Tuesday, July 31, 2012

આ ડોક્ટર દર વર્ષે અમેરિકાથી સેવા કરવા વતન આવે છે!


વિગતવાર  - વિરેન્દ્રસિંહ અટોદરિયા
દક્ષિણ ગુજરાતનો આદિવાસી વિસ્તાર તેના પછાતપણા માટે જાણીતો છે. દૂર સુદૂર ફેલાયેલાં ગામડાંઓ, રસ્તાનાં ઠેકાણાં નહીં અને વળી જંગલ વિસ્તાર. આ વિસ્તારમાં રહેતા લોકોની જિંદગીમાં અંધકારરૂપી ઓળાઓનો પાર નથી, પણ પ્રજ્ઞાબહેન મુકુલભાઈ કલાર્થી નામે એક આશાનું કિરણ પણ છે!
અમેરિકામાં રહેતાં પ્રજ્ઞાબહેન છેલ્લાં ૧૩ વર્ષથી દર વર્ષે નિયમિત છ મહિના અહીં આવે છે. દર્દીઓને મફત તપાસી આપે છે,સારવાર કરે છે અને જરૂર પડયે કાવડિયા ખર્ચી દવા પણ અપાવે છે. આણંદ જિલ્લાના પલાણા ગામનાં પ્રજ્ઞાબહેન આમ તો અમેરિકાના સ્પ્રીંગફિલ્ડમાં રહે છે. તેઓ ગાયનેકોલોજિસ્ટમાં એમ.ડી. (ડોક્ટર ઓફ મેડિસિન) થયેલાં છે. અમેરિકામાં તેઓ કેદીઓ માટેની હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેમનાં લગ્ન ૧૯૯૮માં ભરૂચ જિલ્લાના ઘમણાદ ગામમાં થયેલાં.
સેવા પ્રજ્ઞાબહેનને વારસામાં મળેલી છે. મૂળ ભરૂચ જિલ્લાના ઘમણાદ ગામના દીપચંદભાઈ શાહ વર્ષો પહેલાં ૧૮૦૦ વીઘાની જમીનના માલિક હતા. તેમના પુત્ર ઉત્તમભાઇ શાહ ગાંધીયુગમાં રંગાઇ જઇને તેઓ પોતાની મિલકતમાં ભાગ ન લેવાની શરતે તેમણે કચડાયેલા લોકો માટે સેવાનું કામ શરૂ કરી દીધું હતું. ઉત્તમભાઇ શાહે તેમની દીકરી નિરંજનાબહેન કલાર્થીને વર્ષો પહેલાં સ્વરાજ આશ્રમમાં જ સરદાર કન્યા વિદ્યાલયના નામે સેવાકીય પ્રવૃત્તિ માટે આગળ ધરી દીધાં હતાં. એ નિરંજનાબહેનનાં દીકરી એટલે આપણાં પ્રજ્ઞાબહેન.
પ્રજ્ઞાબહેને લગ્ન બાદ તરત જ ગુરુદેવ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ રામનગર રાંદેરના વિશ્વનાથ અવધૂતની અનુમતિએ વર્ષમાં ૬ માસ અમેરિકાથી ગુજરાતમાં આવીને તબીબીક્ષેત્રે નિયમિત સેવા આપવાનું શરૂ કર્યું. એક અઠવાડિયામાં પાંચ દિવસ ગામડાંઓમાં જઇને ગરીબ દર્દીઓને મેડિકલ ચેકઅપ કરીને તદ્દન મફત દવા આપે છે. જે ગામમાં તેઓ જાય ત્યાં કામચલાઉ દવાખાનું ઊભું કરી દે છે. તેઓ મોબાઈલ વાનમાં ફરતું દવાખાનું લઈને જ ગામડાંઓ ખૂંદે છે. તેમની સાથે હોય તેમનો ડ્રાઈવર અને એક સહાયક.
આ સેવામાં એમ.ડી થયેલા બાવન વર્ષીય ભાસ્કરભાઈ વખારિયા પણ ક્યારેક જોડાતા હોય છે. પ્રજ્ઞાબહેન એક માસમાં અંદાજે ૧૮૦૦ જેટલા દર્દીઓને તપાસી દવા આપે છે. તેમના ફરતા દવાખાનામાં એક વિશેષતા એ છે કે ગામડાંમાં જે ઘરે જઇને દવાખાનું ચલાવે તેનું પાણી કે કોઇ વસ્તુ ખાતાં પણ નથી. ગામ પર કોઈ પણ પ્રકારનો બોજ બન્યા વગર સેવા કરે છે. ઘણી વાર તો મેડિકલ ટ્રીટમેન્ટ માટે મળસ્કે ૪ વાગ્યા સુધી દર્દીઓને તપાસતાં હોય છે. કામ પૂરું કરીને જ પોતાના ઘરે જતાં હોવાથી ઘણા દર્દીઓ આવતા હોય છે. પ્રજ્ઞાબહેનને જોકે આ બધાં કામનો થાક નથી લાગતો, હા, સંતોષ જરૂર અનુભવે છે. 

No comments:

Post a Comment