Sunday, February 3, 2013

અજબ સીઇઓની ગજબ કોર્પોરેટ કહાણી જેને સ્પર્શે એને કંચનમાં ફેરવવાની ક્ષમતા ધરાવનાર વિક્રમ પંડિત ખુદ કથીર બની ગયા


ક્રોસ રોડ - રાજ ગોસ્વામી (વરિષ્ઠ પત્રકાર)
વિશ્વની સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંક સિટી ગ્રુપના સીઇઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) તરીકે ર૦૦૭માં વિક્રમ પંડિતની પસંદગી થઇ ત્યારે એમના પિતા એસ. બી. પંડિતે કહેલું, ‘વિક્રમની નિયતિમાં સફળતા છે. એનામાં ચટ્ટાની આત્મવિશ્વાસ છે. એ જેને સ્પર્શે છે એ સોનામાં તબદીલ થઇ જાય છે. મને શ્રદ્ધા છે કે વિશ્વની સૌથી મોટી બેંક ચલાવવાની ચેલેન્જમાં એનું તેજસ્વી દિમાગ એને મદદ કરશે.’

ગયા સપ્તાહે વિક્રમ પંડિતે સિટી ગ્રુપમાંથી રાજીનામું આપી દીધું. વિક્રમ પંડિત એવા ભારતીય મેનેજરોની કહાની પૈકીના છે, જેમણે અમેરિકાનો સુવર્ણકાળ જોયો છે. ભારતમાં ગરીબ-મધ્યમવર્ગમાં ઊછરીને અમેરિકામાં કોર્પોરેટ સીડીની ટોચ પર ગયેલા સીઇઓની માઠી દશા બેઠી છે. હજુ થોડા મહિના પહેલાં જ મલ્ટિનેશનલ ઇન્વેસ્ટમેન્ટ બેંન્કર ગોલ્ડમેન સાક્સના પૂર્વ સીઇઓ રજત ગુપ્તાને ઇન-સાઇડ ટ્રેડિંગ માટે જેલની સજા થઇ છે.

વિક્રમ પંડિતનું રાજીનામું એવા વખતે પડ્યું છે, જ્યારે બેંકના ત્રિમાસિક સત્રના નફામાં ૮૮ ટકા ઘટાડો થયો છે. વિક્રમ પંડિતને ર૦૧૦ સુધી ૧૦ લાખ ડોલરનો પગાર મળતો હતો, જે ર૦૧૧માં કંપનીનો નફો વધતાં ૧૭ લાખ ડોલર કરી દેવામાં આવ્યો હતો. એ પછી શેરહોલ્ડરોએ વોટિંગ કરીને પગારવધારાનો વિરોધ પણ કર્યો હતો. આ જ વિક્રમ પંડિતે નાણાકીય સંકટને ધ્યાનમાં લઇને ૨૦૦૯માં એક ડોલર પગાર લેવાનો નિર્ણય લીધો હતો.

‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ પ્રમાણે વિક્રમને કંપની બોર્ડ સાથે મતભેદ હતા. બેંકના અમુક ડિરેક્ટરોનું માનવું હતું કે કંપનીનું સંચાલન બરાબર થતું ન હતું અને બોર્ડને પણ અમુક બાબતોથી અજાણ રાખવામાં આવતું હતું. પંડિતનું રાજીનામું વિશ્વ અર્થવ્યવસ્થામાં ચર્ચાનો વિષય છે, કારણ કે ૨૦૦૮ની મંદી વખતે અમેરિકાની ત્રીજા નંબરની સૌથી મોટી બેંકને સંકટમાંથી બહાર કાઢવાનું શ્રેય વિક્રમ પંડિતને જાય છે.

વિક્રમ પંડિતનો પરિવાર એચીવર્સ (સિદ્ધ) લોકોનો છે. એમના પિતા શંકર પંડિત વડોદરાની સારાભાઇ કેમિકલ્સમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. નાનો ભાઇ વેંકટેશ પંડિત મહારાષ્ટ્ર સરકારમાં ચીફ એન્જિનિયર હતો. બીજો ભાઇ મુંબઇની આંબેડકર હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ છે અને ત્રીજો ભાઇ મનોહર પંડિત વોકહાર્ટ ફાર્મામાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરપદે રહી ચૂક્યો છે.

