સફળ મહિલા મહાનુભાવો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment