Sunday, July 15, 2012

જોસેફ સ્તાલિનઃ તોફાની છોકરો બની ગયો તાનાશાહ (ટોપ ટેન)


Jun 30, 2012

TOP 10 - રશ્મિન શાહ
સ્તાલિનને ઐયાશીનો શોખ આખી જિંદગી રહ્યો હતો. રશિયાનું શાસન સંભાળ્યા પછી સ્તાલિને સૌથી પહેલું કામ રશિયન વડાની જે સેલેરી નક્કી થઈ હતી એ સેલેરી એક ઝાટકે આઠ ગણી વધારી નાખી હતી. માત્ર આટલું જ નહીં, સ્તાલિને દેશના પ્રથમ ક્રમાંકના જે કોઈ અધિકારીઓ હતા એ બધાની સેલેરી પણ બેથી ચાર ગણી વધારી દીધી હતી
૧૯૨૮થી ૧૯૫૩ સુધી રશિયા પર એકધારી હકૂમત કરનારા જોસેફ સ્તાલિન કદાચ આ વિશ્વના પહેલા એવા ડિક્ટેટર હતા કે જેણે રશિયાને સ્વાભિમાનની ભાષા અને આત્મગૌરવનો સંદેશ શીખવ્યો. સ્તાલિનને અમેરિકાની નીતિમાં સહેજ પણ રસ નહોતો,ભરોસો પણ. જોસેફ સ્તાલિન હંમેશાં કહેતાં કે, "આત્મ-સન્માન એમનું હોય, જેમને પોતાના સંસ્કાર હોય. અમેરિકાની પાસે બધું હોઈ શકે એવું બને પણ તેમની પાસે પોતાના સંસ્કાર નથી અને એ જ કારણે હું અમેરિકાની કોઈ વાતનો વિશ્વાસ કરવામાં માનતો નથી." અમેરિકા અને રશિયા હંમેશાં એકબીજાને પાછળ રાખવાની હોડમાં રહ્યા છે. આ હોડ શરૂ કરાવવામાં જોસેફ સ્તાલિનનો સૌથી મોટો હાથ છે. જોસેફે સત્તા સંભાળી એ પહેલાં અમેરિકા રશિયાની સાથે હરીફાઈમાં ચોક્કસ હતું પણ એ તમામ હરીફાઈમાં અંતમાં જીત તો અમેરિકી સત્તાની જ થતી હતી. જોસેફ સ્તાલિને આ હરીફાઈમાં જીતવાની શરૂઆત કરી, જે અમેરિકાના સન્માનને ખંડિત કરી ગઈ. અમેરિકાએ આ જ કારણે રશિયાની નીતિનો વિરોધ કરીને સ્તાલિનના વિરોધીઓને ઊભા કરવાનું કામ કર્યું હતું.
તોફાની બાળપણ
જોસેફ સ્તાલિનનો જન્મ ૧૮મી ડિસેમ્બર,૧૮૭૮ના રોજ ર્જ્યોજિયાના ગોરી નામના એક નાનકડા ગામડામાં થયો હતો. સ્તાલિનનાં માતા-પિતા ગરીબ હતાં. ખેતમજૂર તરીકે કામ કરતાં અને પોતાનું ગુજરાન ચલાવતાં. સ્તાલિન પોતે કહી ચૂક્યા છે કે "ગરીબાઈથી મનમાં નિરાશાની માનસિકતા જન્મતી હોય છે. આ માનસિકતા જ માણસને આખી જિંદગી ગરીબ રહેવા માટે મજબૂર કરી દેતી હોય છે."
સ્તાલિને ક્યારેય ખુલાસો નથી કર્યો કે તેની આ માનસિકતા કયા કારણસર ડેવલપ થઈ હતી પણ તે હંમેશાં પૈસા ઉડાવવામાં અને એકદમ ઐયાશી સાથે રહેવામાં માનતા હતા. સ્તાલિને પોતાના બચપણમાં ત્રણેક વખત સ્કૂલ બુક્સના પૈસા વાપરી નાખ્યા હતા, જેને કારણે તેને તેના પપ્પાએ બેફામ માર માર્યો હતો. નાનપણમાં સ્તાલિનને ભણવા કરતાં ગુંડાગર્દીમાં બહુ રસ હતો. અનેક વખત તે મારામારી કરી ચૂક્યા હતા. એક વખત તો તેણે પનિશમેન્ટ આપનારા ચર્ચના ફાધરને પણ પથ્થર મારી દીધો હતો. સ્તાલિનનાં આવાં કૃત્યોથી પરેશાન એવાં તેનાં મા-બાપે એ જ ચર્ચની સ્કૂલમાં સ્તાલિનને ભણવા બેસાડી દીધો હતો પણ એ પછી પણ સ્તાલિનમાં કોઈ ફરક ન આવ્યો એટલે છેવટે કંટાળીને એનાં માબાપ સ્તાલિન સાથે તિફિલ્સ નામના ગામમાં રહેવા ચાલ્યાં ગયાં. તિફિલ્સે સ્તાલિનના ભવિષ્યના