જીવનની સફરમાં યોગ્ય ધ્યેય પસંદ કરવું એ સૌથી મહત્ત્વનું કાર્ય છે
જીવનની સફરમાં યોગ્ય ધ્યેય પસંદ કરવું એ સૌથી મહત્ત્વનું કાર્ય છે. બહુ ઓછા લોકો નાની ઉંમરથી જ પોતાનું લક્ષ્ય સુનિશ્ચિત કરી શકે છે. ભારતમાં ચેસનો પર્યાય ગણાતો વિશ્વનાથન આનંદ આવા જૂજ લોકોની યાદીમાં બિરાજે છે. માત્ર અઢાર વર્ષની વયે જ આનંદે વર્લ્ડ જુનિયર ચેસ કોમ્પિટિશન જીતીને 'ગ્રાન્ડ માસ્ટર’નો પુરસ્કાર હાંસલ કર્યો હતો. શતરંજમાં આનંદે મેળવેલી અભૂતપૂર્વ સફળતા બદલ તેને અર્જુન એર્વોડ (૧૯૮પ), પદ્મશ્રી (૧૯૮૭), પદ્મભૂષણ (૨૦૦૦) જેવા ઇલકાબોથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ સફળતાની દાસ્તાન કારકિર્દીને નવી દિશા આપનારાઓ માટે દિશાદર્શક છે.
જીવનની સફરમાં યોગ્ય ધ્યેય પસંદ કરવું એ સૌથી મહત્ત્વનું કાર્ય છે. બહુ ઓછા લોકો નાની ઉંમરથી જ પોતાનું લક્ષ્ય સુનિશ્ચિત કરી શકે છે. ભારતમાં ચેસનો પર્યાય ગણાતો વિશ્વનાથન આનંદ આવા જૂજ લોકોની યાદીમાં બિરાજે છે. માત્ર અઢાર વર્ષની વયે જ આનંદે વર્લ્ડ જુનિયર ચેસ કોમ્પિટિશન જીતીને 'ગ્રાન્ડ માસ્ટર’નો પુરસ્કાર હાંસલ કર્યો હતો. શતરંજમાં આનંદે મેળવેલી અભૂતપૂર્વ સફળતા બદલ તેને અર્જુન એર્વોડ (૧૯૮પ), પદ્મશ્રી (૧૯૮૭), પદ્મભૂષણ (૨૦૦૦) જેવા ઇલકાબોથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ સફળતાની દાસ્તાન કારકિર્દીને નવી દિશા આપનારાઓ માટે દિશાદર્શક છે.
બહુ નાની ઉંમરે જ આનંદને સમજાઇ ગયું કે શતરંજની રમત જ એનું સર્વસ્વ છે. પિતાજીની બદલી ફિલિપાઇન્સમાં થઇ. એ વખતે એ સ્કૂલમાં હતો. ત્યાં જ એણે શતરંજની સ્પર્ધાઓમાં ભાગ લેવો શરૂ કર્યો. એ સમયના પ્રખ્યાત એશિયન ચેસ ખેલાડી યુગૂનયેર ફિલિપાઇન્સની રાજધાની મનિલામાં હતા. ચોતરફ ચેસની જ બોલબાલા હતી. એ વખતે રોજ શતરંજ પર એક ટીવી શો પ્રસારિત થતો. શોના અંતે ચેસને લગતો એક કોયડો પુછાતો. આનંદની માતા દરરોજ એ કોયડો લખી રાખતી, જેને એ સ્કૂલેથી આવીને ઉકેલતો. કોયડો ઉકેલવાના ઇનામરૂપે શતરંજનું એક પુસ્તક અપાતું. જોતજોતામાં આનંદ કોયડા ઉકેલવામાં પારંગત બની ગયો કે રોજ જીતતો થોડાં અઠવાડિયાં બાદ ટેલિવિઝન કંપનીમાંથી તેડું આવ્યું.
એ લોકોએ આનંદની માતાને કહ્યું: 'તમારા દીકરાને કહો કે અમારા સ્ટુડિયો પર આવીને લાઇબ્રેરીમાંથી બધાં પુસ્તકો પસંદ કરી લે, પણ મહેરબાની કરીને તેને કહો કે તે આ સ્પર્ધામાં ભાગ ન લે. નહીંતર બીજા કોઇને જીતવાની તક જ નહીં મળે’ હાયર સેકન્ડરી, એટલે કે સોળ-સત્તર વર્ષ સુધીમાં આપણે કારકિર્દીમાં કઇ તરફ આગળ વધવું છે તે લગભગ ખબર પડી જ જાય છે પણ આનંદના મતાનુસાર હાઇસ્કૂલ પછીનો તબક્કો કારકિર્દીની પસંદગી માટે સૌથી મહત્ત્વનો છે. શતરંજની પસંદગીમાં આનંદને ઇશ્વરનો આદેશ જ દેખાય છે. શરૂઆતમાં મળેલી સફળતાઓ અને સંકેતો પારખીને એને લાગ્યું કે ભવિષ્યમાં આ એનો વ્યવસાય બની શકે તેમ છે.
