Tuesday, April 30, 2013

શમશાદ : ગાયકીની દુનિયાની પહેલી બેગમ (એકસ્ટ્રા કોમેન્ટ)


એક્સ્ટ્રા કોમેન્ટ - કૃષ્ણકાંત ઉનડકટ
શમશાદ બેગમ માત્ર સારા સિંગર ન હતાં, એક ઉમદા માણસ પણ હતાં. ૨૦ વર્ષ સુધી તેણે ગાયકીની દુનિયામાં રાજ કર્યું પણ એકેય વિવાદ કે લફરામાં કોઈ આંગળી ચીંધી ન શકે એવું તેમનું વ્યક્તિત્વ હતું. નો પાર્ટી, નો ફંક્શન અને નો ગ્લેમર, બધાથી પર રહીને ચમકતા રહેવાની કળા બધાને સિદ્ધ નથી હોતી !
નવ દિવસ પછી તારીખ ત્રીજી મેએ હિન્દી સિનેમાને સો વર્ષ પૂરાં થશે. શમશાદ બેગમનો જન્મ ૧૪મી એપ્રિલ, ૧૯૧૯ના રોજ થયો હતો. શમશાદના જન્મ વખતે હિન્દી સિનેમા છ વર્ષનું હતું, એટલે એમ કહી શકાય કે હિન્દી સિનેમા અને શમશાદ બેગમ એકસાથે મોટાં થતાં હતાં. સિનેમા જ્યારે રંગ પકડતું હતું ત્યારે જ બોલિવૂડને શમશાદનો સ્વર મળ્યો અને ગાયિકીની આખી દુનિયા જ બદલાઈ ગઈ. ૧૩૦૦થી વધુ ગીતો ગાનાર શમશાદ બેગમે ૨૦ વર્ષ સુધી સ્વરના સિંહાસન ઉપર બિરાજી રાજ કર્યું હતું.
એકદમ લોપ્રોફાઈલ રહેનાર શમશાદ બેગમ ફિલ્મી ગ્લેમરથી ઓલવેઝ દૂર જ રહ્યાં હતાં. સ્ટુડિયોમાં રેકોર્ડિગ પતે એટલે સીધા ઘરે પહોંચી જવાનું. એ પાર્ટી એનિમલ ન હતાં. પંક્શન્સમાં પણ ભાગ્યે જ દેખાતાં. તેઓ કહેતાં કે લોકોને મારા અવાજ સાથે લગાવ છે અને એ તેના સુધી પહોંચી જાય છે. ઘરે જમવાનું પણ પોતે જ બનાવતાં. ક્યારેક કોઈ વિવાદ કે લફરામાં ફસાયા ન હોય તેવી બોલિવૂડની હસ્તી શોધવી અઘરી પડે, પણ જો આવું કોઈ લિસ્ટ બને તો કદાચ સૌથી ઉપર શમશાદ બેગમનું નામ આવે.
તેમના અવાજમાં એક અનોખો જાદુ હતો. એ સમયે શમશાદ અને નૂરજહાંની સરખામણી ખૂબ જ થતી. હિન્દી ફિલ્મ જગતના રેડી રેફરન્સ તરીકે ઓળખાતા અરવિંદ શાહ શમશાદના દિવસોને યાદ કરીને કહે છે કે, શમશાદ અને નૂરજહાં બંને બોલિવૂડમાં નસીબ ચમકાવવા લાહોરથી મુંબઈ આવ્યાં હતાં. બંનેને ફિલ્મમાં ગીત ગાવાનો પહેલો ચાન્સ ગુલામ હૈદરે આપ્યો હતો. શમશાદે'ખજાનચી' અને નૂરજહાંએ 'ખાનદાન'માં પહેલું ગીત ગાયું. બંનેએ સારું નામ મેળવ્યું. સફળ થયાં. તેમનાં ગીતો લોકોને કંઠે રહેતા. પાર્ટિશન વખતે નૂરજહાં પાકિસ્તાન ચાલ્યા ગયા, પણ શમશાદ બેગમે મુંબઈ છોડવું ન હતું.
શમશાદની કરિયર થોડીક વિચિત્ર રીતે થઈ હતી, તેનું પહેલું જ ગીત ખોટા નામે રિલીઝ થયું હતું ! શમશાદના કાકા અમીરૂદ્દીન ગીત-સંગીતના શોખીન હતા. શમશાદ ઘરના પ્રસંગોમાં ગીતો ગાતી હતી ત્યારે દીકરીનો હુન્નર એ ઓળખી ગયા. 'જેનોફોન' નામની રેકોર્ડિગ કંપનીમાં શમશાદને લઈ ગયા. વોઈસ ટેસ્ટ આપ્યો અને કંપનીએ કહ્યું કે, આજે ને આજે કોન્ટ્રાક્ટ સાઈન કરો. તમને એક ગીતના સાડા બાર રૂપિયા મળશે. કંપનીએ પહેલું રેકોર્ડિગ કર્યું એ ગીત નહીં 'જય જગદીશ હરે' આરતી હતી ! આ ગીત સાથે ગાયકનું નામ જોયું ત્યારે શમશાદ બેગમ ચોંકી ગયાં ! એમાં નામ હતું, ઉમાદેવી ! એવું કહેવાયું કે હિન્દુ આરતીમાં મુસ્લીમ નામ સારું નહીં લાગે. શમશાદે કહ્યું કે આવું નહોતું કરવું જોઈતું ! અલબત્ત એ આરતી જબરદસ્ત હિટ થયેલી. જો કે ઉમાદેવી વાત જાહેર થઈ ત્યારે એવી મજાક ઊડેલી કે પહેલા જ ગીતમાં શમશાદ બેગમનો ધરમપલટો થઈ ગયો !
