Friday, July 27, 2012

આ ભડવીરે અવકાશમાંથી મોતની છલાંગ લગાવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો


મેક્સિકો, તા. ૨૭
ઓસ્ટ્રિયાના ફેલિક્સ બોમગાર્ટનરે પૃથ્વીથી ૧૮ માઇલ (૯૫,૦૪૦ ફૂટ) ઉપર અવકાશમાંથી કોઈ પણ મશીનની મદદ વિના છલાંગ લગાવી એક નવો વિક્રમ સ્થાપ્યો છે. ૪૩ વર્ષીય ફેલિક્સ એક બલૂનની મદદથી કેપ્સ્યુલમાં બેસીને અવકાશમાં પહોંચ્યો હતો. ત્યાર પછી તેણે ૮૬૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુક્ત છલાંગ (પેરાશૂટ ખોલ્યા પહેલા) લગાવી હતી. ત્રણ મિનિટ અને ૪૮ સેકન્ડ સુધી મુક્ત છલાંગ લગાવ્યા બાદ તેણે પેરાશૂટ ખોલ્યો હતો અને ન્યૂ મેક્સિકોના રોઝવેલમાં સફળ ઉતરાણ કર્યું હતું. તેણે લગાવેલી છલાંગનું કુલ અંતર પૃથ્વીથી ઉપર ૨૯ કિલોમીટર હતું.
પડકાર
ફેલિક્સના ટીમ મેમ્બર્સ માટે મોટો પડકાર હતો તેનો ખાસ સૂટ. ફેલિક્સના સૂટમાં જરાય પણ ખામી તેના માટે જોખમ સાબિત થઈ શકે તેમ હતી, કારણ કે વધુ ઊંચાઈએ લોહીના પરિભ્રમણ પર અસર પહોંચે છે, ઉપરાંત ૩૦ કિલોમીટરની ઊંચાઈએ તાપમાન શૂન્યથી નીચે ૭૦ ડિગ્રી હોય છે. ફેલિક્સનું સૂટ અવકાશયાત્રી જેવું જ બનાવાયું હતું. સૂટમાં ખાસ એરપ્રેસર હતું, જેથી શ્વાસ લેવા માટે તેને ઓક્સિજન સપ્લાય મળી રહે.
અનેરાં સાહસ
ફેલિક્સ અગાઉ મલેશિયાના પેટ્રોનાસ ટાવર તથા તાઇવાનની ૧૦૧ માળની બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી ચૂક્યો છે. ગત ૧૫મી માર્ચે તેણે ૨૨ કિલોમીટર ઊંચાઈએથી છલાંગ મારી હતી.
૯૫,૦૪૦
ફૂટ ઊંચે અવકાશમાંથી ફેલિક્સે સ્કાય ડાઇવિંગ કર્યું.
૮૬૩
કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેલિક્સે ફ્રી ફોલિંગ કર્યું હતું.
૩૭
કિલોમીટર ઊંચાઈથી હવે છલાંગ મારવાની યોજના છે.
૨૫૦૦
વખત ફેલિક્સ વિમાન, હેલિકોપ્ટર્સ
તથા વિવિધ ઇમારતો પરથી છલાંગ લગાવી ચૂક્યો છે.
૫૦ વર્ષથી અતૂટ વિક્રમ
સૌથી વધુ ઊંચાઈ ૧૯.૫ માઇલ (૧,૦૨,૯૬૦ ફૂટ)એથી છલાંગ લગાવવાનો વિક્રમ અમેરિકી હવાઈ દળના ટેસ્ટ પાઇલટ જો કિટિંગરના નામે છે. તેમણે ૧૯૬૦માં ૧૬મી ઓગસ્ટે ન્યૂ મેક્સિકોમાં આ વિક્રમ બનાવ્યો હતો. હાલ ૮૪ વર્ષના કિટિંગર ફેલિક્સના કારનામા દરમિયાન હાજર હતા.
મોતની છલાંગ
રશિયાના પ્યોત્ર ડોલ્ગોવે ૧૯૬૨માં ૯૩,૦૦૦ ફૂટ ઊંચાઈએથી છલાંગ લગાવી હતી, પરંતુ સ્પેસસૂટ ક્ષતિગ્રસ્ત થતાં હવામાં જ તેમનું મૃત્યુ થયું હતું. ઉપરાંત ૧૯૬૬માં અમેરિકી સ્કાય ડાઇવર નિક પિન્ટાનિડા પણ ૫૭,૬૦૦ ફૂટ છલાંગ લગાવ્યા બાદ કોમામાં જતા રહ્યા હતા, કેટલાક મહિનાઓ બાદ તેમનું પણ મૃત્યુ થયું હતું.
ફેલિક્સ એક બલૂનની મદદથી કેપ્સ્યુલમાં બેસીને અવકાશમાં પહોંચ્યો હતો.

No comments:

Post a Comment