Wednesday, February 6, 2013

યુદ્ધખોર માનસ ધરાવતાઉત્તર કોરિયાના યુવા શાસક - કિમ જોન્ગ ઉન (બાયોગ્રાફી)

બાયોગ્રાફી - હસમુખ ગજ્જર         
નામ                 -             કિમ જોન્ગ ઉન
જન્મ                -                ૮ જાન્યુઆરી, ૧૯૮૩
જન્મ સ્થળ         -           પિયાંગયાંગ (ઉત્તર કોરિયા)
પિતાનું નામ         -           કિમ જોન્ગ ઇલ
માતાનું નામ       -            ગો યંગ હી
હોદ્દો                 -            ઉત્તર કોરિયાના સર્વસત્તાધીશ
૧૯૪૮માં કોરિયાના ભાગલા પડયા બાદ ઉત્તર કોરિયાના વંશવાદી સામ્યવાદ અને દક્ષિણ કોરિયાના મૂડીવાદી શાસન વચ્ચે સાપ અને નોળિયા જેવા સંબંધો છે. બંને દેશોમાં શાસકો બદલાયા. સમય બદલાયો પરંતુ દુશ્મનીની થાપણમાં સતત વધારો થતો જાય છે. ઉત્તર કોરિયાના ૩૦ વર્ષના યુવા શાસક કિમ જોન ઉને પરમાણુ પરીક્ષણો કરવાની તથા લાંબા અંતરની મિસાઇલ છોડવાના કાર્યક્રમો કરવાની યોજના તરફ આગળ વધવાના સંકેતો આપ્યા છે. ઉન તેના પૂર્વજોની જેમ યુદ્ધખોર માનસનો પરિચય આપીને વિશ્વશાંતિનો માહોલ બગાડી રહ્યા છે.
કિમ જોન્ગ ઉનનો જન્મ ૮ જાન્યુઆરી, ૧૯૮૩ના રોજ ઉત્તર કોરિયાની રાજધાની શહેર પિયાંગયાંગમાં થયો હતો. માતા ગો યંગ હી તેના લાડકા પુત્ર કિમ જોન્ગ ઉનને ખૂબ જ ચાહતી હતી. ઉનને હંમેશાં વહેલી સવારમાં ચમકતા તારા તરીકે સંબોધતી હતી.
ઉનની માતાનું સ્તન કેન્સરની બીમારીથી અવસાન થતા સરમુખત્યાર પિતા કિમ જોન્ગ ઇલે ખૂબ જ લાડકોડથી ઉછેર કર્યો હતો,પરંતુ ગોપનીય જીવન જીવવા ટેવાયેલા કિમ જોન્ગ ફેમિલી વિશે ખાસ જાણકારી કોઇને ન હતી.
કિમ જોન્ગ ઉન સ્વિટ્ઝરલેન્ડમાં નકલી નામ ધારણ કરીને ભણવા ગયો હતો. સ્વિટ્ઝરલેન્ડથી પાછા ફર્યા બાદ તેણે ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન કિમ શુંગ (દ્વિતીય) યુનિર્વિસટીમાં મિલિટરી કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
ઉત્તર કોરિયાની વર્કર્સ પાર્ટીની ૬૫મી વર્ષગાંઠ પ્રસંગે વિશાળ સૈનિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાગ લેતા ઉનને પહેલી વાર લોકોએ જોયા હતા. કોરિયાના ઇતિહાસમાં સૌથી મોટા સમારોહમાં કોરિયન મિસાઇલો પર 'અમેરિકી સેનાને હરાવો'એવાં સૂત્રો લખવા પાછળ ઉનનું ભેજું કામ કરતું હતું.
પિતા કિમ જોન્ગ ઇલ સાથે એક જાહેર કાર્યક્રમમાં દેખાયો તે પહેલાં ઉનને દેશમાં કોઈ જ ઓળખતું ન હતું. ઉત્તર કોરિયાનાં હિતોનું રક્ષણ કરતી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ પણ ત્યાર પછી જ ઉનને ભવિષ્યના નેતા તરીકે જોવા લાગી હતી.