જો કે આવા બધા વિવાદોથી પણ શમશાદ બેગમ પર રહ્યાં હતાં. શમશાદના પિતા હુસેન બક્ષ ખાન ઓવરસિયર હતા. બાર ભાઈ-બહેનમાં નામ કાઢયું માત્ર સાત ધોરણ ભણેલી શમશાદે. માત્ર ૧૭ વર્ષની વયે શમશાદે હિન્દુ એડવોકેટ ગણપતલાલ બટ્ટો સાથે લવમેરેજ કર્યા હતા. ૧૯૫૬માં ગણપતલાલનું અવસાન થયું. પછી ચારેક વર્ષ ગાઈને શમશાદ બેગમે ફિલ્મ અને ગાયકીને બાયબાય કહી દીધું હતું.
સંગીતકાર ઓ. પી. નૈયરે ક્યારેય લતા મંગેશકર પાસે ગીત ગવડાવ્યું ન હતું, તેમની એક માત્ર ચોઈસ શમશાદ બેગમ હતાં. જો કે શમશાદ અને લતા મંગેશકરે ઘણાં ગીતો સાથે ગાયાં છે. એમાંયે બંનેએ સાથે ગાયેલી 'મુઘલ-એ-આઝમ'ની કવ્વાલી 'તેરી મહેફિલ મેંે કિસ્મત આજમા કર હમ ભી બેઠેગે...' તો હજુ પણ એવી ને એવી પોપ્યુલર છે. શમશાદ કહેતાં કે મને કોઈની સામે ક્યારેય કોઈ વાંધો જ નથી રહ્યો !
પોતાના અવસાનની ખોટી ખબર ઊડી ત્યારે પણ એ હસતાં હતાં. અખબારોમાં એવા સમાચાર છપાઈ ગયા કે સુપ્રસિદ્ધ ગાયિકા શમશાદ બેગમનું અવસાન. હા શમશાદનું અવસાન થયું હતું, પણ એ શમશાદ સાયરાબાનુનાં નાની હતાં. સાયરાબાનુનાં માતા નસીમબાનુ અને નસીમબાનુનાં માતાનું નામ શમશાદ હતું, જો કે એ શમશાદ 'છમિયા'ના નામે વધુ મશહૂર હતાં. શમશાદ ઉર્ફે 'છમિયા' દિલ્હીની મશહુર તવાયફ હતી. આ શમશાદનું મૃત્યુ થયું ત્યારે ઘણાએ શમશાદ બેગમના અવસાનના ખબર છાપી નાખ્યા હતા. કરુણતા જુઓ, હવે જ્યારે ખરેખર શમશાદ બેગમનું અવસાન થયું છે ત્યારે એક-બે ટી.વી. ચેનલે એવું ચલાવ્યું કે શમશાદ બેગમ સાયરાબાનુનાં નાનીમા હતાં !
કિશોરકુમાર સ્ટ્રગલ કરતા હતા ત્યારે તેણે શમશાદ બેગમને પૂછયું હતું કે, આપા, આપ કે જૈસા કભી મેરા નામ હોગા કી નહીં ! ત્યારે શમશાદ બેગમે તેને સફળતાની ચિંતા કર્યા વગર મહેનત કરતા રહેવાની શિખામણ આપી હતી અને એક સમયે કિશોરકુમારનું નામ ટોપ પર હતું.
શમશાદ બે વ્યક્તિને હંમેશાં આદર આપતાં. એક તો ગુલામ હૈદર અને બીજા ઓ. પી. નૈયર. ૧૯૬૦માં શમશાદ બેગમે ગાવાનું છોડી દીધું તેના આઠ વર્ષ બાદ ઓ.પી. નૈયરે ગીત ગાવાની વિનંતી કરી. ઓ.પી.ને ના ન કહી શકાય એટલે તેણે આઠ વર્ષના બ્રેક પછી 'કિસ્મત' ફિલ્મમાં 'કજરા મુહોબતવાલા, અંખિયો મેં ઐસા ડાલા...' ગીત ગાયું અને આ છેલ્લું ગીત પણ જબરદસ્ત હિટ રહ્યું હતું. શમશાદનું એક ગીત જે હજુ પણ લોકોની રિંગટોન બનતું રહ્યું છે એ છે, મેરે પિયા ગયે રંગુન, વહાં સે કિયા હૈ ટેલિફુન... હિટ થયું, પણ સાથોસાથ એ વાત પણ ખૂબ ચર્ચામાં રહી હતી કે આ ગીત આવ્યું ત્યારે ભારત અને રંગુન (બર્મા-મ્યાનમાર) વચ્ચે ટેલિફોન ર્સિવસનું અસ્તિત્વ જ નહોતું !
શમશાદ બેગમ પોતાના જીવન અને કરિયરની વાત નીકળતી ત્યારે પોતાની મેન્ટર ગુલામ હૈદરે શીખવાડેલી બે વાત જ કહેતા. એક તો ગમે તે બનો, પણ સૌથી પહેલાં સારા માણસ બનવાનું અને બીજી વાત એ કે, સિંગર ઇઝ ઓલવેઝ લાઈક વોટર, જેમ પાણી ગ્લાસ, કળશ, માટલી, નદી, તળાવ, ઝરણું અને દરિયા બધામાં પોતાનું સ્થાન બનાવી અને સ્વીકારી લે છે એમ સિંગરે પણ તમામ પ્રકારનાં ગીતો શીખી અને ગાતાં રહેવાના... કોઈ જાતના ઠઠારા વગર શાનથી જીવનાર 'બેગમ'ને સલામ !

No comments:

Post a Comment