Friday, February 7, 2014

પેપ્સિકો નાં સીઇઓ ઇન્દ્રા નૂયી અને આઇ.સી.આઇ.સી.આઇ બેન્કનાં ચંદા કોચરે વધાર્યુ દેશનું ગૌરવ



ન્યૂયોર્ક,7 ફેબ્રુઆરી

હાલમાં જ પ્રાપ્ત થતાં અહેવાલ અનુસાર વિશ્વની ટોચની 50 સૌથી શકિતશાળી બિઝનેસવિમેનની યાદીનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં ઇન્દ્રા નૂયી ત્રીજા ક્રમે અને ચંદા કોચર 18મા સ્થાને આવેલ છે.ઠંડાપીણાં બનાવતી પેપ્સિકોનાં સીઈઓ ઈન્દ્રા નૂયી તેમજ આઈસીઆઈસીઆઈ બેન્કનાં એમડી ચંદા કોચરે વિશ્વની ટોચની ૫૦ સૌથી વધુ શક્તિશાળી બિઝનેસવિમેનની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ યાદી ફોર્ચ્યુન મેગેઝીન દ્વારા બહાર પાડવામાં આવી છે. આ મહિલાઓએ વિશ્વનાં નવા વિસ્તારોમાં તેમની પ્રોડક્ટનો વ્યાપ વિસ્તાર્યો છે અને ઘરઆંગણે પણ મહિલાઓનાં પ્રેરણાસ્ત્રોત બની રહી છે.

ઉલ્લેખનીય છે કે ફોર્ચ્યુનની ટોચની ૫૦ શક્તિશાળી મહિલા વ્યવસાયીઓની આ યાદીમાં પહેલા નંબર પર જનરલ મોટર્સનાં સીઈઓ મેરી બારાએ સ્થાન મેળવ્યું છે. વિશ્વમાં કારનું ઉત્પાદન કરતી અગ્રણી કંપનીનું સૂકાન સંભાળનાર તેઓ પ્રથમ મહિલા છે. બારા ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે જેમણે તેમની અત્યાર સુધીની કરિયર જનરલ મોટર્સમાં જ ગાળી છે. વિશ્વનાં છ ખંડોમાં ૩૯૬ સ્થળોએ આવેલી કંપનીની ઓફિસમાં કાર્યરત ૨,૧૨,૦૦૦ કર્મચારીઓની તેઓ સંભાળ રાખે છે.

વધુમાં આ યાદીમાં ઈન્દ્રા નૂયીનું સ્થાન ૩જું છે જ્યારે ચંદા કોચર ૧૮મા ક્રમે છે. યાદીમાં આ બે ભારતીય મહિલાઓએ જ સ્થાન મેળવ્યું છે. પેપ્સિકોનું ૭ વર્ષથી સૂકાન સંભાળનાર નૂયીએ સાત વર્ષમાં અમેરિકાની બહાર પેપ્સિનું વેચાણ બમણું કર્યું છે. કંપનીની ૬૫.૫ અબજ ડોલરની આવકમાં ૫૦ ટકા કે તેથી વધુ હિસ્સો તો આંતરરાષ્ટ્રીય માર્કેટનો જ છે. ભારતમાં જન્મેલા ઈન્દ્રા નૂયીએ ૨૦૧૨થી શાંઘાઇ, હેમ્બર્ગ, મોન્ટેરી તેમજ મેક્સિકોમાં સંશોધન કેન્દ્રો સ્થાપ્યા છે.

આઈસીઆઈસીઆઈ બેન્કનાં ચંદા કોચરે ભારતમાં સૌથી મોટી બીજા નંબરની બેન્કનો કારોબાર વિસ્તાર્યો છે. બેન્કની એસેટ્સ ૧૨૪ અબજ ડોલર છે જ્યારે તેણે ૧.૫ અબજ ડોલરનો નફો કર્યો છે. બેન્કની ૩૫૮૮ શાખાઓ છે. ૧૯ દેશમાં બેન્કની શાખાઓ છે.આ યાદીમાં આઈબીએમ ચેરમેન જિન્ની રોમેટ્ટી બીજા ક્રમે, એનર્જી કંપની પેટ્રોબ્રાસનાં સીઈઓ મારિયા દાસ ગ્રા સિલ્વા ફોસ્ટર ૪થા ક્રમે, ફેસબુકનાં સીઓઓ શેરીલ સેન્ડબર્ગ ૧૧મા ક્રમે, યાહૂનાં પ્રેસિડેન્ટ મારિસા મેયર ૧૪મા ક્રમે, ગૂગલનાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ સુસાન વોજકિકી ૨૦મા ક્રમે છે.

No comments:

Post a Comment