આનંદ માને છે કે બને તેટલી ઝડપથી આપણા ભવિષ્યની દિશા નક્કી કરી લેવી ખૂબ જરૂરી છે. એ જાણવાની કોશિશ કરો કે આપણે હકીકતમાં શું કરવું છે. નક્કી કરેલા લક્ષ્યને પહોંચી વળવા માટે કોઇ ખૂબી વિકસાવવાની ક્ષમતા આપણામાં છે ખરી? કોશિશ કરો કે આ નિર્ણય તમારો પોતાનો જ હોય, પરિવારજનો કે અન્ય કોઇનાય દબાણમાં આવીને પસંદ ન હોય એવી કારકિર્દી પસંદ ન કરવી. અન્ય કોઇનું સપનું પૂરું કરવા નીકળેલા ઘણા યુવાનોને આનંદે નિષ્ફળતાની ખાઇમાં ધકેલાતા જોયા છે.પરિવાર અને મિત્રો સાચી સલાહ આપી શકે છે, પણ છેવટનો નિર્ણય તો તમારો પોતાનો જ હોવો જોઇએ.
તમારા કરતાં વધુ સારી રીતે તમને કોણ ઓળખી શકે? ચેસની પ્રતિયોગિતાઓમાં ભાગ લેતાં ઘણાં નાનાં બાળકોમાં આનંદે જીતવાનું દબાણ અને હારવાની સજા મેળવતાં જોયાં છે. આનંદ એક મહત્ત્વનો પાઠ શીખ્યો છે કે તમે જે કંઇ પણ કરતા હો, તેમાંથી તમને આનંદ અને ઉત્સાહ મળવા જરૂરી છે. જે ચીજમાંથી આનંદ મળતો હોય એનાથી ક્યારેય થાક નથી લાગતો. આનંદ કહે છે, મેં હંમેશાં જોયું છે કે જે યુવાનો પોતાની પસંદગીના રસ્તે આગળ વધે છે તે અનિચ્છાએ કારકિર્દી પસંદ કરનારા કરતાં વધુ સફળ થાય છે.
ચેસની જેમ જ જીવનમાં પણ પડકારો ઝીલીને મહેનત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. તૈયારી વિના કોઇ ક્યાંય કોઇ રમત, પરીક્ષા કે મુશ્કેલીમાં વિજયી નથી નીવડયું.
ચેસની જેમ જ જીવનમાં પણ પડકારો ઝીલીને મહેનત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. તૈયારી વિના કોઇ ક્યાંય કોઇ રમત, પરીક્ષા કે મુશ્કેલીમાં વિજયી નથી નીવડયું.
મેચમાં રમાયેલી ચાલોનું અધ્યયન કરીને ભૂલોનું પુનરાવર્તન ના થાય એ વિશે આનંદ શરૂઆતથી જ જાગ્રત થઇ ગયો હતો. એ છ વર્ષનો હતો ત્યારે એની માતાએ એની ચાલની નોંધ રાખવા એક ડાયરી આપી હતી. રમત પછી તરત જ આનંદ તેનું પોસ્ટર્મોટમ કરતો. એ એક-એક ચાલ સમજતો અને તેમાં કરેલી ભૂલો શોધી કાઢતો.એકવાર ભૂલ શોધી કાઢયા બાદ તેને સુધારીને આનંદ રમતને ઓર નિખારતો ગયો. આ રીતે કરેલાં સતત મૂલ્યાંકનથી એ આવનારી રમત માટે તૈયાર થઇ જતો. શરૂઆતના દિવસોમાં આનંદે ચેમ્પિયનોની મેચો પર આધારિત પુસ્તકો પણ વાંચ્યાં. વિશ્વનાથન આજે પણ એ રમતોનો અભ્યાસ કરે છે અને ગુરુઓના પ્રદર્શનમાંથી શીખતો રહે છે.
તમારા કામ કે ચાલનું વારંવાર પુનરાવર્તન કરતા રહો જેથી ઓછામાં ઓછી ભૂલો આવે. વિશ્વનાથન આનંદ નિષ્ફળતાથી ડરી જનારાઓને એક અમૂલ્ય સલાહ આપે છે. નિષ્ફળતા બહુ કીમતી છે. કારણ કે તેનાથી જ સફળતા મીઠી લાગે છે અને તે માટે કરેલી મહેનત લેખે લાગેલી દેખાય છે. નિષ્ફળતા વાસ્તવમાં સફળતાનો જ બીજો ચહેરો છે. તેનાથી ક્યારેય ડરો નહીં. નિષ્ફળતાથી હતાશ થવાને બદલે તેને શીખવાનું માધ્યમ બનાવો.વિશ્વનાથન એક વાત હંમેશાં યાદ રાખે છે: ટોચ પર પહોંચવા માટે જેટલી મહેનત જરૂરી છે એથી પણ વધુ મહેનત ત્યાં ટકી રહેવા કરવી પડે છે. જમાનો 'સર્વાઇકલ ઓફ ધ ફિટેસ્ટ’નો છે. પ્રતિસ્પર્ધીઓ કરતાં હંમેશાં બે ડગલાં આગળ રહેવા અને આપણી જીત ટકાવી રાખવા સતત મહેનત સિવાય આરો નથી. એક સફળતા મેળવ્યા બાદ પગ લંબાવીને બેસવું બિલકુલ યોગ્ય નથી. વિજય મેળવ્યા પછી કામની ગતિ ધીમી કરી દેવી, કામ પાછળ ઠેલતાં જવું કે કામની ગંભીરતાને ઓછી આંકવી આ બધાં લક્ષણો તમારા પતનની શરૂઆત બની શકે છે. '
કિશોર મકવાણા
socialnetworkkishormakwana@ gmail.com
કિશોર મકવાણા
socialnetworkkishormakwana@ gmail.com
No comments:
Post a Comment