Thursday, October 18, 2012

કેન્સરને હરાવી ચોથી વખત રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતનાર : હ્યુગો ચાવેઝ


વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝ અમેરિકાના કટ્ટર વિરોધી છે. ગયા વર્ષે કેન્સર ડિટેક્ટ થયું ત્યારે એવી વાતો ઊડી હતી કે ચાવેઝ હવે થોડા સમયના મહેમાન છે. કેન્સર સામે જંગ જીતીને હમણાં હ્યુગો ચાવેઝ ચોથી વખત વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા. સુંદરીઓ અને સસ્તા પેટ્રોલના કારણે જગતભરમાં જાણીતા વેનેઝુએલા દેશના આ રાષ્ટ્રપતિ કાયમ વિવાદમાં રહ્યા છે. કેન્સર માટે પણ તેમણે અમેરિકા સામે શંકા વ્યક્ત કરી હતી. હ્યુગો ચાવેઝ એક એવી વ્યક્તિ છે જે અમેરિકાને આંખમાં કણાની જેમ ખૂંચે છે. ઇરાનના અહેમદીનેજાદ, ક્યુબાના ફિડેલ કાસ્ટ્રો સહિત દુનિયામાં અમેરિકાના જેટલા વિરોધીઓ છે એ બધા જ હ્યુગો ચાવેઝના મિત્રો છે. અમેરિકાના પ્રેસિડેન્ટને તેની જ ધરતી પર ડેવિલ કહેવાની હિંમત કરનાર હ્યુગો ચાવેઝની જિંદગી ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી છે.
‘ગઇકાલે અહીં એક ડેવિલ આવ્યો હતો, મને હજુ સલ્ફરની ગંધ આવે છે.’ નવેમ્બર ૨૦૦૬માં અમેરિકામાં યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલી મળી હતી. દુનિયાભરના નેતાઓ યુનોની આ બેઠકમાં હાજર હતા. આ સભામાં રાક્ષસ આવ્યો હતો એવી વાત કરીને વેનેઝુએલાના પ્રેસિડેન્ટ હ્યુગો ચાવેઝે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો. આ સભાને સંબોધવા આગલા દિવસે જ અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યુ બુશ આવ્યા હતા.
આ ઘટના પછી એક પત્રકારે હ્યુગો ચાવેઝને પૂછયું કે તમે નક્કી કરીને ગયા હતા કે આવું બોલશો? ચાવેઝે કહ્યું કે ના, મેં નક્કી કર્યું ન હતું, એ વિચાર અચાનક જ આવ્યો હતો અને મેં બોલી દીધું. આવું તો એ અનેક વાર બોલ્યા છે. જ્યોર્જ બુશ માટે તેમણે શેતાન અને આતંકવાદી જેવાં વિશેષણો વાપર્યાં છે. તો દુનિયાની અત્યારની મંદી માટે બરાક ઓબામાને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, અમેરિકા આખી દુનિયાને નરકના રસ્તે લઈ જઈ રહ્યું છે.
આ હ્યુગો ચાવેઝ ગયા અઠવાડિયે ચોથી વખત લેટિન અમેરિકી દેશ વેનેઝુએલાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા. મૂડીવાદ અને સામ્રાજ્યવાદના કટ્ટર વિરોધી અને સામ્યવાદના પ્રખર હિમાયતી હ્યુગો ચાવેઝ ૧૯૯૮થી એટલે કે છેલ્લાં ૧૪ વર્ષથી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ છે અને આ ચૂંટણી જીતી હજુ છ વર્ષ સુધી તેણે રાષ્ટ્રપતિપદ પાક્કું કરી લીધું છે.
કેન્સર સામે જંગ જીતવાની વાત નીકળે ત્યારે લોકો સાયકલીસ્ટ લાન્સ આર્મસ્ટ્રોંગથી માંડી આપણા ક્રિકેટર યુવરાજ સિંહનાં ઉદાહરણો આપે છે, આ હરોળમાં એક નામ હ્યુગો ચાવેઝનું પણ છે. ગયા વર્ષે તારીખ ૮ જૂન, ૨૦૧૧ના રોજ હ્યુગો ચાવેઝ ક્યુબાની મુલાકાતે ગયા હતા. ક્યુબા જઈ તેઓ ફિડેલ કાસ્ટ્રોને મળ્યા. કાસ્ટ્રોએ તેને કહ્યું કે તમારી તબિયત નરમ દેખાય છે. બીજા જ દિવસે ચાવેઝને પેડૂમાં ભયંકર દુખાવો ઉપડયો. ક્યુબાના શહેર હવાનાની એક હોસ્પિટલમાં ચાવેઝને દાખલ કરાયા. ડોક્ટરે કહ્યું કે તમને કેન્સર છે. તરત જ ઓપરેશન હાથ ધરાયું. ચાવેઝને શેનું કેન્સર છે તેની આજ સુધી કોઈને ખબર પડી નથી.
