દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ.
સ્પેન અને ઇન્ડિયા વચ્ચેના આર્થિક સંબંધો વધુ સુદૃઢ થાય તે માટે સ્પેનના રાજા જુઆન કાર્લોસે ગયા અઠવાડિયે ભારતની મુલાકાત લીધી. સ્પેનમાં લોકતંત્રને ટકાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવનાર રાજા જુઆન કાર્લોસ અત્યારે પોતાના દેશને યુરોઝોનની કટોકટીમાંથી બહાર લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. રાજા જુઆન કાર્લોસનું જીવન રંગીન રહ્યું છે. તેના નામ સાથે સતત વિવાદો જોડાયેલા રહ્યા છે. તેના વિશે એવું કહેવાય છે કે તેણે ૧૫૦૦થી વધુ યુવતીઓ સાથે શય્યાસુખ ભોગવ્યું છે. લેડી ડાયના સાથે પણ તેને લફરું હતું તેવી વાત છેક હમણાં બહાર આવી છે. નાના ભાઈના ભેદી મોતથી માંડી હાથીના શિકાર પ્રકરણમાં રાજાનું નામ ગાજ્યું છે. ઢગલાબંધ વિવાદો છતાં ૭૪ વર્ષના આ રાજા આખા સ્પેનમાં હજુ પણ એવા ને એવા લોકપ્રિય છે.
સ્પેનના રંગીલા રાજા જુઆન કાર્લોસ ગયા અઠવાડિયે ભારતની ચાર દિવસની મુલાકાતે આવી ગયા. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને સ્પેનના આર્થિક સંબંધો વધુ સુદૃઢ બનાવવાનો હતો. યુરોઝોનની કટોકટી પછી સ્પેનની હાલત કથળી છે. સ્પેનનું રેટિંગ ડાઉન કરાયું ત્યારે આખી દુનિયામાં ખળભળાટ મચ્યો હતો. દેશની હાલત સુધારવા માટે સ્પેનના રાજા જુઆન કાર્લોસ ૭૪ વર્ષની ઉંમરે પણ દોડાદોડી અને ઉડાઉડી કરે છે.
સ્પેન ઇચ્છે છે કે ભારતના ઉદ્યોગપતિઓ તેના દેશમાં રોકાણ વધારે અને બંને દેશો વચ્ચેના વેપારમાં વધારો થાય. ૨૦૧૧ના વર્ષમાં ભારત અને સ્પેન વચ્ચેનો વેપાર પાંચ અબજ અમેરિકન ડોલરનો હતો, જે ૨૦૧૦ના વર્ષની સરખામણીએ ૧૮ ટકાનો વધારો બતાવતો હતો. ભારતમાં સ્પેનના ઉદ્યોગપતિઓનું રોકાણ ૧.૩ અબજ અમેરિકન ડોલર જેટલું છે. જેની સામે સ્પેનમાં ભારતના ઉદ્યોગપતિઓનું રોકાણ ૬૦.૫ કરોડ યુરોથી વધુ છે. સ્પેનને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવા માટે ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે તેવું સ્પેનના રાજા જુઆન કાર્લોસ માને છે. ભારત અને સ્પેન વચ્ચે માળખાકીય સુવિધા, વાહનવ્યવહાર અને ઊર્જા ક્ષેત્રે આર્થિક વ્યવહારો વધે તેમાં બંને દેશોને ફાયદો છે.
