May 26, 2012
બાયોગ્રાફી
આખું નામઃ સર એડમન્ડ પાર્સિવલ હિલેરીજન્મ તારીખઃ ૨૦ જુલાઈ, ૧૯૧૯
મૃત્યુ તારીખઃ ૧૧ જાન્યુઆરી, ૨૦૦૮
જન્મ સ્થળઃ ઓકલેન્ડ, ન્યૂઝિલેન્ડ
બેદિવસ પછી એવરેસ્ટ આરોહણને ૬૦મું વરસ બેસશે. ન્યૂઝિલેન્ડના પર્વતખેડૂ સર એડમન્ડ હિલેરી અને નેપાળી શેરપા તેનસિંગ નોર્ગેએ ભેગા મળીને ૧૯૫૩ની ૨૯મી મેના દિવસે એવરેસ્ટ પર પગરણ માંડયાં હતાં. એ સાહસસફરના લીડર એડમન્ડ હિલેરીને ઓળખીએ...
* સ્કૂલકાળથી જ પર્વતારોહણમાં રસ ધરાવતા હિલેરીએ ૧૯૩૯માં ન્યૂઝિલેન્ડનું માઉન્ટ ઓલિવર નામનું શિખર સર કરી પોતાની સાહસિક સફર આરંભી દીધેલી.
* રફ એન્ડ ટફ શોખ હોવાને કારણે તેમણે નોકરી પણ એરફોર્સની પસંદ કરેલી. બીજા વિશ્વયુદ્ધમાં તેઓ ન્યૂઝિલેન્ડની વાયુસેનામાં હતા. એ પછી તેઓ બ્રિટિશ પર્વતારોહી ટીમના મેમ્બર બનેલા.
* એ વખતે અને આજે પણ પૃથ્વી પરનું સર્વોત્તમ સાહસ એવરેસ્ટ આરોહણ ગણાય છે. નાના-મોટા પર્વતો પગતળે કર્યા પછી હિલેરીની મીટ એવરેસ્ટ તરફ હતી. એવરેસ્ટ તરફ જતી ટીમમાં તેઓ જોડાયા. દરેક પરદેશી ટીમ સાથે સ્થાનિક નેપાળી શેરપાઓ રહેતા. આ ટુકડી સાથે પણ હતા. એવરેસ્ટ ચડતાં ચડતાં રસ્તામાં કેટલાક મરાયા, કેટલાકે પ્રવાસ અટકાવ્યો અને કેટલાક પાછળ રહી ગયા. પરિણામે સૌથી પહેલા ઉપર પહોંચનારા બન્યા એડમન્ડ હિલેરી અને તેનસિંગ.
* એવરેસ્ટ સર કર્યા પછી એડમન્ડે હિમાલયની વારંવાર મુલાકાત લઈ બીજાં દસ શિખરો પણ સર કર્યાં. બર્ફીલી ભૂમિ દક્ષિણ ધ્રુવનો પણ તેમણે સફળતાપૂર્વક પ્રવાસ કર્યો અને પોતાની સાહસિક સફર સતત ચાલુ જ રાખી.
* ન્યૂઝિલેન્ડ સરકારે ત્યાંની પાંચ ડોલરની નોટ પર એડમન્ડ હિલેરીને સ્થાન આપ્યું છે.
* તેમણે બે વખત લગ્ન કરેલાં અને તેમનાં કુલ ૩ સંતાનો છે.
* ૨૦૦૮માં ૮૮ વર્ષની વયે હાર્ટ એટેકથી તેમનું મોત થયું. ત્યાં સુધીમાં એ ૨૦મી સદીના સર્વોત્તમ ૧૦૦ સાહસિકોમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યા હતા.