Thursday, December 6, 2012

હિતેન્દ્રભાઈએ ચૂંટણીનાં પરિણામ બાદ પક્ષ છોડયો હતો


અમદાવાદ :
નરહરિ અમીન રાજકીય શિસ્ત અને સૌજન્ય દાખવી શક્યા નહિ
કોંગ્રેસને રામ રામ કરીને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા નરહરિ અમીન શ્રીરામનો નારો ગુંજતો કરવા ભાજપમાં જોડાઈ ગયા છે. નરહરિનો આ ભાજપ પ્રવેશ આજે ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.. નરહરિએ કોંગ્રેસ છોડવી જોઈતી ન હતી... ભાજપમાં જવું જોઇતુ ન હતું.. અને કોંગ્રેસ હાઈકમાન્ડને જો પાઠ ભણાવવા હોય તો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવી જોઈતી હતી. અને જો એમ ન કરી શકે તેમ હોય તો કમસે કમ ચૂંટણી બાદ જ પક્ષ પલટો કરવો હતો જેથી તેમણે પસંદ કરેલા ચાર ઉમેદવારો જીતુભાઇ પટેલ (નારણપુરા) રમેશભાઈ દૂધવાળા (ઘાટલોડિયા),ભરત પટેલ (સાબરમતી) અને કમલેશ શાહ (એલિસબ્રિજ) નોંધારા બન્યા છે. તે ન જ બન્યા હોત... આ દગાબાજી કોંગ્રેસ કરતા તેમના આ ચાર મિત્રોને વધુ ફટકો આપશે એવી લાગણી કોંગ્રેસ પક્ષના કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે. આ લાગણીમાં પણ સચ્ચાઈનો રણકો છે. જો ભૂતકાળ તરફ નજર કરીએ તો ગુજરાતમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાના પક્ષાંતરના અનેક બનાવો બન્યા છે. પરંતુ ચૂંટણીના પર્વમાં જ પક્ષને નુકસાન થાય એવું પગલું કમસે કમ પક્ષના કોઈ સિનિયર નેતાઓએ ભર્યું જ નથી. વાત ગુજરાતના જ કોંગ્રેસ પક્ષના એક મુખ્યમંત્રીની છે. સને ૧૯૬૯માં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસના બે ફાડિયા કરીને કોંગ્રેસ આઈની રચના કરી હતી. એ બે ફાડિયાનો બીજો ભાગ સંસ્થા કોંગ્રેસ તરીકે ઓળખાયો હતો. જેના નેતા મોરારજી દેસાઇ હતા. કોંગ્રેસના વિચ્છેદ દરમ્યાન સને ૧૯૭૪માં ગુજરાતના લાદેલા રાષ્ટ્રપતિ શાસનનો અંત આવતા ગુજરાત વિધાનસભાની ૧૨મી જૂને ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઇન્દિરાજીની કોંગ્રેસ સામે તમામ પક્ષોએ એક થઇ જનતા મોરચો રચ્યો હતો. એ મોરચાએ કિમલોપના બહારી ટેકાથી સરકારની રચના કરી હતી. આ સરકાર ગુજરાતમાં સૌ પ્રથમ બિનકોંગ્રેસી સરકાર હતી...
સરકારની રચના પહેલા સંસ્થા કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈએ કોંગ્રેસ આઈમાં જોડાઈ જવાનું મન મનાવી લીધું. ઇન્દિરાજીએ લીલી ઝંડી આપી દીધી હતી.. પરંતુ હિતેન્દ્રભાઈએ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યાં સુધી મૌન જાળવી રાખ્યું હતું. એટલું જ નહીં જનતા મોરચાના ઉમેદવારોને મદદ પણ કરી હતી, પરંતુ ૧૨મી જૂનની ચૂંટણી બાદ જેવા ૧૫મી જૂને પરિણામો જાહેર થવા માંડયા અને મોરચાની સરકાર બનવાના સંકેતો સાંપડયા એ પછી જ હિતેન્દ્રભાઈએ ચૂંટણીના પરિણામના સ્થળ આંબાવાડી પોલિટેકનિક ખાતે પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ બાબુભાઇ જશભાઈ પટેલને મોકલી આપ્યું હતુ અને પક્ષની શિસ્ત સાથે પક્ષના નેતાઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કર્યો હતો.
બસ... કોંગ્રેસના કાર્યકરો ભૂતકાળની આ વાતને આજે દોહરાવી રહ્યા હતા. અને કહી રહ્યા હતા કે, નરહરિ અમીને પક્ષ સાથે કંઇક આવો જ વ્યવહાર કરવો જોઈતો હતો.

No comments:

Post a Comment