જુઆન કાર્લોસ એક એવા રાજા છે જેને મોટાભાગના સ્પેનવાસીઓ પ્રેમ કરે છે. સ્પેનમાં લોકતંત્રની સ્થાપના અને લોકતંત્રના મજબૂત અસ્તિત્વ માટે તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે. ૩૧ વર્ષ પહેલાં ૨૩મી ફેબ્રુઆરી, ૧૯૮૧ના રોજ સ્પેનમાં લશ્કરી બળવો થયો હતો. આ સમયે રાજા જુઆન કાર્લોસે રાષ્ટ્રજોગ વાયુ પ્રવચન કરી લોકોને વિશ્વાસમાં લઈ બળવો નિષ્ફળ બનાવ્યો હતો. નવેમ્બર ૨૦૦૫માં સ્પેનના ’અલ મુન્ડો’ અખબાર દ્વારા રાજા જુઆન કાર્લોસની કામગીરી અંગે પ્રતિષ્ઠા માપવા એક સર્વે કરાયો હતો. તેમાં ૭૭.૫ ટકા સ્પેનવાસીઓએ કહ્યું હતું કે રાજાની કામગીરી બહુ સારી (વેરી ગૂડ) છે. ૧૫.૪ ટકાએ કહ્યું કે ઠીક ઠીક છે. (નોટ સો ગૂડ) માત્ર ૭.૧ ટકા લોકોએ જ કહ્યું હતું કે કામગીરી સારી નથી. (વેરી બેડ) . અલબત્ત, આ સર્વે પછી રાજાની રંગરેલિયાની જે વાતો બહાર આવી છે તેણે સ્પેન સહિત આખી દુનિયાનાં મીડિયાને જબરદસ્ત મસાલો પૂરો પાડયો છે. અમુક ટેબ્લોઈડ ન્યૂઝ પેપર્સે તો તેને ’સિરિયલ વુમનાઈઝર’ પણ કહ્યા છે.
ગુજરાતીમાં એક કહેવત છે, ‘રાજા, વાજાં અને વાંદરાં.’ નાના હતા ત્યારે વાર્તાઓ વાંચતા અને સાંભળતા. મોટા ભાગની વાર્તાઓ એવી રીતે શરૂ થતી કે એક હતો રાજા… પછી રાજા કેવો હતો તેની વાતો ચાલતી. રાજાઓ વિશે એક એવી છાપ છે કે રાજાઓ રંગીન મિજાજના હતા. હવે દુનિયાના બહુ ઓછા દેશોમાં રાજાશાહી બચી છે. અલબત્ત, ઘણા દેશોમાં લોકતંત્ર હોવા છતાં બંધારણીય રાજાશાહીનો સ્વીકાર કરાયો છે અને રાજાને દેશમાં માન-મરતબો અને આર્થિક મદદ મળે છે. રાજાઓ પણ દેશને બને તેટલી મદદ કરતા રહે છે. ખાસ તો જે તે દેશના લોકો માટે રાજા, રાણી, રાજાશાહી અને રજવાડાંઓનાં નખરાં હંમેશાં રસનો વિષય રહ્યાં છે. એમાંયે સ્પેનના આ રાજા જુઆન કાર્લોસની વાત તો બધા જ રાજાઓ કરતાં નિરાળી છે.
સ્પેનના રાજા જુઆન કાર્લોસના એ સમાચાર આખી દુનિયામાં ફ્રન્ટ પેજ ન્યૂઝ બન્યા હતા કે જુઆન કાર્લોસે અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ યુવતીઓ સાથે શય્યાસુખ માણ્યું છે. રાજા પોતાની તાકાત બરકરાર રાખવા માટે શક્તિવર્ધક દવાઓનાં ઈંજેક્શન લે છે અને જુવાન દેખાવા એન્ટિ એજિંગ ટ્રિટમેન્ટ કરાવે છે તેવા સમાચાર છાશવારે ચમકતા રહ્યા છે.
આટલું ઓછું હોય તેમ બાર્સેલોનાના લેખક પિલર આયરે પોતાના પુસ્તકમાં રાજા જુઆન કાર્લોસ વિશે એક નવો ધડાકો કર્યો. તેણે લખ્યું કે રાજા જુઆન કાર્લોસને બ્રિટનની લેડી ડાયના સાથે લફરું હતું. ડાયના અને જુઆન કાર્લોસનું અફેર ૧૯૮૦માં શરૂ થયું હતું. ડાયના પતિ પ્રિન્સ ચાર્લ્સ સાથે રજા ગાળવા અમેરિકા ગયાં હતાં. પ્રિન્સ ચાર્લ્સ તો શિકાર કરવા ચાલ્યા જતા. લેડી ડાયનાને શિકાર કરવા જવું ગમતું નહીં એટલે એ મહેલમાં જ રોકાતાં. આ સમયે એ અને જુઆન કાર્લોસ વચ્ચે સંબંધો બંધાયા હતા.ળ૧૯૮૭માં લેડી ડાયના સ્પેનના મેડ્રિડ ગયાં ત્યારે રાજા જુઆન કાર્લોસે જાહેરમાં ડાયનાના હાથ પર કિસ કરી લીધી હતી. અલબત્ત, એ સિવાય બંને વચ્ચેના સંબંધોની વાત બહાર આવી નથી. જો કે એવી વાત ચોક્કસ બહાર આવી હતી કે રાજા જુઆન કાર્લોસને તેની પત્ની સોફિયા સાથે છેલ્લાં ૩૫ વર્ષોથી શારીરિક સંબંધો નથી. રાજાની વરણાગી મેન્ટાલિટીના કારણે રાણીએ જ તેનાથી દૂરી કેળવી લીધી હતી.
