Monday, January 30, 2012

ફિલ્મો દ્વારા ગાંધીજી આજે પણ જીવંત છે

મુંબઈ 30, જાન્યુઆરી

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણતિથિ છે. ગાંધીજીનાં જીવનકાળ અને તેમનાં કાર્યોથી હંમેશાથી બોલિવૂડ અને હોલિવૂડ બંને પ્રભાવિત રહ્યું છે.  કેટલાય ફિલ્મ નિર્માતાઓએ ગાંધીજીનાં વિષય પર ફિલ્મો બનાવી છે, અને આ ફિલ્મો સફળ પણ રહી છે. 'મૈંને ગાંધી કો નહીં મારા', 'ધ મેંકિંગ ઓફ મહાત્મા', 'ગાંધી માય ફાધર', 'હે રામ', 'લગે રહો મુન્નાભાઈ' અને તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ગાંધી ટૂ હિટલર' ફિલ્મો ગાંધીજી આધારિત છે.

આ ફિલ્મોનાં માધ્યમથી તે તમામ લોકોને ગાંધીજીને જાણવાનો અવસર મળ્યો છે, જેઓએ ગાંધીજીને જોયાં નથી. યુવા નિર્દેશક અમિત રાયે  બનાવેલી ફિલ્મ 'રોડ ટૂ સંગમ' માં ગાંધીજીનાં અસ્થિઓની વાતને પણ આવરી લેવામાં આવી છે.

આ ફિલ્મમાં વાસ્તવિકતાનાં સંપૂર્ણ દર્શન થાય છે. ગાંધીજી પર આધારિત આ પ્રથમ ફિલ્મ છે, જેમાં ગાંધીનાં પ્રપૌત્ર તૃષાર ગાંધીએ પોતે જ અભિનય કર્યો છે. ગાંધીજીનાં અસ્થિઓના કળશની ઓરિસ્સાથી અલાહાબાદની યાત્રાને સુંદર અને માર્મિક રીતે આ ફિલ્મમાં વર્ણવવામાં આવી છે.

ફિલ્મની કહાની કંઈક આ પ્રમાણે છે કે સરકાર અને ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન એવું નક્કી કરે છે કે જે ટ્રેનમાં ગાંધીજીનાં અસ્થિઓ લઈ જવાયાં હતાં, તે જ ગાડીમાં તેમનાં અસ્થિઓને પાછાં લાવવામાં આવે, આથી ટ્રેનની સમારકામનું કામ હશમતભાઈને સોંપવામાં આવે છે.

આ દરમિયાન હિંદુ-મુસ્લિમ કોમી રમખાણ ફાટી નીકળે છે. મુસ્લિમ કોમનાં ભાઈઓ હશમતભાઈને ગાડીના સમારકામ માટે ના પાડે છે, પરંતુ હશમત ભાઈનાં રોલમાં પરેશ રાવલ તેમને હિંદુ-મુસ્લિમની એકતા વિશે સમજાવે છે.

ટૂંકમાં આ ફિલ્મમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ગાંધીજી ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનાં વિચારો આજે પણ જીવંત છે.

No comments:

Post a Comment