ઘડતરમાં અને ભવિષ્યને દિશા આપવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તિફિલ્સ એ દિવસોમાં રશિયન ક્રાંતિકારીઓનું વડું મથક હતું એવું કહીએ તો ચાલે. આ ગામમાં માર્ક્સના સિદ્ધાંતોના આધારે તૈયાર કરવામાં આવ્યું હોય એવું ક્રાંતિકારી સાહિત્ય ચોરીછૂપીથી દરેક ઘરમાં પહોંચાડવામાં આવતું હતું. સ્તાલિનના ઘરે પણ એવું સાહિત્ય પહોંચ્યું અને ટાઈમ પાસ કરતાં-કરતાં સ્તાલિને એ સાહિત્ય વાંચવાનું શરૂ કર્યું. બસ, ક્રાંતિનાં બીજની રોપણી અહીંથી થઈ અને સ્તાલિન માટે નવી દિશા ખૂલી.
માર્ક્સનો માર્ગ
જે સ્તાલિન ચૌદ વર્ષની ઉંમર સુધી ઝઘડા કરવામાંથી ઊંચો નહોતો આવતો એ જ સ્તાલિન ૧૯ વર્ષની ઉંમરે માર્ક્સના સિદ્ધાંત પર ચાલતી એક ક્રાંતિકારી સંસ્થામાં મેમ્બર બની ગયો. માર્ક્સના સિદ્ધાંતોમાં આઝાદીની વાત હતી, સ્વતંત્રતાની વાત હતી. આ જ કારણે એ સિદ્ધાંતો સ્તાલિનને અનુકૂળ આવ્યા હતા. સ્તાલિન ક્યારેય કોઈના પગલે ચાલવામાં માનતો નહોતો અને ક્યારેય કોઈનો દોરવ્યો દોરવાય એવો નહોતો. સ્તાલિને આ જ કારણે માર્ક્સવાદી સંસ્થા જોઈન કર્યા પછી પહેલું કામ જર્મન સેના પર હુમલો કરવાનું કર્યું હતું. એ દિવસોમાં કાકેશિયા ગામમાં કપડાંની મીલ ચાલતી હતી, જે મીલનું બધું કપડું જર્મન સૈનિકોના ડ્રેસ બનાવવામાં વપરાતું હતુ. સ્તાલિને બુદ્ધિપૂર્વક આ મીલમાં નોકરી મેળવી અને પછી બધા મીલ કામદારોને ઉશ્કેરી હડતાલ પડાવી દીધી. કાકેશિયામાં હડતાલ પડી કે તરત એની અસરરૂપે રૂસનાં અન્ય શહેરોની મીલોમાં પણ હડતાલ પડવી શરૂ થઈ અને આઝાદીની ચળવળનો વિધિવત્ આરંભ થયો. કાકેશિયાની હડતાલનો પ્રશ્ન હજુ તો પૂરો થયો ત્યાં સ્તાલિને પોતાના માર્ક્સ દળ સાથે તિફિલ્સમાં ચળવળ શરૂ કરી. આ ચળવળના પાંચમા જ દિવસે પોતાનો જીવ બચાવવા સ્તાલિને ગામ છોડીને ભાગવું પડયું હતું. ભાગીને સ્તાલિન બાતુમ નામના ગામમાં ગયો પણ ક્રાંતિનો રંગ તેને એવો લાગ્યો હતો કે તે ક્યાંય શાંત રહી શકતો નહોતો. બાતુમમાં જર્મન કેમ્પ પર તેણે હેન્ડગ્રેનેડથી હુમલો કર્યો, જેમાં ચૌદ સૈનિકોનાં મોત થયાં અને એ બધાને જેલમાં ધકેલી દેવાયા. અલબત્ત, અહીંથી પણ સ્તાલિન ભાગ્યો અને તેણે પોતાનું કામ આગળ ધપાવ્યું. પોતાનાં આ ક્રાંતિકારી કામો દ્વારા સ્તાલિને બે વખત જર્મન સેનાને હરાવી હતી અને બંને વખત ખાર્કોવ નામનો એરિયા સ્વતંત્ર કરાવ્યો હતો. સ્તાલિનનું ખુન્નસ જોઈને માર્ક્સ દળોમાં પણ હિંમત પ્રસરી ગઈ અને તેણે પણ બીજાં રાજ્યો અને પ્રાંતમાં ચળવળનું જોર વધારી દીધું. ફાઈનલી ૧૯૨૨માં સોવિયત સમાજવાદી ગણરાજ્યોને એક કરીને સંઘ બનાવવામાં આવ્યો, જેની કેન્દ્રીય સમિતિમાં સ્તાલિનને પણ સામેલ કરવામાં આવ્યા. સ્તાલિન માટે આ ઉપલબ્ધિ કંઈ નાનીસૂની નહોતી, કારણ કે જે છોકરો શાંતિથી ભણતો નહોતો એ જ છોકરો આજે રૂસના ભવિષ્યનું ગઠબંધન કરનારી મંડળીમાં મહત્ત્વના પદ પર બિરાજમાન હતો.
શરૂ થઈ સત્તાની સાઠમારી
સોવિયત સંઘના ગઠબંધન પછી શરૂ થયેલી સત્તાની સાઠમારીમાં લેનિન અને ટ્રોટસ્કી ઇચ્છતા હતા કે આ સંઘને એક રાષ્ટ્ર બનાવવામાં આવે, જે આજના રશિયા જેવું હોય. સ્ટાલિન પણ આ વાતના હિમાયતી હતા પણ તેને લાગતું હતું કે અત્યારના તબક્કે એ ચર્ચા કરવાને બદલે બનેલા સંઘને સમૃદ્ધ કરવો જોઈએ. ટ્રોટસ્કી અને લેનિન સાથે વિખવાદ થયા પછી એક તબક્કે સ્તાલિન ગઠબંધનની કમિટીમાંથી નીકળી જવાની તૈયારીમાં જ હતા પણ એ જ દિવસોમાં લેનિનને પેરાલિસિસ થતાં સ્તાલિને રોકાવું પડયું. ૧૯૨૪માં લેનિનનું મોત થયું પણ એ મોત પહેલાં લેનિનને સ્તાલિનની વાત સમજાઈ ગઈ હતી અને એટલે જ તેમણે પોતાના મૃત્યુ પછી સ્તાલિનને સત્તાનો વારસદાર ઘોષિત કર્યો. અલબત્ત, એ પછી પણ એટલે કે લેનિનના મોત પછી સ્તાલિનને સત્તા મળી નહીં અને ટ્રોટસ્કી સત્તા પર ગોઠવાઈ ગયા. ટ્રોટસ્કી પાસેથી સત્તા પાછી લેવામાં સ્તાલિનને ચાર વર્ષ લાગ્યાં અને ૧૯૨૮માં તેણે સત્તા હાંસલ કરી રશિયાના નેતા બન્યા. સત્તા મેળવ્યા પછી સ્તાલિને લેનિનના સપનાનું રશિયા ઘડવાનું શરૂ કર્યું. ભારતીય રાજકારણ હંમેશાં લેનિન અને સ્તાલિનની નીતિથી પ્રભાવિત રહ્યું છે. ભારતમાં જે પંચવર્ષીય યોજનાની પ્રથા રહી છે એ પ્રથા હકીકતે તો સ્તાલિનની પંચવર્ષીય યોજનાની સીધી ઉઠાંતરી છે, એવું કહેવામાં સહેજ પણ ખોટું નથી. સ્તાલિને રશિયા માટે કરેલાં કામો એ હદે ઉમદા હતાં કે તેના દાખલાઓ યુનોમાં પણ દેખાતાં હતાં. 
મોતનો ભય અપરંપાર
સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે જે સ્તાલિનને મોતનો કોઈ ડર નહોતો એ જ સ્તાલિનને સત્તા પર આવ્યા પછી મોતનો ડર પેસી ગયો હતો. પોતાના કાર્યકાળ દરમિયાન સ્તાલિને પોતાના મોતના પ્લાનિંગ કરવાના ગુનાના આરોપસર સોથી વધુ વ્યક્તિઓને ફાંસીની સજા ફટકારી હતી. ૧૯૩૭માં તેણે પોતાની જ સરકારના ૧૩ મિનિસ્ટર સામે આ સંદર્ભનો કેસ દાખલ કરી એ તમામ મિનિસ્ટરોને મોતની સજા ફટકારી હતી. એ સમયે દુનિયાભરમાં દેકારો બોલી ગયો હતો. સ્તાલિનને મોતની એ હદે બીક પેસી ગઈ હતી કે તે રાતે રૂમમાં પણ એકલો સૂતો નહોતો. પમી માર્ચ, ૧૯૫૩ના તેનું હાર્ટએટેકથી મોત થયું. મરતાં પહેલાં તેણે આ મોતની શંકા વ્યક્ત કરી હતી એટલે રશિયન સરકારે સ્તાલિનના મોતની ઇન્ક્વાયરી આઠ વર્ષ સુધી ચલાવી હતી. જોકે એ મોત કુદરતી જ પુરવાર થયું હતું.
સ્તાલિનનાં કુચ્ચારણો
* એક સારો વિચાર ગનથી પણ વધુ પાવરફુલ હોય છે અને એટલે જ દુશ્મનને મારવા માટે હું ગનનો નહીં, વિચારનો હિમાયતી છું.
* આગળ વધવા માટે જો કોઈના પર ચડાઈ કરવાની હોય તો એ ચડાઈ વાજબી છે, ચડાઈ કર્યા પછી જો કોઈને મોત આપવાનું હોય તો એ મોત આપવું પણ જરૂરી છે.
* ઘરે આવેલાનો સત્કાર જેમ એક ધર્મ છે એમ યુદ્ધના મેદાનમાં મળેલાને ગોળી આપવી એ પણ એક સત્કાર છે.

No comments:

Post a Comment