Friday, September 21, 2012

ડો. વિલેજ કુરિયન (બ્રેકિંગ વ્યૂઝ)


Sep 15, 2012

બ્રેકિંગ વ્યૂઝ - રાજ ગોસ્વામી
કુરિયનની આ ગામેગામથી દૂધ એકઠું કરવાની સહકારી યોજનાનો એક જબ્બર ફાયદો એ થયેલો કે ચરોતરનાં ગામડાંમાં ઊંડા સામાજિક ભેદભાવની ખાઈ કાફી હદ સુધી પુરાઈ ગયેલી.
ઘરમાં એક ભેંસ હતી. પરિવારમાં છ જણઃ માતા-પિતા અને ચાર ભાઈ, ખેતરનો એક ટુકડો જેમાં ખાસ કંઈ ઊગતું ન હતું. કંઈક ઉગાડવા માટે પૈસા જોઈએ કે નહીં? લોટ દળવાની એક ચક્કી હતી, જેમાં ગામનું અનાજ દળાતું. મા રોજ વહેલી સવારે, આંખ ખૂલે તે પહેલાં ભેંસ દોહવા જતી. આંખ ખૂલે ત્યારે ચૂલા પર ચા અને રોટલા તૈયાર હોય. ઘરના દૂધની એ ચા અને રોટલો એ બ્રેકફાસ્ટ.
સાંજે પણ એ જ ક્રમ, સૂરજ ડૂબે અને દીવાબત્તી થાય ત્યારે મા માથે સ્ટીલની ચમકતી પવાલીમાં દૂધ લઈને આવતી દેખાય. દૂધ ને રોટલો એ રાતનું ડિનર. લગભગ આખું બચપણ આ ક્રમમાં વીતી ગયેલું. ૨૦૦૦ની વસ્તીવાળા ગામમાં દૂધ સહકારી મંડળી જબ્બર કુતૂહલનો વિષય. એક બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી પણ આવેલું. જેમાં 'ચિત્રહાર' (પ્રતિ શુક્રવાર) જોવા માટે દૂધ ભરવા આવેલા લોકોની ભીડ થઈ જતી. દૂધની ડેરી પર દૂધ આપવાનું અને પૈસા લેવાનું જોયું ત્યારે પહેલી વાર 'ધંધો' એટલે શું એની ખબર પડેલી.
છ જણનો પરિવાર એક ભેંસના આધારે બે ટંક ખેંચી કાઢીને બાકીનો સમય સંઘર્ષ કર્યા કરે એ શ્યામ બેનેગલની ફિલ્મ 'મંથન' જેવું જરૂર લાગે, પરંતુ આણંદ નજીકના ગોપાલપુરા નામના મારા ગામની આ કહાની મારી છે અને એ કહાનીમાં સંઘર્ષને થોડો સહ્ય બનાવ્યો હોય તો એ વર્ગીસ કુરિયને. અહીં જે 'મંથન' ફિલ્મની વાત કરી, એ સ્મિતા પાટિલ અને ગિરીશ કર્નાડની ફિલ્મની વાર્તા પણ કુરિયને જ લખેલી. અમરીશ પુરીએ એમાં કુરિયનના માર્ગદર્શક અને અમૂલને મુર્તિમંત કરનારા ત્રિભોવનદાસ પટેલની ભૂમિકા ભજવેલી. આ ફિલ્મના નિર્માણ માટે ગુજરાતના લગભગ ૧૦ હજાર ખેડૂતોએ યથાશક્તિ પૈસા આપેલા.
મોટા થઈને 'અન્નદાતા' શબ્દ મગજમાં આવ્યો ત્યારે 'મિલ્કદાતા' શબ્દ પણ આવી ગયો. અમે અને અમારી પેઢી આ મિલ્કદાતા વર્ગીસ કુરિયનની પેઢી છીએ. દુનિયાએ કુરિયનની શ્વેતક્રાંતિ વિશે બહુ વાંચ્યું છે. અમે એ ક્રાંતિને બચપણમાં જ જીવી ગયેલા. અમૂલ ડેરીનો મિલ્ક પ્લાન્ટ શરૂ થયો ત્યારે અમૂલના દરવાજામાં દૂધનાં કેન લઈને પ્રવેશવાવાળી બીજી ટ્રક અમારા ગામની. પહેલું દૂધ બાજુના 'મુસ્લિમ' ગામમાંથી ગયેલું. દૂધની એ ગંગામાં નાત, જાત અને ધર્મનાં બધાં પાપ ધોવાઈ જતાં જોયેલાં. કુરિયને એક વાર દૂધની ડેરી પર દૂધ ભરવા માટે ઊભેલા ગામવાસીઓની કતારને ઉદ્દેશીને એમના લાઉડસ્પીકર અવાજમાં કહેલું, "અહીં એક શુદ્ધ બ્રાહ્મણને હરિજનની પાછળ લાઈનમાં ઊભા રહેવું પડે, કારણ કે એ એના પછી આવ્યો હતો. તમને શું લાગે છે, આ ખાલી દૂધ ભરવાની લાઈન છે? આખી જાતિ વ્યવસ્થા પરનો આ એક ઘા છે."