પિતા સારાભાઇ કેમિકલ્સમાં હતા ત્યારે વિક્રમ વડોદરાની બગીખાના હાઇ સ્કૂલમાં ભણતો હતો. વિક્રમને ભણાવનારા એકપણ શિક્ષક વડોદરામાં હયાત નથી. પણ બગીખાના સ્કૂલનો રેકોર્ડ કહે છે કે વિક્રમ પંડિત દર વખતે પ્રથમ નંબર લાવતો હતો. પિતા શંકર પંડિતના કહેવા પ્રમાણે વિક્રમ ભણવામાં છેક સુધી તેજસ્વી હતો.

૧૬ વર્ષની ઉંમરે વિક્રમે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું અને ત્યાંથી જ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી બીએસ, એમએસ, અને પીએચડી પણ કરેલું. અર્થકારણના આટાપાટા વિક્રમને મોર્ગન સ્ટેન્લીમાં શીખવા મળેલા જ્યાં એના ર૦ વર્ષ ગયેલાં. એ પછી એણે પોતાનું હેઝ ફંડ શરૂ કરેલું, જે પાછળથી સિટી ગ્રુપે ખરીદી લીધેલું.

૨૦૦૮માં જ્યારે મંદી શરૂ થયેલી ત્યારે ‘આઉટલુક’ મેગેઝિને લખેલું કે, ‘ઇન્ડિયા શાઇનિંગનો ચહેરો ગણાતા ભારતીય કોર્પોરેટ લીડરો આ મંદીમાં ઝંખવાઇ ગયા છે. આ આર્થિક ઝંઝાવાતમાં પંડિત એક એવો ચહેરો છે, જેને સરખા ભાગે ફૂલ અને કાંટા મળવાના છે.’ ર૦૦૭માં સિટી સીઇઓ તરીકે વિક્રમની પસંદગી થઇ હતી ત્યારે જ એક મેગેઝિને લખેલું કે, ‘પંડિત એનેલિટિકલ ટેક્નોક્રેટ છે, લીડર નહીં.’

વિક્રમના રાજીનામા પછી ‘ધ ઇકોનોમિક ટાઇમ્સે’ લખેલું કે, સિટી ગ્રૂપના ડિરેક્ટરોને આર્થિક ઓપરેશનમાં ગોટાળા થયાની આશંકા છે અને એટલે જ પંડિતનું રાજીનામું લઇ લેવાયું છે. પંડિતનું રાજીનામું ઇન્ડિયા શાઇનિંગના અંતનો આરંભ છે? ઇમા પાર્ટનર્સ ઇન્ટરનેશનલના મેનેજિંગ પાર્ટનર કે. સુદર્શન કહે છે, ‘વૈશ્વિક ભારતીય સીઇઓ પર આની કોઇ અસર નહીં થાય. ઓન ધ કોન્ટરરી, ભારતીય મૂળના સીઇઓએ વિશ્વસ્તરે જબરદસ્ત કામ કર્યું છે અને કરી પણ રહ્યાં છે.’

ડ્યુશ બેંકમાં અંશુ જૈન છે, સિક્કોમાં પદ્મશ્રી વોરિયર છે, રેકિટ બેન્કીસરમાં રાજેશ કપૂર છે, માસ્ટર કાર્ડમાં અજય બંગા છે, પેપ્સીકોમાં ઇન્દ્રા નૂઇ છે અને યુનિલિવરમાં હરીશ મણવાણી છે. ર૦૦૮માં સિટી ગ્રુપને મંદીના મારથી બચાવવા વિક્રમ પંડિતે ર૩,૦૦૦ અને બીજા વર્ષે પર,૦૦૦ કર્મચારીઓને છૂટા કરેલા. એ વખતે ઘણા પરિવારોએ એના નામના છાજિયા લીધેલા. આજે ખુદ વિક્રમ પંડિતની નોકરી ગઇ ત્યારે એમના માટે કોઇ રડવાવાળું નથી. કોર્પોરેટ નામના ગ્રહ પર જિંદગી અજીબ હોય છે. 

No comments:

Post a Comment