જુઆન કાર્લોસ અને સોફિયાનાં લગ્ન ૧૯૬૨માં થયાં હતાં. ગયા મે મહિનામાં બંનેનાં લગ્નને પચાસ વર્ષ થયાં. એ સમયે એવી વાતો ઊડી હતી કે બંને તેના મેરેજની ગોલ્ડન જ્યુબિલી ધામધૂમથી ઊજવશે. બંનેનાં લગ્નને ૨૫ વર્ષ થયાં ત્યારે જોરદાર ઉજવણી કરાઈ હતી. જો કે આ વખતે લગ્નની તારીખ આવે એ પહેલાં જ રાણીએ કહી દીધું કે, નો સેલિબ્રેશન. એટલું જ નહીં રાણીએ ખુલ્લેઆમ એમ પણ કહી દીધું કે અમારા વચ્ચે હવે આત્મીયતા રહી નથી.
રાજા જુઆન કાર્લોસનું મગજ તેજ છે. વેનેઝુએલાના પ્રેસિડેન્ટ હ્યુગો ચાવેઝની છાપ પણ માથાફરેલાની છે, આમ છતાં એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હ્યુગો ચાવેઝે ન ગમે એવી વાત કરી ત્યારે રાજા જુઆન કાર્લોસે જાહેરમાં કહી દીધું કે શટ અપ. હજુ થોડા સમય અગાઉ જ ડ્રાયવરે ગાડી બરોબર પાર્ક ન કરી ત્યારે રાજા જુઆન કાર્લોસે તેને મુક્કો માર્યાની વીડિયો ક્લીપે હોબાળો મચાવ્યો હતો. રાજા ડ્રાયવરને મુક્કો મારે એ ઘટનાને લોકોએ ગંભીરતાથી લીધી હતી અને શરમજનક ગણાવી હતી. આ તે કંઈ રાજાની મેનર્સ છે? રાજાને આવું શોભે? એવા પ્રશ્નો ઊઠયા હતા.
રાજા જુઆન કાર્લોસને હાથીના શિકારનો શોખ પણ ભારે પડયો છે. આ વર્ષે જ બોત્સવાનામાં રાજા જુઆન કાર્લોસે હાથીનો શિકાર કર્યો હતો. મરેલા હાથીની નજીક હાથમાં બંદૂક રાખીને ઊભેલા રાજા જુઆન કાર્લોસની તસવીરે એવો હોબાળો મચાવ્યો કે રાજાએ આખરે માફી માગવી પડી હતી.
રાજા જુઆન કાર્લોસના નાના ભાઈ અલફોન્સોનું મોત રહસ્યમય સંજોગોમાં થયું હતું. આ પ્રકરણમાં પણ જુઆન કાર્લોસનું નામ ચર્ચાએ ચડયું હતું. આખી વાત છે માર્ચ ૧૯૫૬ની. રાજાનો પરિવાર પોર્ટુગલના ઇસ્ટોરીલ ખાતે ફરવા ગયો હતો ત્યારે એક ગન એક્સિડન્ટમાં અલફોન્સોનું મોત થયું. સાચું કારણ તો હજુ બહાર આવ્યું નથી પણ એ સમયે એવી યાદી બહાર પડી હતી કે યુવરાજ અલફોન્સો તેની રિવોલ્વર સાફ કરતા હતા ત્યારે અચાનક ગોળી છૂટી અને અલ ફોન્સોના માથામાં વાગી. થોડી જ મિનિટોમાં તેનું મૃત્યુ થયું. એક વાત એવી પણ બહાર આવી હતી કે જુઆન કાર્લોસે જ રમત રમતમાં નાના ભાઈ અલફોન્સો સામે રિવોલ્વર તાકી હતી. તેને ખબર ન હતી કે રિવોલ્વર લોડેડ છે. ટ્રિગર દબાઈ ગયું, ગોળી અલફોન્સોને વાગી અને તેના રામ રમી ગયા. ખરેખર શું થયું હતું એ રાઝ હજુ સુધી રાઝ જ છે.