યેસ, કુરિયનની આ ગામેગામથી દૂધ એકઠું કરવાની સહકારી યોજનાનો એક જબ્બર ફાયદો એ થયેલો કે ચરોતરનાં ગામડાંમાં ઊંડા સામાજિક ભેદભાવની ખાઈ કાફી હદ સુધી પુરાઈ ગયેલી. એ વખતના શહેરના અને ગામડિયા, ઊંચ અને નીચ, હિન્દુ અને મુસ્લિમ એવા ચરોતરિયા સમાજમાં કુરિયનના દૂધે સિમેન્ટનું કામ કરેલું. તમામ વર્ગના લોકો દૂધ ભરવા લાઇનમાં ઊભા હોય એવી સમાનતા કુરિયનને આભારી છે.
અને આ માણસ પોતે ૧૯૪૯માં ૨૮ વર્ષની ઉંમરે શહેરનાં સ્વપ્ન છોડીને આણંદ ટાઉનમાં દૂધનાં વહેણ બદલવા આવેલો. કુરિયન આખાબોલા અને કાતિલ રમૂજવાળા હતા. એક સેમિનારમાં એ હાજર અને દેશના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી સી. ટી. કુરિયને હાથ લંબાવીને પોતાની ઓળખાણ આપી, "હેલ્લો આઈ એમ સી. ટી. કુરિયન," જવાબમાં 'સિટી' શબ્દ પર શ્લેષ કરીને ડો. વર્ગિસ બોલ્યા, "આઈ એમ વી. કુરિયન-વિલેજ કુરિયન."
કુરિયનનો એક જ પ્રોબ્લેમ હતો-એમનો તેજ મિજાજ. પાછલી જિંદગીમાં એ દુઃખી એટલે જ થયેલા. આણંદની કૃષિ યુનિવર્સિટીમાં ઈરમાની એક મિટિંગમાં એમના આવતા પહેલાં સ્ટાફે રૂમમાં જાસ્મીનનું રૂમફ્રેશનર છાંટી રાખ્યું હતું. કુરિયન આવ્યા અને હવા સૂંઘવા લાગ્યા. પછી બોલ્યા, "અહીં તો વેશ્યાના ઘર જેવી સુગંધ આવે છે." બોલ્યા પછી એમણે બધાનાં મોંઢાં જોયાં અને પછી આસ્તેથી બોલ્યા, "તમને થતું હશે કે વેશ્યાના ઘરમાં કેવી સુગંધ હોય એની મને ખબર કેવી રીતે પડી?"
એક જણાને એમણે કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ખખડાવતાં કહેલું, "યુ બ્લડી બાસ્ટર્ડ, અહીં આવીને આ મંત્રી સામે જૂઠ બોલી જો, હું તને નપુંસક બનાવી દઈશ." ઈરમાની જ એક બોર્ડ મિટિંગમાં એક મેમ્બરે સિગાર પીતાં પીતાં કહેલું, "સો ડો. કુરિયન, તમે અમારા ગ્રેજ્યુએટને ગામડે જઈ ગાયો કેમ દોહવી એ શીખવાનું કહો છો?" કુરિયન ઊભા થઈ બોલ્યા, "નો, તમે એમને સિગાર કેમ પીવી એ જ શીખવાડયા કરો." એક વખત રાષ્ટ્રપતિ હિદાયતુલ્લાહના અંગ્રેજી ભાષણ પછી કુરિયને એમનું અંગ્રેજી ભાષણ ગુજરાતીમાં અનુવાદિત કરીને વાંચી સંભળાવેલું.
ધિસ વોઝ વિલેજ કુરિયન. ઘરમાં એક ભેંસ હતી. પરિવારમાં છ જણઃ માતા-પિતા અને ચાર ભાઈ. ખેતરનો એક ટુકડો જેમાં...

No comments:

Post a Comment