Sunday, January 20, 2013

ટાટાના નવા સુકાની - સાયરસ મિસ્ત્રી (બાયોગ્રાફી)

Jan 12, 2013

બાયોગ્રાફી - હસમુખ ગજ્જર
દેશના મોટા ગણાતા બિઝનેસ ગ્રૂપ ટાટાના ચેરમેનપદેથી રતન ટાટાએ નિવૃત્તિ લેતાં તેમના સ્થાને ૨૮ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ ૪૪ વર્ષના સાયરસ મિસ્ત્રીએ સુકાન સંભાળ્યું છે. કોઈ પણ કોર્પોરેટ જૂથમાં નેતૃત્વ બદલાય એટલે કેવું ચાલશે કેવું રહેશે એવી અટકળોનો દોર શરૂ થઈ જાય છે. ટાટાનો બિઝનેસ વારસો સંભાળવાની, જાળવવાની અને ફેલાવો કરવાની જવાબદારી હવે સાયરસના શીરે છે. જોકે આ નવયુવાન સફળતાપૂર્વક સંચાલન કરવાના ગુણો ધરાવે છે એવું સૌ માને છે.
  • નામ      સાયરસ મિસ્ત્રી
  • જન્મ     ૪ જુલાઈ, ૧૯૬૮
  • પિતા      પાલોનજી મિસ્ત્રી
  • માતા     પેસ્ટી પેરીન દુબાસ
  • હોદ્દો      ટાટા જૂથના નવા ચેરમેન
 
  • સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ
  • ૪ જુલાઈ, ૧૯૬૮ના રોજ થયો હતો, તેમના પિતા પાલોનજી મિસ્ત્રી કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ બિઝનેસ સાથે સંકળાયેલા છે જ્યારે તેમનાં માતાનું નામ પેસ્ટી પેરીન દુબાસ જે આયર્લેન્ડનાં વતની છે. મિસ્ત્રી મુંબઈની કેથેડ્રેલ અને જોન કોનન સ્કૂલમાં ભણ્યાં છે.
  • તેમણે ૧૯૯૦માં લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં બીઈ સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી જ્યારે ૧૯૯૭માં બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ઓફ સાયન્સ ઇન મેનેજમેન્ટનો પણ અભ્યાસ કર્યો છે.
  • ગ્રેજ્યુએટ થયા પછી ૧૯૯૧માં સાયરસ પિતાની બિઝનેસ કંપની શાપુરજી પાલોનજી એન્ડ કંપનીમાં ડિરેક્ટર તરીકે જોડાયા.
  • ૧૯૯૪માં શાપુરજી પાલોનજી કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું.
  • તેમના કુશળ નેતૃત્વના લીધે કંપનીનો કારોબાર મિડલ ઇસ્ટ અને આફ્રિકા સુધી ફેલાયો હતો. બાયો ફ્યુઅલ અને એગ્રીકલ્ચર ક્ષેત્રે ઇથોપિયા દેશમાં ૫૦ હજાર હેકટર જમીન લીઝ પર લીધી હતી.
  • ભારતમાં તેમના નેતૃત્વ હેઠળ કંપની દિલ્હી મેટ્રો નેટવર્ક, ભારતનો લાંબો રેલવે બ્રિજ, ભારતનો સૌથી લાંબો ડ્રાય ડક તથા હાઉસિંગ જેવાં અનેક એન્જિનિયરીંગ કન્સ્ટ્રક્શન સાહસો સાથે સંકળાયેલી રહી હતી.
  • ૧૯૯૨માં સાયરસનાં લગ્ન વરિષ્ઠ વકીલ ઇકબાલ ચાંગલાની દીકરી રોહિકા ચાંગલા સાથે થયાં. રોહિકાના દાદા મોહમ્મદ અલી કરીમ ચાંગલા સ્વતંત્ર ભારતની મુંબઈ હાઈકોર્ટના પ્રથમ ન્યાયાધીશ હતા.
  • ૧ સપ્ટેમ્બર, ૨૦૦૬માં સાયરસે ટાટા ગ્રૂપમાં ડિરેક્ટર તરીકે પ્રવેશ કર્યો અને ટાટાના બિઝનેસ અને કલ્ચરથી રૂબરૂ પરિચિત થયા. સાયરસ જોડાયા ત્યારે રતન ટાટાના નેતૃત્વ હેઠળ ગ્રૂપમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો. ટાટાએ ટેટલી, જગુઆર જેવી અનેક કંપનીઓને ટેકઓવર કરવાથી માંડીને ટાટાના તમામ બિઝનેસ પ્રોજેક્ટોની નિર્ણય પ્રક્રિયા હાથ ધરી તેમાં સાયરસે ખૂબ જ ખંતથી રસ લીધો. કહેવાય છે કે ત્યારથી જ રતન ટાટાને તેમનામાં ટાટા ગ્રૂપના ભાવિ સુકાનીનાં દર્શન થવા માંડયાં હતાં.
  • ઓગસ્ટ ૨૦૧૦માં રતન ટાટાના નવા અનુગામીની શોધ માટે પાંચ સભ્યોની કમિટી નિમવામાં આવી ત્યારે કોર્પોરેટ જગતનું માનવું હતું કે રતન ટાટાના ઉત્તરાધિકારી તરીકે તેમના સાવકા ભાઇ નોવેલ ટાટા જ આવશે, પરંતુ તા ૨૮ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ કોલકાતા ખાતે મળેલી ટાટા બોર્ડની મિટિંગમાં સાયરસ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી. આ પહેલાં સાયરસ ટાટા ગ્રૂપમાં ડેપ્યુટી ચેરમેનનો હોદ્દો ધરાવતા હતા.
  • નિવૃત્તિ લેતી વેળાએ રતન ટાટાએ જણાવ્યું કે અતિ બુદ્ધિમાન સાયરસ મિસ્ત્રી આ જવાબદારી સંભાળવા માટે સંપૂર્ણ લાયક છે.
  • ટાટાના સુકાની બન્યા પછી સાયરસ મિસ્ત્રીએ આ નવી જવાબદારીને ગંભીરતાથી લીધી અને કોઇ વાદ-વિવાદથી બચવા માટે પરિવારના બિઝનેસથી પોતાને અલગ કરી દેવાની જાહેરાત કરી.
  • સાયરસ ટાટા પરિવાર કે અટક ના ધરાવતા હોય તેવા નવરોઝજી સકલાતવાલા પછીના બીજા ચેરમેન છે, જોકે મિસ્ત્રી પરિવારને ટાટા ગ્રૂપ સાથે જૂનો નાતો છે. તેમના દાદા શાપુરજીએ ૧૯૩૦માં પહેલી વાર ટાટાના શેર ખરીદ્યા હતા. પિતા પાલોનજી હાલમાં વ્યક્તિગત ધોરણે ટાટાના ૧૮.૪ ટકા શેર ધરાવે છે.
  • સાયરસના પિતા પાલોનજી હંમેશાં લો પ્રોફાઇલ રહેવામાં માને છે. આ સ્વભાવ સાયરસમાં પણ ઊતર્યો હોવાનું માનવામાં
  • આવે છે.
  • સાયરસે રતન ટાટા પાસે રહીને ઘણો જ અનુભવ લીધો છે અને તેમની વય જોતાં ટાટા ગ્રૂપે લાંબા સમય સુધી નેતૃત્વ સ્થિરતા માટે જ તેમની પસંદગી કરી હોવાનું માનવામાં આવે છે.
  • સાયરસ મિસ્ત્રીના ટીકાકારોના જણાવ્યા અનુસાર તેમણે અમુક કોર્પોરેટ સાહસો ભલે સંભાળ્યાં હોય પરંતુ આટલી મોટી કંપની ચલાવવાનો કોઇ જ અનુભવ નથી.
  • જોકે રતન ટાટાએ ટાટા ગ્રૂપનું સુકાન પડકારો વચ્ચે સંભાળીને જે વિકાસ કર્યો તેને સાયરસ આગળ લઇ જશે એમ સૌ માને છે.
  • સાયરસના નાના ભાઈ શાપુર મિસ્ત્રીનાં લગ્ન વકીલ રૂસી શેઠનાની દીકરી બેહરોઝ સાથે થયાં છે. સાયરસને લયલા અને અલ્લુ એમ બે બહેનો પણ છે જેમાંથી અલ્લુનાં લગ્ન રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા સાથે થયાં છે.
  • શાંત પ્રકૃતિ ધરાવતા સાયરસ મ્યુઝિક, ફોટોગ્રાફી, ગોલ્ફ તથા બિઝનેસ સામયિકો વાંચવાનો શોખ ધરાવતા હોવાનું જાણવા મળે છે.
  • સાયરસ બે સંતાનોના પિતા છે, બંને બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે.
  • સાયરસ પૂના, મુંબઈ તથા આયર્લેન્ડમાં રહેણાક બંગલા ધરાવે છે.
  • સાયરસ જરથોષ્ટ્રી ધર્મ પાળે છે.

No comments:

Post a Comment