કેન્સરનું નિદાન થયા પછી આખી દુનિયામાં એવી વાતો વહેતી થઈ કે ચાવેઝ હવે એક બે વર્ષના જ મહેમાન છે. જો કે ત્રણ જ અઠવાડિયાંની સારવાર લઈ ચાવેઝ પાછા વેનેઝુએલા આવી ગયા. પોતાના મહેલની બાલ્કનીમાં ઊભા રહી તેણે લોકોને સંબોધન કર્યું કે હું તદ્દન સ્વસ્થ છું. સૈનિક યુનિફોર્મમાં સજ્જ ચાવેઝ તેની જાણીતી અદા સાથે જ સતત ૩૦ મિનિટ બોલ્યા અને કહ્યું કે લોકોનું સમર્થન કોઈ પણ બીમારી માટે સૌથી મોટી દવા છે. આમ છતાં લોકોને હતું કે હ્યુગો ચાવેઝ હવે પ્રેસિડેન્ટનું નેક્સ્ટ ઇલેક્શન નહીં લડે અને લડશે તો જીતશે નહીં, કારણ કે ચાવેઝ હારે તેવા તમામ પ્રયત્નો અમેરિકા કરશે. જો કે ચાવેઝ ચૂંટણી લડયા અને જીત્યા. લોકોએ એનાં મનોબળ અને મક્કમતા જોઈને જ તેને મત આપ્યા અને જિતાડી દીધા.
ઘણા લેટિન અમેરિકી દેશો અમેરિકાના વિરોધી છે. હ્યુગો ચાવેઝને કેન્સરનું નિદાન થયું એ સાથે જ તેના મિત્ર દેશોના વડાઓને પણ કેન્સર થયું. આર્જેન્ટિનાનાં મહિલા રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના કર્શનર, પેરૂગ્વેના રાષ્ટ્રપતિ ફર્નાડો લુગો, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડિસિલ્વા અને બીજા નેતાઓને કેન્સર થયું. હ્યુગો ચાવેઝે કહ્યું કે અમેરિકાએ એવી ટેકનિક તો નથી વિકસાવી ને કે તેના વિરોધીઓને કેન્સર થાય અને મરી જાય. તેણે કહ્યું કે અમેરિકાના વૈજ્ઞાનિકોએ ૧૯૪૦ના દાયકામાં એવું કર્યું હતું કે ગ્વાટેમાલાની જેલના કેદીઓને સિફિલીસ અને બીજી બીમારીઓ લાગુ પડે અને એ બધા રીબાઈ રીબાઈને મરે. ગ્વાટેમાલાની આ વાત છેક પચાસ વર્ષ પછી ૨૦૧૦માં બહાર આવી હતી. હ્યુગો ચાવેઝનો ઇશારો એવો હતો કે પોતાના વિરોધીઓને ખતમ કરવા અમેરિકા કોઈ પણ હદે જઈ શકે છે.
વેનેઝુએલાનું નામ પડે એટલે બે વાત તરત નજર સામે આવી જાય. એક તો વેનેઝુએલાની સુંદરીઓ અને બીજું પેટ્રોલ. ઇન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટ હોય ત્યારે વેનેઝુએલાની સુંદરીઓ ઓલવેઝ હોટ ફેવરિટ હોય છે. આ દેશની અનેક સુંદરીઓના શિરે મિસવર્લ્ડ અને મિસ યુનિવર્સનો તાજ મુકાયો છે. વિશ્વમાં ઓઈલનું સૌથી વધુ ઉત્પાદન કરનારા દેશોમાં વેનેઝુએલાનો નંબર પાંચમો છે. આખી દુનિયામાં સૌથી સસ્તં પેટ્રોલ વેનેઝુએલામાં મળે છે. આપણે ત્યાં મળતી પાણીની બોટલ કરતાં પણ ત્યાં પેટ્રોલ સસ્તું એટલે કે એક લિટરના ૯૧ પૈસે મળે છે. જો કે દુનિયાના દેશો વેનેઝુએલાને તેના માથાફરેલા રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝના કારણે ઓળખે છે. ઇરાનના અહેમદીનેજાદ, ક્યુબાના ફિડેલ કાસ્ટ્રો સહિત આખી દુનિયામાં અમેરિકાના જેટલા પણ વિરોધીઓ છે એ બધા ચાવેઝના મિત્રો અને હિમાયતીઓ છે. અમેરિકાના વિરોધી દેશોનું સંગઠન યુનિયન ઓફ સાઉથ અમેરિકન નેશન્સ બનાવવા પાછળના માસ્ટર માઈન્ડ હ્યુગો ચાવેઝ છે. અમેરિકાને ઉતારી પાડવાની એકેય તક ચાવેઝ જતી કરતા નથી. વર્ષ ૨૦૦૨માં ચાવેઝને ઉથલાવી દેવા માટે વેનેઝુએલામાં બળવો થયો હતો. આ માટે પણ ચાવેઝે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું હતું.
