વોશિંગ્ટન, તા. ૪
ભારતીય મૂળના અમી બેરાએ પણ શપથ લીધા
ભારતીય મૂળના બે અમેરિકન્સ અમી બેરા અને તુલસી ગેબાર્ડે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્ય તરીકે શપથ લઈને ઇતિહાસ સર્જ્યો છે. બંનેને સ્પીકર જ્હોન બોએનેરે શપથ લેવડાવ્યા હતા. ૧૯૫૦માં દલીપસિંહ સંધુ અને ૨૦૦૫માં બોબી જિંદાલ બાદ ફિઝિશિયન અમી બેરા નીચલા સદનમાં પહોંચનારા ત્રીજા ભારતીય છે જ્યારે ૩૧ વર્ષીય તુલસી ગેબાર્ડ પ્રતિનિધિસભા માટે ચૂંટાયેલા સૌપ્રથમ હિંદુ અમેરિકન મહિલા છે. તુલસી ગેબાર્ડે ભગવદ્ ગીતાને સાક્ષી માનીને શપથ લઈને પોતાનું કાર્ય શરૃ કર્યું હતું. શપથ લીધા બાદ ગેબાર્ડે કહ્યું હતું કે, 'મેં મારી ભગવદ્ ગીતાની અંગત નકલ સાથે શપથ લેવાનો નિર્ણય કર્યો હતો,કારણ કે ગીતાથી મને લોકસેવક નેતા બનવાના પ્રયાસ કરવાની પ્રેરણા મળે છે. મારા જીવનમાં કઠિન પડકારો દરમિયાન ગીતા આંતરિક શાંતિ અને શક્તિનો મોટો સ્રોત રહ્યું છે.' તેમણે વધુમાં કહ્યું હતું કે, 'હું બહુનસલ્યી, બહુસાંસ્કૃતિક અને બહુધર્મીય પરિવારમાં ઊછરી છું. મારાં માતા હિંદુ અને પિતા કેથોલિક છે. મેં કિશોરાવસ્થાથી જ આધ્યાત્મિકતાના સવાલો સામે ઝઝૂમવાનું શરૃ કરી દીધું હતું.'
હવાઈ રાજ્યમાંથી ચૂંટાયેલાં તુલસીએ જણાવ્યું હતું કે, 'સમયની સાથે મને સમજાયું છે કે, ધર્મ આપણને જીવવાનું શીખવાડવાની સાથે જીવનમાં મોટાં લક્ષ્યનો ઉદ્દેશ પણ આપે છે.' તેમના પિતા માઇક ગેબર્ડ હવાઈ પ્રાંતના સેનેટર છે, જ્યારે માતા કેરોલ પોર્ટર ગેબર્ડ શિક્ષક છે. ૨૧ વર્ષની વયે તુલસી ગેબર્ડે હવાઈના કાયમી સેનેટર તરીકે ચૂંટાનારાં સૌથી યુવા ઉમેદવાર હતાં. ૨૮ વર્ષની ઉંમરે તેમને કુવૈત આર્મી નેશનલ ગાર્ડ તરફથી એવોર્ડ મળ્યો હતો. આ પહેલાં તેણે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં તુલસીએ પ્રતિનિધિસભાની ડેમોક્રેટ પાર્ટીનાં નેતા નેન્સી પેલોસીની હાજરીમાં સંબોધન આપ્યું હતું.
No comments:
Post a Comment