Monday, December 26, 2011

ઓપ્રા વિન્ફ્રે મિસિસિપી મસાલા


બાયોગ્રાફી
આપણે ત્યાં અમિતાભ બચ્ચન સહિતના સ્ટાર્સ ટીવી શો હોસ્ટ કરે છે, જ્યારે ઓપ્રા વિન્ફ્રે ટીવી શોને હોસ્ટ કરીને સેલિબ્રિટી બની ગયાં છે. અમેરિકામાં ઓપ્રા વિન્ફ્રેના નામથી ચાલતો ટીવી શો અત્યંત લોકપ્રિય હતો. તેમના શોમાં વિશ્વભરની સેલિબ્રિટીઝ આવતી હતી. ભારતમાંથી માત્ર એશ્વર્યા રાય અને રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ જેવા જૂજ લોકોને જ તેમાં બોલાવાયાં છે. અમેરિકામાં અશ્વેત લોકોને આજે પણ રંગભેદનો સામનો કરવો પડે છે. ઓપ્રા રંગભેદ સહિતના તમામ વિઘ્નો પસાર કરીને આગળ આવ્યાં છે. આજે ૨૦મી સદીના સૌથી ધનવાન આફ્રિકી-અમેરિકનમાં તેઓ પહેલા નંબરે આવે છે. માર્ક ટ્વેઈનની ‘એડવેન્ચર ઓફ હકલબરી ફિન’ જ્યાં આકાર પામી છે એ મિસિસિપી નદીના કાંઠે અત્યંત ગરીબ કુટુંબમાં ઓપ્રાનો જન્મ થયેલો. ૧૯૭૧માં તેમને રેડિયોમાં સમાચાર વાંચવાની નોકરી મળી એ તેમનો મીડિયા સાથેનો પહેલો સબંધ. અશ્વેત હોવા છતાં તેમનું સૌંદર્ય આકર્ષણનું કેન્દ્ર છે. નાની-મોટી બ્યુટી કોન્ટેસ્ટમાં તેઓ વિજેતા રહી ચૂક્યાં છે. ૧૯૭૬થી તેઓ ટેલિવિઝન સાથે જોડાયાં અને આજે તો પોતાની ચેનલનાં માલિક છે. ટેલિવિઝન પર સૌથી સફળ લેડી તરીકે ‘ટાઈમ’ મેગેઝિને તેમને કવર પર ચમકાવ્યાં હતાં.
એમની લાઈફ પર એક નજર..
* ઓપ્રાનાં માતા-પિતાએ ક્યારેય લગ્ન કર્યાં ન હતાં. તેઓ સાથે રહેતાં અને ઓપ્રાના જન્મ બાદ નોખાં પડી ગયેલાં.
* ઓપ્રા રીડિંગનાં શોખીન છે. ભણવામાં પણ તેમણે ઘણીબધી સ્કોલરશિપ મેળવી હતી.
* એક સમયે ઓપ્રાના સાથીદાર સ્ટીડમાન ગ્રેહામ હતા. ૧૯૮૬માં તેઓ અલગ પડી ગયા. શા માટે અલગ પડયા તેના વિશે કોઈને ખબર નથી. એ પછીથી વિન્ફ્રે એકલાં જ છે.
* વિવિધ ચેરિટીઓ દ્વારા તેમણે કુલ ૫.૧ કરોડ ડોલર જેવી રકમ ભેગી કરી આપી છે. તો વળી તેમની અંગત સંપત્તિ (સપ્ટેમ્બર, ૨૦૧૦ પ્રમાણે) ૨.૭ અબજ ડોલર છે.
* તેઓ કેલિફોર્નિયામાં આવેલા ૪૨ એકર (૧,૭૦,૦૦૦ ચોરસ મીટર) માં ફેલાયેલા પોતાના ‘ધ પ્રોમિસ્ડ લેન્ડ’ નામના મહેલ જેવા મકાનમાં રહે છે.
* ઓપ્રાનું કોઈ કાયમી સાથીદાર હોય તો એમનું ડોગી છે. માર્ચ ૨૦૦૮માં ઓપ્રાના ૧૩ વર્ષના કૂતરા સોફીનું મોત થયું ત્યારે ઓપ્રાના નીઅર-ડિઅરે સોફીને અંજલિ પણ આપેલી.
* હોલીડે પરનો તેમનો કાર્યક્રમ ‘ઓપ્રા’સ ફેરવિટ થિંગ્સ’ સૌથી વધુ જોવાતો કાર્યક્રમ હતો.
* હાર્પર લીએ લખેલી કથા ‘ટી કિલ અ મોકિંગબર્ડ’ તેની ફેવરિટ બૂક છે.
* તેની પ્રોડક્શન કંપનીનું નામ હાર્પો પ્રોડક્શન (Harpo Productions) છે, જેમાં તેનું પોતાનું નામ (Oprah) ઊલટું આવે છે.
* તેના મેગેઝિનનું નામ માત્ર ‘ઓ (‘O’,)’ છે. એ મેગેઝિનના દરેક કવર પર ઓપ્રાનો ફોટો હોય જ છે. એક જ વખત ઓપ્રાને બદલે ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાને સ્થાન મળેલું.
* ટ્વિટર પર તેમના ૮૫,૭૨,૩૮૫ ફોલોઅર્સ છે.
* તેમણે પોતાના વજનમાં ૪૧ કિલોગ્રામ જેટલો જંગી ઘટાડો કરવામાં સફળતા મેળવી છે.
* ગ્રીન ઓપ્રાનો ફેવરિટ કલર છે.
* તેમના પર નાનપણમાં બળાત્કાર થયેલો એટલે ૧૪ વર્ષનાં હતાં ત્યારે જ તેમણે એક બાળકને જન્મ આપવો પડેલો. જોકે આ બાળકનું ટૂંક સમયમાં જ મોત થઈ ગયેલું. 

No comments:

Post a Comment