Monday, May 7, 2012

પુતિને ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા


મોસ્કો, 7 મે
વ્લાદિમીર પુતિને સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ પદના શપત ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ તરીકે પુતિનનો આ ત્રીજો કાર્યકાળ હશે. આ પહેલા તે 2000 થી 2008 સુધી આ પદ પર રહી ચૂકયા છે. 59 વર્ષીય પુતિન વર્ષ 2008થી 2012 સુધી રશિયાના વડાપ્રધાન રહ્યા. તેમને માર્ચમાં પૂર્ણ થયેલ ચૂંટણીઓમાં અપાર સફળતા મળી હતી.

પુતિને બપોરે ક્રેમલિનમાં આયોજીત સમારોહમાં શપથ ગ્રહણ કર્યા હતા. એક સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર તેમના શપથ ગ્રહણ સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓ અને વિદેશી મહેમાનો હાજર રહ્યા હતા.

પુતિને પૂર્વ રાષ્ટ્રપતિ દમિત્રિ મેદવેદેવને પોતાની સરકારના વડાપ્રધાન બનાવ્યા છે. 


 મોસ્કો, તા. ૭
વ્લાદિમીર પુતિન બોગસ વોટિંગ દ્વારા ચૂંટણી જીત્યા હોવાના વિરોધપ્રદર્શન વચ્ચે આજે પુતિને મોસ્કોના ક્રેમલિન હોલમાં રશિયાના ત્રીજી મુદ્દત માટે પ્રમુખપદ માટેના શપથ ગ્રહણ કર્યા હતા. પુતિનનો રશિયાના પ્રમુખ તરીકેનો નવો કાર્યકાળ છ વર્ષ સુધીનો રહેશે, જોકે તેમની પાસે ચાર વર્ષના કાર્યકાળનો પણ વિકલ્પ હશે. ક્રેમલિન હોલમાં ૩,૦૦૦ આમંત્રિત મહેમાનો વચ્ચે પુતિને રશિયાનાં લોકોના અધિકાર અને સ્વતંત્રતાનું રક્ષણ કરવાનું તથા તેમને માન આપવાનું વચન લીધું હતું.
વિરોધપ્રદર્શન વચ્ચે ક્રેમલિનમાં શપથવિધિ
જ્યારે બીજી બાજુ પુતિનના ફરીથી પ્રમુખ બનવાનો વિરોધ કરી રહેલા અલગ અલગ સંગઠનના આશરે ૧,૦૦૦ પ્રદર્શનકારીઓએ પુતિનના ક્રેમલિન હોલ તરફ આવવાના માર્ગ પર ટ્રાફિક જામ કરી દીધો હતો, જેને લીધે સુરક્ષાવ્યવસ્થા ખોરવાઈ હતી. પુતિનવિરોધી ચળવળ ચલાવી રહેલા પ્રદર્શનકારીઓએ સફેદ રિબિન બાંધી વિરોધપ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે મુખ્ય વિરોધી નેતા બોરિસ નેમ્ત્સોવ સહિત ૧૨૦ જણની અટકાયત કરી હતી.
આ દરમિયાન પુતિને તેમનાં કાર્યાલયમાં રશિયન કોન્સ્ટિટયૂશનની રેડ કોપી હાથમાં લીધા બાદ લોકશાહી અંગે ભાષણ આપતાં કહ્યું હતું કે, 'આપણો દેશ લોકતાંત્રિક બનશે, જેમાં દરેક જણ સ્વતંત્ર હશે તથા તેમને તેમની યોગ્યતા, કુશળતાને સાબિત કરવા તક મળશે. આપણે એક સફળ રશિયામાં જીવીશું, જે વિશ્વમાં તેની પ્રમાણિકતાને લીધે સન્માનીય છે.'
ઉલ્લેખનીય છે કે, પુતિન ગત માર્ચમાં યોજાયેલી ચૂંટણીમાં ત્રીજી મુદત માટે પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં બોગસ વોટિંગ થયું હોવાનો વિરોધ ઊભો થયો હતો.
૧૯૯૯માં ૩૧મી ડિસેમ્બરે પ્રમુખ બોરિસ યેલ્ટસિનએ પ્રમુખપદેથી અચાનક રાજીનામું આપતાં પુતિન કાર્યકારી પ્રમુખ બન્યા હતા, ત્યાર બાદ ૨૦૦૦માં તથા ફરી વાર ૨૦૦૪માં તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને ૭મી મે, ૨૦૦૮ સુધી પ્રમુખપદ સંભાળ્યું હતું, જોકે ૨૦૦૮માં વડાપ્રધાનપદ માટેની ચૂંટણી જીત્યા બાદ તેઓ ૨૦૧૨ સુધી વડાપ્રધાન રહ્યા હતા, આ ઉપરાંત તેઓ યુનાઇટેડ રશિયા તથા બેલારુસ અને રશિયાના મંત્રીમંડળના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

No comments:

Post a Comment