રાજા વિશે આવી તો અનેક વાતો સ્પેન અને આખી દુનિયામાં ચાલતી રહે છે. જો કે સ્પેનના લોકો આવી વાતો માણે છે અને ચર્ચાઓ પણ કરે છે. છતાં તે આવી વાતોને રાજાની અંગત બાબતો ગણે છે. આમ તો સ્પેન આખો દેશ જ રંગીનમિજાજી છે. સ્પેન વિશે એવી રમૂજ જગજાહેર છે કે સ્પેનના સર્જન વખતે પરમાત્માએ લોકોને પૂછયું કે બોલો તમને શું જોઈએ છે? લોકોએ કહ્યું કે વિવિધ હવામાનવાળો અત્યંત સુંદર પ્રદેશ, સુંદર સ્ત્રીઓ, સ્વાદિષ્ટ ભોજન, ફળો અને દારૂ. પરમાત્માએ કહ્યું કે તથાસ્તુ. બસ ત્યારથી સ્પેન સૌંદર્યનો પર્યાય બની ગયું છે.
સ્પેન ત્યાંની બુલફાઈટના કારણે કાયમ ચર્ચામાં રહ્યું છે. આ ઉપરાંત સ્પેન ફ્લામેન્કો માટે પણ જાણીતું છે. ફ્લામેન્કો એ સ્પેનની આગવી ગાયન અને નૃત્યશૈલી છે. હિન્દી ફિલ્મ ’જિંદગી મિલેગી ના દોબારા’ માં આખું સ્પેન બતાવાયું છે. આ ફિલ્મનું પેલું ગીત યાદ છે? ના મૈં સમજા, ના મૈં જાના, જો ભી તુમને મુજ સે કહા હૈ, સેન્યોરિટા… એ ગીત ફ્લામેન્કો છે. સ્પેનનો ન્યૂડ બીચ પણ આખી દુનિયાના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આવા બીચ પર તદ્દન નિર્વસ્ત્ર હાલતમાં લોકો બિન્ધાસ્ત ફરે છે.
હવે આવા દેશનો રાજા રંગીન મિજાજનો જ હોય એમાં નવાઈ શું? જો કે હવે રાજા બુઢ્ઢો થયો છે. હાથીનો શિકાર કરવા ગયા હતા ત્યારે રાજાસાહેબ એવા પડી ગયા કે થાપાનું હાડકું ભાંગી ગયું. એ પછી રાજાએ બે વખત હિપ સર્જરી કરાવવી પડી છે. થોડા સમય અગાઉ તારીખ બીજી ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ રાજા જુઆન કાર્લોસ મેડ્રિડ ખાતે સેનાના હેડ ક્વાટરની મુલાકાતે ગયા હતા ત્યારે અચાનક ગબડી પડયા હતા. રાજા તરત જ ઊભા તો થઈ ગયા હતા પણ ઈજાના કારણે તેનું નાક લાલચોળ થઈ ગયું હતું.
ગમે તે હોય, આ રાજા હજુયે સ્પેનમાં એવા ને એવા લોકપ્રિય છે. તેનું કારણ એક જ છે કે તેને પોતાના દેશ અને દેશવાસીઓની ચિંતા છે. અત્યારે પણ યુરોઝોન સંકટમાંથી પોતાના દેશને બહાર કાઢવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. સ્પેન સાથે સંબંધો વધુ સારા થાય એ આપણા દેશના પણ હિતમાં છે. સ્પેનના આ રાજા દેશના હિત માટે પણ જ્યાં ક્યાંય જાય ત્યાં તેની મુલાકાતના હેતુ કરતાં તેના આશિક અને રંગીન મિજાજની ચર્ચા જ વધુ થાય છે.
(‘સંદેશ’. તા. 31મી ઓકટોબર,2012. બુધવાર. અર્ધસાપ્તાહિક પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ )