Sunday, October 21, 2012

રોમાન્સનું બીજું નામ યશરાજ




મુંબઈ, 21 ઓકટોબર
એન્જિનિયરિંગના અભ્યાસ માટે વાયા મુંબઈથી લંડન જવાનું હતું,મુંબઈમાં સિનેમા પ્રત્યેના લગાવે તેમને ટેક્નિકલ એન્જિનિયર તો ન બનવા દીધા, પરંતુ સિનેમામાં સંબંધોના એન્જિનિયર બની ગયા અને ત્યાર પછી પ્રેમ, લાગણીઓથી ભરેલી વાર્તાઓ ગૂંથી નાખી,જે એક પછી એક ફિલ્મો તરીકે લોકો સમક્ષ આવતી ગઈ અને લોકોને જીવન જીવવાની નવી નવી પરિભાષાઓ આપતી ગઈ.
યશ ચોપરાએ તેમના ૮૦મા જન્મદિવસ પર શાહરુખખાનને ઈન્ટ આપ્યો. હવે એ વાર્તા તેમનો અંતિમ ઈન્ટરવ્યૂ બની ગઈ છે. કેટલાક અંશો ...
'હું 'જબ તક હૈ જાન' બનાવવા માગતો નહોતો. 'વીર ઝારા' બાદ હું કંઈક અલગ લોકોને સ્પર્શી જાય તેવી ફિલ્મ બનાવવા માગતો હતો. મારા પુત્ર આદિત્યે મને કહ્યું હતું કે હું ફિલ્મ ડિરેક્ટ કરવા માગું છું, જેને હું તમને ભેટ સ્વરૃપે આપીશ. મેં તેને દરેક પ્રકારની મદદ કરવાનું કહ્યું હતું. મેં મારા જીવનમાં ક્યારેય ગણતરીઓ કરી નથી. હું હંમેશાં પ્રવાહમાં જ રહ્યો છું. હું હંમેશાં મારા હૃદયનું સાંભળું છું અને હવે મારું માનવું છે કે મારે નિવૃત્ત થવું જોઈએ. મને મારા ચાહકો, કલાકારો અને લોકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે. હું ડિરેક્ટર્સ, ટેકનિશિયન્સ તથા અભિનેતા બનવા માગતા યુવાનોને મદદ કરવા માગું છું. મને મારી પત્નીની ઘણી ફરિયાદો પણ સાંભળવી પડે છે અને હવે હું નિવૃત્ત થયા બાદ મારી પત્ની સાથે જીવન વિતાવવા માગું છું.'
જવાનું હતું લંડન, પહોંચી ગયા મુંબઈ
૧૯૩૨માં ૨૭મી સપ્ટેમ્બરે પાકિસ્તાનનાં લાહોરમાં યશરાજ ચોપરાનો જન્મ થયો હતો. વધુ અભ્યાસ માટે તેઓ લંડન જવાના હતા, પરંતુ મુંબઈ આવ્યા બાદ યશ ચોપરાએ જ્યારે ફિલ્મનિર્માણની સિસ્ટમ જોઈ તો તેમને મનમાં ફિલ્મો સાથે જોડાવાની તમન્ના જાગી અને એક દિવસ ભાઈ બી. આર. ચોપરા સામે પોતાનાં દિલની વાત કહી દીધી. બી. આર. ચોપરાએ તેમને પહેલાં તો સમજાવ્યા, પરંતુ યશ ન માનતાં તેમને ફિલ્મ સાથે જોડાવા સંમતિ આપી દીધી. બહુ ઓછાં લોકો જાણે છે કે, તેઓ એન્જિનિયર બનવા મુંબઈ આવ્યા હતા અને એન્જિનિયરિંગના અભ્યાસ માટે લંડન જવાના હતા, પરંતુ તેમણે તો સંબંધોના એન્જિનિયર બનવાનું હતું અને તેમજ થયું, તેઓ સિનેમા સંસારના ડિરેક્ટર બની ગયા. ફિલ્મનિર્માણની તાલીમ માટે બી. આર. ચોપરાએ યશને અલગ અલગ ડિરેક્ટર પાસે મોકલવાનું શરૃ કર્યું. પણ તે માત્ર ભાઈ સાહેબ એટલે કે બી. આર. ચોપરા સાથે જ કામ કરવા માગતા હતા, પરંતુ તેમના માટે મુશ્કેલ હતું કે આ વાત તેમની પાસે કોણ પહોંચાડે. એક વાર આ વાત બી. આર. ચોપરા સાથે પહોંચી ગઈ તો તેમણે તેનો તરત સ્વીકાર કરી લીધો ત્યાર પછી તેઓ 'એક હી રાસ્તા', 'સાધના' અને 'નયા દૌર' એમ ત્રણ ફિલ્મોમાં બી. આર. ચોપરાના આસિસ્ટન્ટ ડિરેક્ટર રહ્યા હતા.
આ રીતે ધૂલમાંથી ખીલ્યું ફૂલ
કામ પ્રત્યે યશરાજનું સમર્પણ અને નિષ્ઠા જોયા બાદ બી. આર. ચોપરાએ ત્યારે ખૂબ મોટો નિર્ણય લીધો, તેમણે એક ફિલ્મ 'ધૂલ કા ફૂલ' બનાવવાનો નિર્ણય લીધો. તેનાં નિર્દેશનની જવાબદારી તેમના મુખ્ય આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓમી બેદી અને યશરાજને સોંપી હતી. એ વખતે ઓમીને સ્વતંત્ર રીતે ફિલ્મનું નિર્દેશન કરવાનો પ્રસ્તાવ મળ્યો હતો પણ ત્યાર પછી નક્કી થયું હતું કે, ફિલ્મમાં યશરાજ જ આ ફિલ્મનું નિર્દેશન કરશે. તે એક એવા અનૌરસ પુત્રની વાર્તા હતી જેની સફળતાએ તેમને લોકપ્રિયતા અપાવી દીધી.
'ધૂલ કા ફૂલ' બાદ બી. આર. ફિલ્મ્સની આગામી ફિલ્મ હતી 'ધરમ પુત્ર'. હિન્દુ-મુસ્લિમ એકતા પર આધારિત આ ફિલ્મનું સ્વતંત્ર નિર્દેશન યશરાજને સોંપવામાં આવ્યું હતું, જેને નેશનલ એવોર્ડ મળ્યો હતો, પરંતુ તે લોકપ્રિય રહી નહોતી. 'વક્ત'નું નિર્દેશન કર્યું. ફિલ્મની સફળતા બાદ યશરાજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા હતા અને ત્યાર પછી તેમણે પાછા વળીને જોયું નહોતું.
'દાગ'થી શરૃ થયું 'યશરાજ ફિલ્મ્સ' પ્રોડ્ક્શન
યશરાજ ૧૯૭૩માં 'દાગ' ફિલ્મથી નિર્માણક્ષેત્રે પ્રવેશ્યા હતા અને સૌપ્રથમ વાર પોતાનાં બેનર 'યશરાજ ફિલ્મ્સ' હેઠળ તે બનાવી હતી. તેમની અંતિમ ફિલ્મ 'જબ તક હૈ જાન' તેનું નવું સ્વરૃપ છે. ગત સપ્ટેમ્બરમાં જ પોતાનો ૮૦મો જન્મદિન ઊજવનારા યશ ચોપરા 'જબ તક હૈ જાન' ફિલ્મથી જીવનના છેલ્લા દિવસોમાં પણ સક્રિય રહ્યા હતા. 'વીર ઝારા' બાદ તેમના દ્વારા ડિરેક્ટ કરાયેલી આ ફિલ્મ પણ સંબંધોમાં ડૂબેલા પ્રેમની પટકથા પર આધારિત છે. દિવાળીમાં તે રિલીઝ થવાની છે.
  • ૨૨ફિલ્મોમાં નિર્દેશન
  • ૧૧ફિલ્મફેર એવોર્ડ
  • ૨નેશનલ એવોર્ડ
એવોર્ડનો યશ
યશરાજ ચોપરાએ તેમની ૫૬થી વધુ વર્ષની કારકિર્દીમાં અનેક એવોર્ડ્સ મેળવ્યા હતા. તેમણે વક્ત, દાગ, કભી-કભી અને સિલસિલા જેવી અનેક શ્રેષ્ઠ અને યાદગાર ફિલ્મો આપી હોવા છતાં તેમને છેક ૧૯૯૮માં દિલ તો પાગલ હૈ ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત થયો હતો. આ ફિલ્મને સંપૂર્ણ એન્ટરટેઇનમેન્ટની કેટેગરીમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, ત્યાર બાદ ૨૦૦૫માં તેમની ફિલ્મ વીર-ઝારાને પણ આ જ કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એનાયત થયો હતો.
તેમને વક્ત(૧૯૬૫), ઇત્તેફાક(૧૯૬૯), દાગ(૧૯૭૩), દીવાર(૧૯૭૫)માં શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો એવોર્ડ એનાયત થયો હતો જ્યારે તેમની ફિલ્મો લમ્હે(૧૯૯૧), દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે(૧૯૯૫), દિલ તો પાગલ હૈ(૧૯૯૭), વીર-ઝારા(૨૦૦૪)ને બેસ્ટ મૂવીનો એવોર્ડ અપાયો હતો. તેમને સતત ત્રણ વર્ષ ૨૦૦૬, ૨૦૦૭ અને ૨૦૦૮માં ફિલ્મફેર પાવર એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.
