Monday, May 20, 2013

વર્ષ ૨૦૧૨માં વિદાય લેનારા ગુજરાતી વીરલાઓ


નવલકિશોર શર્મા : ૮ ઓક્ટોબર
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસના પીઢ નેતા પંડિત નવલકિશોર શર્માનું નિધન રાજસ્થાનમાં થયું હતું. શર્મા ૨૦૦૪થી ૨૦૦૯ સુધી ગુજરાતના રાજ્યપાલ પદે હતા.
કૈલાશપતિ મિશ્ર : ૩ નવેમ્બર
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા કૈલાસપતિ મિશ્રનું લાંબી બીમારી બાદ પટનામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ ૮૯ વર્ષના હતા.
રણજિતસિંહ ગાયકવાડ : ૧૦ મે
વડોદરાના મહારાજા શ્રીમંત રણજિતસિંહ ગાયકવાડ વડોદરાના રાજવી ઉપરાંત લોકસભાના સભ્ય રહી ચૂક્યા હતા. રણજિતસિંહ સારા ચિત્રકાર તેમજ કલારસિક હતા.
કાશીરામ રાણા : ૩૧ ઓગસ્ટ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપમાંથી છ ટર્મ સુધી સુરતના સાંસદ રહેલા કાશીરામ રાણાનું ૭૫ વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. રાણા છેલ્લે કેશુભાઇની જીપીપીમાં જોડાયા હતા.
ઓધવજીભાઈ પટેલ : ૧૮ ઓક્ટોબર
ઘડિયાળની દુનિયામાં જેમના નામના ડંકા પડે છે એ મોરબીની વિખ્યાત અજંતા કંપનીની સ્થાપના ઓધવજી પટેલે કરી હતી. ઓધવજીભાઈ કન્યાકેળવણીના પ્રખર હિમાયતી હતા.
ઇન્દ્રવદન મોદી : ૨૩ જાન્યુઆરી
જાણીતી ફાર્મા કંપની કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક અને ચેરમેન ઇન્દ્રવદન મોદી ફાર્મા ક્ષેત્રના ભિષ્મપિતામહ ગણાતા હતા. તેઓ અનેક સેવાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા.
અશ્વિની ભટ્ટ : ૧૦ ડિસેમ્બર
આશકા માંડલ, ઓથાર, આખેટ, અંગાર જેવી અત્યંત લોકપ્રિય નવલકથાઓ થકી ગુજરાતી વાચકના હ્ય્દય પર રાજ કરનારા અશ્વિની ભટ્ટનું નિધન અમેરિકા ખાતે થયું હતું.
ભોળાભાઈ પટેલ : ૨૦ મે
પ્રવાસવર્ણનોમાં પોતાની આગવી મુદ્રા ધરાવનાર લેખક-સાહિત્યકાર તથા આજીવન શિક્ષક એવા ભોળાભાઈ પટેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. તેમને પદ્મશ્રી સન્માન પ્રાપ્ત થયું હતું.
સુરેશ દલાલ : ૧૦ ઓગસ્ટ
જાણીતા કવિ, વિવેચક અને નિબંધકાર સુરેશ દલાલે સાહિત્યનાં પુસ્તકોને આકર્ષક રંગઢંગ આપ્યા હતા. સાહિત્ય લોકો સુધી પહોંચે એ માટે સુરેશ દલાલે કરેલી મહેનત નોંધપાત્ર હતી.
પ્રબોધ ર. જોશી : ૧૮ નવેમ્બર
કવિ પ્રબોધ ર. જોશી કોર્પોરેટ ક્ષેત્રમાં પણ નામના ધરાવતા હતા. 'ઉદ્દેશ' સામયિકના તંત્રી તરીકે તથા ઝાયડસ કેડિલાના એક્ઝિક્યુટિવ ગ્રૂપ પ્રેસિડેન્ટ (HR)તરીકે લાંબી સેવા આપી હતી.
ચંદુલાલ સેલારકા : ૨૯ નવેમ્બર
મુંબઈ નિવાસી સાહિત્યકાર ચંદુલાલ સેલારકાએ નવલકથા અને ટૂંકી વાર્તાઓ લખી હતી. વ્યવસાયે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. ચંદુભાઈ મોટા ગજાના સાહિત્યકાર હતા.
રમેશ મહેતા : ૧૧ મે
ઓ..હો..હો, જેની ઓળખ બની ચૂકી હતી, એ ગુજરાતી ફિલ્મોમાં હાસ્યના પર્યાય સમાન કલાકાર રમેશ મહેતાનું ૮૦ વર્ષની વયે તેમના નિવાસસ્થાને રાજકોટમાં અવસાન થયું હતું.
કે.લાલ : ૨૩ સપ્ટેમ્બર
જાદુગરીની દુનિયામાં કે. લાલ બહુ મોટું નામ હતું. વિશ્વભરમાં વીસ હજાર કરતાં વધારે જાદુના ખેલ કે.લાલે કર્યા હતા. સાઠ વર્ષ કરતાં વધારે વર્ષ તેઓ જાદુની દુનિયાને સર્મિપત રહ્યા હતા.
મૂળરાજ રાજડા : ૨૩ સપ્ટેમ્બર
જામખંભાળિયાના વતની મૂળરાજ રાજડાએ મુંબઇની ગુજરાતી રંગભૂમિ તેમજ ફિલ્મોના કલાકાર તરીકે નામના મેળવી હતી.'રામાયણ' સિરિયલમાં તેમણે જનકનું પાત્ર ભજવેલું.
રાસબિહારી દેસાઈ : ૬ ઓક્ટોબર
ગુજરાતી સુગમ સંગીતના સાધક રાસબિહારી દેસાઇને લીધે ગુજરાતી સુગમ સંગીતને અનોખી ઊંચાઈ મળી હતી. રાસભાઈ પોતાને આજીવન સંગીતના વિદ્યાર્થી ગણતા હતા.
હરસુર ગઢવી : ૨૧ એપ્રિલ
જાણીતા લોકસાહિત્યકાર હરસુર ગઢવીનું લીવરની બીમારીને કારણે રાજકોટમાં અવસાન થયું હતું. હાસ્યમાં તેમની તળપદી શૈલી ખૂબ લોકપ્રિય બની હતી.

No comments:

Post a Comment