Sunday, January 20, 2013

બરાક ઓબામાએ વહેલી સવારે પ્રમુખપદના શપથ લીધા


વોશિંગ્ટન, તા. ૨૦
અમેરિકાના પ્રમુખપદે બીજી વખત ચૂંટાનારા બરાક ઓબામાએ રવિવારે અધિકારિક રીતે શપથ લઈ લીધા હતા. પરિવારજનો અને કેટલાક અધિકારીઓની હાજરીમાં વ્હાઇટહાઉસમાં એક નાનકડા સમારંભ દરમિયાન ઓબામાએ શપથ લીધા હતા, જો કે આ અંગેની જાહેર ઉજવણી સોમવારે યોજવામાં આવશે. સોમવારે લાખો નાગરિકોની હાજરીમાં સમારંભ યોજાશે અને ઉજવણી થશે.
અમેરિકાનાં બંધારણમાં જણાવ્યા પ્રમાણે જો કેલેન્ડરમાં ૨૦ જાન્યુઆરીના રોજ રજા આવતી હોય તો પ્રમુખ ઓટોમેટિકલી બપોર પછી પોતાનું કામ શરૃ કરી શકે છે, તેનાં કારણે જ આજે રવિવાર હોવાથી ઓબામાએ સામાન્ય શપથવિધિ કરીને પ્રમુખપદ તરીકેની બીજી ટર્મ સંભાળી લીધી હતી. આ અંગેનો જાહેર સમારંભ સોમવારે યોજવામાં આવશે. આ સમારંભમાં અંદાજે ૮,૦૦,૦૦૦ લોકો હાજરી આપે તેવી શક્યતાઓ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ્હોન રોબટ્ર્સની હાજરીમાં આ શપથવિધિ બંને દિવસ યોજવામાં આવશે. ૨૦૦૯માં પણ તેમણે જ ઓબામાને શપથ લેવડાવ્યા હતા. ઓબામાની સાથે સાથે વાઇસ પ્રેસિડેન્ટ જો બિડને પણ નેવલ ઓબ્ઝર્વેટરી ખાતે નાનકડા સમારંભ દરમિયાન શપથ લઈ લીધા હતા. તેમણે પણ બંધારણ પ્રમાણે રવિવારથી જ શપથ લઈને કામ શરૃ કરી દેવું પડયું હતું. ઓબામાની પ્રમુખ તરીકેની પહેલી ટર્મ દરમિયાન તેમણે નિયુક્ત કરેલા જસ્ટિસ સોનિઆ સોટોમેયર વાઇસ પ્રેસિડેન્ટની શપથવિધિનું સંચાલન કરશે.
પ્રમુખપદે બીજી વાર નિયુક્ત થયા પછી ઓબામા પર જવાબદારીઓ વધી ગઈ છે, તેનાં કારણે જ તેઓ પોતાની સેકન્ડ ટર્મ માટે શપથ લીધા બાદ ટૂંક સમયમાં જ પોતાનો પ્રમુખ તરીકેનો એજન્ડા રજૂ કરશે. તેમાં પણ તેઓ દેશની ઇકોનોમીને ધ્યાનમાં રાખશે, કારણ કે તેમની આગલી ટર્મમાં દેશને ઘણા કપરા સમયમાંથી પસાર થવું પડયું હતું, હવે દેશ આર્િથક સુધારા પર આવે તે તેમનો પહેલો પ્રયાસ રહેશે. આ સિવયા તેઓ ઇમિગ્રેશન અને ગન-કન્ટ્રોલના કાયદાઓ વિશે પણ નક્કર રીતે વિચારશે અને તેમાં યોગ્ય તમામ ફેરફારો કરશે, જોકે આ પહેલાં એક અઠવાડિયા સુધી વોશિંગ્ટન તમામ બાબતોને ભૂલીને ઉજવણી કરશે, તેના દ્વારા તેઓ સંદેશ આપશે કે અમે કેવાં શાંતિથી રહીએ છીએ અને કેવી શાંતિથી સત્તા પણ સોંપીએ છીએ.

No comments:

Post a Comment