ફિલ્મ ક્ષેત્રના એવોર્ડ્સ ઉપરાંત યશરાજ સમગ્ર વિશ્વમાં વિવિધ એવોર્ડ્સથી સન્માનિત થયા છે. ભારતીય સિનેમામાં અભૂતપૂર્વ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને વર્ષ ૨૦૦૫માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા જ્યારે ૨૦૦૧માં ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી સન્માનિત એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી તેમનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત તેમની ફિલ્મો મારફત સ્વિત્ઝર્લેન્ડને લોકપ્રિય બનાવવા બદલ સ્વિત્ઝર્લેન્ડ સરકાર વતી ઉર્સુલા એન્ડ્રેસ દ્વારા તેમને વિશેષ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
જાવેદ અખતરને પહેલો બ્રેક આપ્યો
જો યશ ચોપરાએ જાવેદ અખતરને પહેલો બ્રેક આપ્યો ન હોત તો તેઓ કદાચ ફિલ્મની પટકથાઓ જ લખતા હોત. યશરાજે'સિલસિલા' ભલે વ્યાવસાયિક દૃષ્ટિએ બોક્સઓફિસ પર સુપરહિટ ન રહી શકી પરંતુ તેનાં ગીતો ખૂબ લોકપ્રિય રહ્યાં હતાં. આ ફિલ્મમાં શાયર જાવેદ અખતરને જીવનમાં પહેલી વાર ગીત લખવાની તક મળી હતી. વિવિધ ભારતી પર આવતો લોકપ્રિય કાર્યક્રમ 'આજ કે ફનકાર'માં જાવેદ અખતરે ત્યાર પછી બે વર્ષ સુધી કામ કર્યું હતું. આ વખતે જ તેમણે કહ્યું હતું કે, 'યશજી મને 'સિલસિલા'માં બ્રેક ન આપતા તો હું બોલિવૂડમાં સ્ટોરી રાઇટર તરીકે જ ઓળખાયો હોત. સિલસિલા બાદ મેં પટકથાને બદલે ગીતો લખવાનું શરૃ કર્યું હતું.
અમિતાભ, શાહરુખને સ્ટાર બનાવ્યા
૧૯૭૫માં રિલીઝ થયેલી 'દીવાર' ફિલ્મ યશરાજ અને અમિતાભ બચ્ચનની પ્રથમ ફિલ્મ હતી, જે બોક્સઓફિસ પર સૌથી સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ બાદ અમિતાભની કારકિર્દીને એક નવો વળાંક મળ્યો હતો. શાહરુખખાનની કારકિર્દીને પણ તેમણે 'ડર' ફિલ્મ દ્વારા નવી ઊંચાઈએ પહોંચાડી હતી ત્યાર પછી તેમની રોમાન્સ સ્ટોરીઝને વાચા આપી શાહરુખે પણ બોલિવૂડમાં કિંગ ખાનનું બિરુદ મેળવી લીધું.
અંતિમ ફિલ્મ શાહરુખ સાથે કરવી હતી
શાહરુખ અને યશરાજની જોડીએ બોક્સઓફિસ પર ઘણી ધૂમ મચાવી હતી. યશરાજ શાહરુખને તેમના પુત્ર જ માનતા હતા. શાહરુખ સાથેના ઇન્ટરવ્યૂમાં પોતાના અનુભવો અને ભાવનાઓ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે, તે તેમની છેલ્લી ફિલ્મ શાહરુખ સાથે કરવા માગતા હતા.
દિગ્દર્શક તરીકે યશ ચોપરા
ધૂલ કા ફૂલ          (૧૯૫૯)
ધર્મપુત્ર  (૧૯૬૧)
વક્ત      (૧૯૬૫)
આદમી ઓર ઇન્સાન
            (૧૯૬૯)
ઇત્તેફાક  (૧૯૬૯)
દાગ       (૧૯૭૩)
જોશિલે (૧૯૭૩)
દીવાર     (૧૯૭૫)
કભી કભી  (૧૯૭૬)
ત્રિશુલ    (૧૯૭૮)
કાલા પથ્થર          (૧૯૭૯)
સિલસિલા           (૧૯૮૧)
મશાલ    (૧૯૮૪)
ફાસલે    (૧૯૮૫)
વિજય    (૧૯૮૮)
ચાંદની    (૧૯૮૯)
લમ્હે      (૧૯૯૧)
પરંપરા    (૧૯૯૨)
ડર         (૧૯૯૩)
દિલ તો પાગલ હૈ
            (૧૯૯૭)
વીર-ઝારા            (૨૦૦૪)
જબ તક હૈ જાન
            (૨૦૧૨).

No comments:

Post a Comment