Thursday, January 31, 2013

કેટલા અંગત હતા ગાંધીજી અને કાલેનબાખના સંબંધો ?



30 જાન્યુઆરી
શું મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી અને યહૂદી આર્કિટેક્ટ હરમન કાલેનબાખના સંબંધો માત્ર આત્મીય હતા ? શું તેમની વચ્ચે આત્મીયતાથી વધારે કંઈક હતું ? એટલે કે એમ કહીએ કે શું ગાંધીજી સમલૈંગિક હતાં ? આ એવા કેટલા તીખા અને વિવાદાસ્પદ સવાલો છે જેને પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા લેખક જોસેફ લેલવેલ્ડે ગાંધીજીનાં જીવન પર લખેલાં પોતાનાં પુસ્તક 'ગ્રેડ સોલ મહાત્મા ગાંધી એન્ડ હિઝ સ્ટ્રગલ વિથ ઇન્ડિયા'માં પહેલી વખત ઉઠાવ્યા હતા. લેલિવેલ્ડે ગાંધીજી અને કાલેનબાખ વચ્ચે થયેલા પત્રાચારને ટાંકીને ૨૦૧૧માં જ પ્રકાશિત થયેલાં પોતાનાં પુસ્તકમાં જણાવ્યું છે કે બંને વચ્ચે સમલૈંગિક સંબંધો હતા. લેલિવેલ્ડના જણાવ્યા પ્રમાણે ગાંધીજી કાલેનબાખને લખેલા પત્રોમાં પોતાને અપરહાઉસ કહેતા અને કાલેનબાખને લોઅરહાઉસ કહેતા હતા. આ સંબોધન દ્વારા તેમણે દાવો કર્યો છે કે બંને વચ્ચેના સંબંધો આત્મીયતા કરતાં વધારે હતા, તેનાં કારણે કાલેનબાખે પોતાની પત્નીને પણ છોડી દીધી હતી. આ અંગે ઘણો વિવાદ પણ થયો હતો ત્યાર પછી લેલિવેલ્ડે કહ્યું કે તે બંને વચ્ચેના આત્મીય સંબંધોનો ઉલ્લેખ કરતા હતા, જોકે ભારતમાં આ પુસ્તક અંગે મોટો વિવાદ થયો હતો અને તેનાં કારણે તેના પર પ્રતિબંધની પણ માગ કરવામાં આવી હતી, જોકે માત્ર ગુજરાત સિવાય ક્યાંય તેનાં પર પ્રતિબંધ લાગ્યો નહોતો.
પુસ્તકમાં જે હોય તે પણ ખરેખર સત્ય શું છે ? ગાંધીજી અને કાલેનબાખ વચ્ચે ખરેખર કેવા સંબંધો હતા ? તેમની વચ્ચે જે સંબંધો હોય તે પણ હવે તે સાર્વજનિક થવા જઈ રહ્યા છે. ગાંધીજી અને કાલેનબાખ સાથે જોડાયેલા દસ્તાવેજો પહેલી વખત સામાન્ય લોકો સામે લાવવામાં આવી રહ્યા છે. ભારતના નેશનલ આર્કાઇવમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ આ દસ્તાવેજોને તેમની પુણ્યતિથિના દિવસે સાર્વજનિક કર્યા હતા.
ખાસ હતો સંબંધ
નેશનલ આર્કાઇવના મહાનિર્દેશક મુશીરુલ હસનના જણાવ્યા પ્રમાણે આ દસ્તાવેજો સાર્વજનિક થવાને કારણે મહાત્મા ગાંધીનાં જીવનના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ વિશે લોકોને વધારે જાણકારી મળશે, તે ઉપરાંત ઇતિહાસકારો અને ગાંધીજી પર શોધ કરનારાં લોકોને પણ વધારે મદદગાર સાબિત થશે. ભારત સરકારે ગઈ સાલ ઓગસ્ટ મહિનામાં આ દસ્તાવેજોને લગભગ સાત કરોડ રૃપિયામાં ખરીદ્યા હતા. ઇઝરાયલમાં રહેનારા કાલેનબાખના પરિવારજનોએ આ દસ્તાવેજોને લિલામી માટે આપ્યા હતા. તેમણે શરૃઆતમાં આ દસ્તાવેજો માટે ૨૮ કરોડ રૃપિયા જેટલી કિંમત માગી હતલ, જોકે ત્યાર પછી ભારત સરકાર લંડનમાં આ દસ્તાવેજોની લિલામી કરનારા સોથબી પાસેથી સાત કરોડમાં તેને ખરીદવામાં સફળ રહી હતી. આ દસ્તાવેજોમાં ગાંધીજી અને કાલેનબાખ વચ્ચેના સંબંધોને લગતી હજારો બાબતોનો ઉલ્લેખ કરાયો છે, તેમાં એકબીજાને લખવામાં આવેલા પત્રો, તસવીરો, અંગત સંબંધોને જાહેર કરનારી અન્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.
બે વર્ષ સાથે રહ્યા હતા
ગાંધીજી પહેલી વખત ૧૯૦૪માં કાલેનબાખને સાઉથ આફ્રિકામાં મળ્યા હતા ત્યાર પછી ૧૯૦૭થી બે વર્ષ સુધી તેઓ સાથે જ રહ્યા હતા. મહાત્મા ગાંધી ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા ત્યારે કાલેનબાખ તેમના સાથી વિશ્વાસપાત્ર અને આત્મીય વ્યક્તિ હતા. આ દસ્તાવેજોમાં કેટલાક ર્માિમક પત્રો પણ છે જે મહાત્મા ગાંધીએ પોતાના પહેલા દીકરા હરિલાલ ગાંધી, બીજા દીકરા મણિલાલ ગાંધી અને ત્રીજા દીકરા રામદાસ ગાંધીના આંતરિક સંબંધો અંગે લખ્યા હતા. આ પત્રો દ્વારા એવી પણ માહિતી મળે છે કે કાલેનબાખને ગાંધીજીના બીજા દીકરા મણિલાલ ગાંધી સાથે સારી મિત્રતા હતી, તેમાં ગાંધીજીની કામગીરી અને દિનચર્યા વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

No comments:

Post a Comment