હ્યુગો ચાવેઝની જિંદગી ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી છે. અત્યારે ૫૮ વર્ષના થયેલા હ્યુગો ચાવેઝનો જન્મ ૨૮મી જુલાઈ,૧૯૫૪ના રોજ એક મધ્યમવર્ગના સ્કૂલ ટીચરના ઘરે થયો હતો. કેથલિક ક્રિશ્ચિયન ધર્મના હ્યુગોને નાના હતા ત્યારે પાદરી બનવાની ઇચ્છા હતી પણ મોટા થયા પછી એ વેનેઝુએલાની સેનામાં સૈનિક બની ગયા. સૈનિક તો બન્યા પણ સત્તાધીશોની નીતિઓથી તે નારાજ હતા. નવેમ્બર ૧૯૯૨ની વાત છે એ સમયે વેનેઝુએલાના પ્રેસિડેન્ટ તરીકે કાર્લોસ અન્ડરેસ હતા. કાર્લોસને ઉથલાવી દેવા ચાવેઝે કાવતરું ઘડયું. સેનામાંથી થોડાક સૈનિક મિત્રોને તેણે સાથે લઈ સશસ્ત્ર બળવો કર્યો. ફાયરિંગ થયાં. ૧૮ લોકોનાં મોત થયાં અને ૬૦ને ઈજા થઈ. બળવો નિષ્ફળ ગયો અને ચાવેઝ ઝડપાઈ ગયા. ચાવેઝને જેલમાં ધકેલી દેવાયા. બે વર્ષની જેલની સજા પછી માફી માગીને ચાવેઝ જેલમાંથી છૂટયા. પછી તેણે નક્કી કર્યું કે હવે સક્રીય રાજકારણમાં ઝંપલાવી સીધી રીતે જ સત્તા મેળવવી. ચાવેઝે યુનાઈટેડ સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ વેનેઝુએલાની સ્થાપના કરી.
ચૂંટણી પ્રચાર દરમિયાન હ્યુગો ચાવેઝ ગરીબોના મસીહા તરીકે ઉભરી આવ્યા. ચાવેઝે ચર્ચ અને પાદરીઓને પણ નબળા ચીતરીને કહ્યું કે તેઓ પણ અમીરો માટે જ કામ કરે છે. ગરીબોની કોઈને પડી નથી. ૧૯૯૮માં રાષ્ટ્રપતિ પદનું ઇલેક્શન ચાવેઝ જીતી ગયા અને તે ઘડીથી માંડીને આજના દિવસ સુધી એ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ છે. વેનેઝુએલામાં પણ ગરીબી અને બેરોજગારી છે છતાં ત્યાંનો ગરીબ અને મધ્યમવર્ગ હ્યુગો ચાવેઝને ટેકો આપે છે. જો કે ચાવેઝના વિરોધીઓ તેને ઓટોક્રેટ અને માથાફરેલો કહે છે.
હ્યુગો ચાવેઝની અંગત લાઈફ વિશે પણ બહુ વાતો ઊડી છે. ચાવેઝ રંગીન મિજાજી અને વુમનાઈઝર (સ્ત્રીઓના શોખીન) હોવાની વાતો પણ ખૂબ ચાલી હતી. જો કે ચાવેઝ તેને વિરોધીઓનો કુપ્રચાર કહે છે. આવો વિરોધ કરનારા લોકો ચાવેઝ સામે કોઈ પુરાવા આપી શક્યા ન હતા. જો કે ચાવેઝને બે પત્ની અને એક પ્રેમિકા હોવાની વાત જગજાહેર છે.