ઉનના બે મોટા સાવકાભાઇઓમાંથી કિમ જોન્ગ નામ અને કિમ જોન્ગ ચૌલમાંથી એકને રાજકીય ઉત્તરાધિકારી બનાવવામાં આવશે એવી રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા થતી, પરંતુ મૃત્યુ પહેલાં ૨૦૦૯માં પિતા કિમ જોન્ગ ઇલે રાજકીય વારસદાર તરીકે ઉનને પસંદ કરીને સૌને આંચકો આપ્યો હતો.
૧૭ ડિસેમ્બર, ૨૦૧૦માં પિતાનું અચાનક હ્ય્દય બંધ પડી જતા માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે કોરિયાનું સુકાન હાથમાં લીધું હતું.
ઉને સત્તાનાં સૂત્રો સંભાળ્યા પછી દક્ષિણ કોરિયા અને અમેરિકાને પાઠ ભણાવવા માટેના યુદ્ધ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. તેને પણ પિતાના પગલે આર્મિ ફર્સ્ટની નીતિ જાળવી રાખીને વિશ્વમાં પાંચમા નંબરના લશ્કરને પ્રોત્સાહન આપવા માંડયું.
પિતા કિમ જોન્ગ ઇલ ૧૯૯૪માં સત્તા સંભાળ્યા બાદ ૨૦૦૬ અને ૨૦૦૯માં પરમાણુ ધડાકા કરીને દુનિયાના દેશોથી અલગ પડી ગયા હતા. ઉન પણ પિતાના પગલે અણુ કાર્યક્રમ ચાલુ રાખવા માગે છે.
જનમાનસમાં પોતાની શાખ અને ધાક ઊભી થાય તે માટે કિમ જોન્ગ ઉને એક કરોડ જેટલાં પોસ્ટર તૈયાર કરીને વહેંચ્યાં હતાં.
ઉત્તર કોરિયામાં અમેરિકાના રાજદૂત રહી ચૂકેલા ક્રિસ્ટોફર હિલનું માનવું છે કે કિમ જોન્ગ ઉનને કોરિયન નાગરિકો તેના પિતા જેટલો પ્રતિભાશાળી ગણતા નથી.
એક માહિતી મુજબ ઉનના બનેવી અને ઉત્તર કોરિયાની કામગાર પાર્ટીના પ્રશાસનિક વિભાગના નિર્દેશક વીંગ સાંગ ટેક પાછલા બારણેથી દેશ ચલાવે છે બાકી ઉનને બહુ ખબર પડતી નથી .
કોરિયાના પોપગાયકો અને ડાન્સરો સાથેના એક સંગીત સમારોહમાં ઉનની બાજુમાં બેઠેલી મહિલા કોણ છે એ અંગે લાંબા સમય સુધી વિવાદ થયા બાદ હમણાં એ ભેદ ખૂલ્યો કે જાહેરમાં દેખાયેલી મહિલા તેમની પત્ની જ હતી. રી સોલ જુ નામની આ યુવતી સાથે ૨૦૦૮માં લગ્ન થયેલાં તે અંગે કોઈ જ જાણતું ન હતું.
જોકે જાહેર કાર્યક્રમમાં પત્નીને ન લઇ જવાના કોરિયન શાસકોના રિવાજને કિમ જોન્ગ ઉને તોડતાં કોરિયન રૂઢિચુસ્તો નારાજ થયા હતા.
કિમ જોન્ગ ઉન પિતાની જેમ હોલિવૂડની ફિલ્મો જોવાના શોખીન નથી, પરંતુ સ્માર્ટ મહિલાઓ સાથે શરાબ પીવો ખૂબ ગમે છે.
શોખીન મિજાજના કિમ જોન્ગ ઉનને રાજગાદીની સાથે ડાયાબિટીસની બીમારી પણ વારસામાં મળી છે.
ઉન ખુલ્લંખુલ્લા કહે છે અમે જે રોકેટ બનાવીશું ને પરમાણુ કાર્યક્રમ ચલાવીશું તેનું નિશાન તો અમેરિકા જ રહેશે, કારણ કે કોરિયન પીપલ્સ પાર્ટી અમેરિકાને દુશ્મન નં -૧ ગણે છે જ્યારે પાડોશી દેશ દક્ષિણ કોરિયા તો અમેરિકાનું પ્યાદું માત્ર છે.

No comments:

Post a Comment