બેંગ્લોર, તા. ૨૪
નોબલ પ્રાઇઝ વિજેતા સાહિત્યકારે આ પત્ર ૧૯૩૧માં લખ્યો હતો
બેંગ્લોરમાં એક પુસ્તકની સોડમાં ભરાયેલો રવીન્દ્રનાથ ટાગોરનો દુર્લભ પત્ર મળી આવ્યો હતો. નોબલ પ્રાઇઝ વિજેતા સાહિત્યકારે આ પત્ર ૧૯૩૧માં લખ્યો હતો. આ પત્ર ૧૯૨૧માં ટાગોર દ્વારા સ્થપાયેલી સંસ્થા વિશ્વ ભારતી યુનિર્વિસટીના લેટરહેડ પર લખાયો હતો. આ પત્રની શરૂઆતની લાઇનમાં તેમણે લખ્યું હતું કે, મારા પોતાના દેશ અને દુનિયામાંથી જ્યારે કોઇ મને અભિનંદન આપે ત્યારે મારી લાગણીને માત્ર થોડા શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરવી તે ખૂબ જ મુશ્કેલ વાત છે. આ પત્રમાં ટાગોરે કોઇ ચોક્કસ બાબત માટે કોઇક વ્યક્તિનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. આ પત્ર ૧૭મી ડિસેમ્બર ૧૯૩૧માં લખાયો હતો અને જોગાનુજોગ તે દિવસે તેમણે ૭૦મી વર્ષગાંઠ ઊજવી હતી. નોબલ પ્રાઇઝ પ્રાપ્ત કર્યા પછી ૧૭ વર્ષ બાદ આ પત્ર લખાયો હતો.
બ્લોઝમ બુક હાઉસની માલિક માયી ગૌડાએ જણાવ્યું હતું કે, ૧૯૩૧માં ટાગોરે ૭૦મી વર્ષગાંઠ ઊજવી હતી અને તે વર્ષ આલ્બર્ટ આઇનસ્ટાઇન સહિત દુનિયાની ખ્યાતનામ વ્યક્તિઓએ તેમના વિશે લખ્યું હતું. આ લેખનો સંગ્રહ ગોલ્ડન બુકમાં કરાયો હતો. ગોલ્ડન બુકની માત્ર ૧,૫૦૦ કોપી પ્રકાશિત કરાઈ હતી અને માયી ગૌડાએ દક્ષિણ મુંબઇમાં રૂ. ૫,૦૦૦માં આ બુક ખરીદી હતી.
ગૌડાએ જણાવ્યું હતું કે, પુસ્તકની અંદર રવીન્દ્રનાથે લખેલો પત્ર હોવાની જાણકારી તેમને અથવા બુક સ્ટોરને નહોતી. બુક ખરીદ્યા બાદ પુસ્તકની અંદરથી તે પત્ર મળી આવ્યો હતો. જ્યારે વિશ્વ ભારતી યુનિર્વિસટીએ હજુ સુધી આ પત્ર માટે ગૌડાનો સંપર્ક કર્યો નથી. જોકે ટાગોરના અનુયાયીઓએ આ પત્ર ખરીદવા માટે ગૌડાનો સંપર્ક સાધ્યો હતો. જોકે ગૌડાએ તે પત્ર વેચવાની ના પાડી દીધી હતી. ગૌડા માને છે કે, કદાચ એવું બની શકે કે ટાગોર આ પુસ્તક તેમના કોઇ મિત્રને ભેટ આપ્યું હોય અને તેમાં તે પત્ર મૂક્યો હશે.
No comments:
Post a Comment