ચાવેઝે બે લગ્ન કર્યાં છે. તેના પ્રથમ લગ્ન એના વતનની જ અને ગરીબ પરિવારની નેન્સી કોલ્મેનારેસ સાથે થયાં હતાં. બંનેનું લગ્નજીવન ૧૮ વર્ષ ચાલ્યું. આ દરમિયાન નેન્સીને બે દીકરી રોસા અને મારિયા તથા એક પુત્ર રાફેલનો જન્મ થયો. હ્યુગો ચાવેઝે બીજાં લગ્ન પત્રકાર મેરિસાબેલ રોડ્રી ગુએઝ સાથે કર્યાં. ચાવેઝ સાથેના લગ્નજીવન દરમિયાન મેરિસાબેલે એક દીકરી રોઝીનેસને જન્મ આપ્યો. મેરિસાબેલ અને ચાવેઝના ૨૦૦૨માં ડિવોર્સ થઈ ગયા. હિસ્ટોરિયન તરીકે ફરજ બજાવતી હેરમા માર્કસમેન સાથેના હ્યુગોના સંબંધો પણ જાણીતા છે. બંનેએ લગ્ન નહોતાં કર્યાં છતાં બંને વચ્ચેના સંબંધો નવ વર્ષ ટક્યા હતા. પત્નીઓ સાથે નથી હોતી પણ ચાવેઝ અનેક વખત તેની દીકરીઓ સાથે જાહેરમાં જોવા મળે છે.
૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો એ પછી અમેરિકાએ ફાઈટ અગેઇન્સ્ટ ટેરર શરૂ કરી,અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારથી હ્યુગો ચાવેઝ ખુલ્લંખુલ્લા અમેરિકાની સામે આવી ગયા. તેણે કહ્યું કે અમેરિકા ઇઝ ફાઈટિંગ ટેરર વિથ ટેરર. આખી દુનિયામાં જગત જમાદારી કરતાં અમેરિકાના એક એક પગલાંને હ્યુગો ચાવેઝે વખોડયું છે. ૨૦૧૦માં તો એ સીધા જ અમેરિકાની સામે આવી ગયા હતા.
અમેરિકાએ વેનેઝુએલાના રાજદૂત તરીકે લૈરી પામરની નિમણૂક કરી. હવે આ લૈરી પામરે અગાઉ વેનેઝુએલા વિશે નબળી વાતો જાહેરમાં કરી હતી. હ્યુગો ચાવેઝે અમેરિકાના રાજદૂત તરીકે લૈરી પામરનો અસ્વીકાર કરી દીધો અને તેને વેનેઝુએલા આવવાની ના પાડી દીધી. અમેરિકાએ તેને દેશનું અપમાન ગણ્યું અને અમેરિકામાં વેનેઝુએલાના રાજદૂત તરીકે ફરજ બજાવતા બર્નાડો એલ્વરેઝ હરેરાના વિઝા રદ કરી દીધા. આવી ચડભડ તો હ્યુગો ચાવેઝ અને અમેરિકાના સત્તાધીશો વચ્ચે અનેક વાર થઈ છે.
ગમે તે હોય, આ માણસમાં દમ છે. અમેરિકાના વિરોધીઓ તો ત્યાં સુધી કહે છે કે હ્યુગો ચાવેઝ જેવા લોકો છે એટલે જ અમેરિકા થોડું ઘણું કાબૂમાં રહે છે બાકી તો એ ફાટીને ધુમાડે જાય. અમેરિકા વેનેઝુએલા વિશે કંઈ પણ સ્ટેટમેન્ટ કરે તો ચાવેઝ તરત જ કહી દે છે કે ભાઈ ઓબામા, તમારા દેશ ઉપર ધ્યાન દેવાની સૌથી વધુ જરૂર છે. ચાવેઝ કહે છે કે દુનિયાને બચાવવાનો એકમાત્ર રસ્તો સમાજવાદ છે અને તેની આ વાત જ અમેરિકાથી સહન નથી થતી, એટલે બંને દેશ વચ્ચેની આ બબાલ તો કાયમ ચાલતી જ રહેવાની છે. અત્યારે તો હ્યુગો ચાવેઝને હરાવીને ઘરે બેસાડવાની અમેરિકાની મુરાદ મનની મનમાં રહી ગઈ છે. જોઈએ હવે,અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ઓબામાનું શું થાય છે!

No comments:

Post a Comment